હાલ ગરમીની સિઝનના કારણે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એસએમસીના પાર્કિંગના પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ લાગતાં 11 જેટલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. જો કે, ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતમાં વરાછા વિસ્તારમાં મોડીરાત્રે આગની ઘટના બની હતી. રાત્રે ફાયર કન્ટ્રોલ રૂમમાં આગનો કોલ મળ્યો હતો કે, વરાછામાં મિની બજાર એસએમસી મલ્ટિ લેવલ પાર્કિંગના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અચાનક આગ ભભૂકી ઊઠતા જપ્ત કરેલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં. જેમાં છ બાઈક, ત્રણ મોપેડ અને બે રિક્ષા મળી 11 જેટલાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.
સમગ્ર મામલે ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. સરથાણા, પુણા અને વરાછા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધતા સવાલો ઊઠી રહ્યા છે.