રાંદેર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે એક હસતો-રમતો પરિવાર વેરવિખેર થયો, પરંતુ રાંદેર પોલીસના પરિવારનો માળો ફરી બાંધવાના દોઢ મહિનાના પ્રયાસોથી છેલ્લા 19 વર્ષ ઘર છોડીને જતા રહેલા યુવકનું પત્ની, દીકરી અને પરિવાર સાથે સુખદ પુનર્મિલન થયું હતું.
19 વર્ષ સુધી પિતાના વાત્સલ્ય માટે તરસતી દીકરી અને પિતાના મિલન વેળાએ પોલીસ સ્ટેશનમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પિતા ઘર છોડીને જતાં રહેતા સુરતની મહિલા અને દીકરીને તેના મામા સાચવતા હતા. પણ હવે જેમ જેમ દીકરી મોટી થઈ અને સમજણ આવતી ગઈ તેમ તેને પિતાની ખોટ સાલવા લાગી, આજીવન સગાસંબંધીના સહારે કેમ રહેવું? ભવિષ્યમાં પોતાના ઘર-પરિવારના પાલન પોષણનું ધ્યાન કોણ રાખશે? એ ચિંતા દીકરીને થયા કરતી હતી. આખરે રાંદેર પોલીસના સહકારથી ઘરમાં ફરી રોનક આવી છે.
રાંદેર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, આજથી દોઢ મહિના પહેલાં રાંદેર વિસ્તારના એક પરિવારની માતા અને 19 વર્ષીય દીકરીએ રાંદેર પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવિતી જણાવી હતી. આવો કિસ્સો કદાચ જ રાંદેર પોલીસના ઈતિહાસમાં આવ્યો હશે. માતાના વર્ષ 2003માં લગ્ન થયા બાદ પતિ સાથે મુંબઈ રહેવા ગયા ત્યાં 10 મહિના રહીને સુરતમાં પરત આવ્યા. આ સમયમાં પારિવારિક ઘર-કંકાસના કારણે મહિલાનો પતિ તેને પિયરમાં મૂકીને મુંબઈ જતા રહ્યા. મહિલા સગર્ભા હતા અને વર્ષ 2004માં દીકરીનો જન્મ થયો. દીકરી છ માસની થઇ છતા પતિ મળવા આવ્યા ન હતા. એટલે મારી અને નવજાત દીકરીના નિર્વાહ માટે કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો. કોર્ટે દર મહિને ભરણપોષણના નાણા આપવા માટે હુકમ કર્યો. છતાં પતિ પરત આવતા પણ ન હતા, ભરણપોષણ ચૂકવતા ન હતા અને નામ-સરનામાની કોઈ ભાળ પણ ન હતી.
વધુમાં ચૌધરીએ કહ્યું કે, દીકરીની આંખમાં 19 વર્ષથી પિતાને ક્યારેય ન જોયાનું દુ:ખ સ્પષ્ટ જોવા મળતું હતું. માતા-દીકરીની વેદનાને અનુભવી રાંદેર પોલીસની ટીમે તત્પરતા દાખવીને ગુમ પિતાને શોધવા સગાસંબંધીઓના ઘર સહિત મુંબઈ-ગોવા પોલીસની મદદ લીધી, અનેક સ્થળે તપાસ કરી. વર્ષ 2021માં મહિલાના સસરાનું અવસાન થયું એટલે આશા હતી કે પિતાના મરણ-પ્રસંગમાં હાજરી આપશે. પણ તે પિતાની અંતિમક્રિયામાં પણ ન આવ્યા. એટલે દીકરી અને માતાએ આશા છોડી દીધી કે હવે તેમનું મોં જોવા મળશે કે કેમ?
સુરતના ઓલપાડ નજીકના ગામથી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્કવિહોણા પિતાને શોધવામાં સફળતા મળી હતી. બાદમાં દીકરીને ફોન કરીને ‘તારા પિતા મળી ગયા છે’ એમ જણાવ્યું ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન હતો. તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે ખૂબ જ ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. દીકરી અને માતાને વિશ્વાસ થતો ન હતો કે તેમના સ્વજન પરત આવ્યા છે.
આ ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું કે, પોલીસ સ્ટાફે જ્યારે દીકરીને કહ્યું કે, ‘બેટા, આ તારા પિતા છે, ત્યારે દીકરીએ માતા સામે જોયુ. માતાએ કહ્યું કે, ‘હા બેટા, આ જ તારા પિતા છે.’ એ સાથે જ દીકરીએ રડતા રડતા પિતાને ભેટી પડી હતી. લાગણીશીલ બનેલા પોલીસ સ્ટાફની આંખોમાં આંસુ છલકાયા હતા અને માનવતાના કાર્યમાં નિમિત્ત બન્યા હોવાનો ગર્વ અનુભવતા હતા. રાંદેર પોલીસના માનવીય અભિગમથી 19 વર્ષે દીકરીને પિતા સાથે સુખદ મિલન થયું હતું.