આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વિવિધ સ્થિતિઓની અસરના કારણે નવસારીમાં ચાલતા હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે. સુરત બાદ નવસારીમાં મોટો ઉદ્યોગ આવેલો છે અહીં હજારો લોકો હીરા ઉદ્યોગમાંથી રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ કારણોસર હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલી વધી છે. ક્યાંક કારખાનામાં કામના કલાકો અને રજાના દિવસ વધારી દેવામાં આવ્યા છે. તો ક્યાંક કારીગરોના ઘરખર્ચ નીકળી શકે તે માટે કારખાના ચલાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગકારો કહી રહ્યા છે કે, જો દિવાળી સુધીમાં સ્થિતિ ન બદલાય તો તેઓ માટે આગળ ટકવું મુશ્કેલ છે. નવસારીના હીરા ઉદ્યોગમાં ઉદ્યોગકારો અને કામદારોની કેવી સ્થિતિ છે તેની આગળ વિગતે વાત કરીએ.
1રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતા જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોલિશ ડાયમંડની ડિમાન્ડ ઓછી થઈ હતી. જેને કારણે ડાયમંડના વેપારીઓને ઊંચા ભાવે રફ મળતી હતી તેની સામે પોલિશ ડાયમંડ ઓછા ભાવે માંગવામાં આવતા હતા.આ મુશ્કેલીમાંથી ઉગર્યા ત્યાં અમેરિકા,બ્રિટન, રશિયા સહિતના દેશોમાં પોલિશ ડાયમંડની એકાએક માંગમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે.
વિશ્વમાં CVD ડાયમંડ એટલે કે કેમિકલ વેપોર ડિપોઝીશન નામના કૃત્રિમ હીરાની શોધ થઈ છે. આ હીરા માનવસર્જિત છે જેનો ભાવ કુદરતી હીરાની સામે વિશ્વ બજારમાં ખૂબ ઓછો બોલાય છે અને તેની લાઈફ પણ ખૂબ લાંબી આવે છે. જેના કારણે કુદરતી હીરાની સામે CVD ડાયમંડની માંગ સૌથી વધારે વૈશ્વિક બજારમાં છે. જેની સામે કુદરતી ડાયમંડનું કટીંગ એન્ડ પોલિશીંગ અલગ અલગ પ્રોસેસમાંથી પસાર થતા પોલિશ ડાયમંડના ભાવ વધે છે ડાયમંડ બજારમાં આવેલી મંદીનું એક કારણ સીવીડી ડાયમંડ પણ માનવામાં આવે છે.
નવસારી જિલ્લામાં એક સમયે 25000 જેટલા કારીગરો હીરા ઉદ્યોગમાં કાર્ય કરતા હતા. પરંતુ સમયાંતરે આવેલી મંદીના કારણે તબક્કાવાર કારીગરોમાં ઘટાડો નોંધાયો અને સૌરાષ્ટ્ર રહેતા રત્નકલાકારો પોતાના વતનમાં જ ખેતી સહિતના અન્ય રોજગારમાં જોડાયા છે. હાલમાં નવસારી જિલ્લામાં 10,000 થી ઓછા રત્ન કલાકારો આ વ્યવસાયમાં કાર્યરત છે. જેનું મુખ્ય કારણ સમયાંતરે આવતી મંદી છે. આ વખતે મેં વેકેશનમાં વતન ગયેલા કારીગરો માંથી 50% કારીગરો પરત ફર્યા નથી જેને કારણે અનેક કારખાના બંધ થયા છે.
નવસારી શહેરમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સાથે જોડાયેલા કેટલાક મોટા કારખાનાઓ પણ ધમધમે છે. જેમાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ કારખાનાઓમાં એક થી બે કલાક જેટલો સમય ઘટાડી નાખવામાં આવ્યો છે જેને કારણે રત્ન કલાકારોના પગાર પર તેની સીધી અસર પડી છે. તો સાથે જ કેટલાક કારખાનાઓમાં અઠવાડિયે બે થી વધુ રજા પણ જાહેર કરવામાં આવી છે.
નવસારી ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ કમલેશ માલાણી જણાવે છે કે અત્યારે હીરા ઉદ્યોગ માં હાલમાં મંદીનો માહોલ છે જેનું મુખ્ય કારણ પોલિશ ડાયમંડની ઘટેલી માંગ છે. પોલિશ થયેલો માલ વૈશ્વિક બજારમાં 25% થી ઓછા ભાવે માંગવામાં આવે છે. જેથી વેપારીઓને તે પોસાય તેમ નથી. જેને કારણે મેન્યુફેક્ચરિંગ યુનિટ અઠવાડિયામાં બે દિવસ રજા રાખે છે. સાથે જ કામના કલાકોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે 9 થી 5નો સમય હાલ હીરા ઉદ્યોગનો રાખવામાં આવ્યો છે મંદીનું મુખ્ય કારણ અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હીરા ઉદ્યોગમાં સંકળાયેલા રત્ન કલાકારો ને માત્ર ઘર ચલાવાય એટલી રોજગારી મળે છે જેને કારણે તેઓ મે વેકેશન બાદ નવસારી પરત ફર્યા નથી જે પણ કારખાના હાલ શરૂ છે તે માત્ર લોકોને રોજગારી મળી રહે તેવા ઉદ્દેશથી કાર્યરત છે.
પોતાની વ્યથા ઠાલવતા શંભુ નામનો રત્નકલાકાર જણાવે છે કે, હું નવસારીમાં 20 વર્ષથી કામ કરું છું પહેલા પણ મંદી આવી હતી. પરંતુ આ પ્રકારની લાંબી મંદી પ્રથમ વખત જોઈ રહ્યો છું. આખો દિવસ કામ મળતું નથી કેટલાક સમય માટે જ મળે છે.પૈસા પણ પૂરા મળતા પહેલા મારું 30 હજાર રૂપિયાનું કામ થતું હતું. પરંતુ હમણાં 10,000 રૂપિયા નું કામ કરતા પણ મુશ્કેલી થાય છે. આટલા ઓછા રૂપિયામાં ઘર કઈ રીતે ચલાવવું તેને લઈને પણ ચિંતા થાય છે.
હીરા વેપારી વસંતભાઈ જણાવે છે કે આ મંદી છેલ્લા બે વર્ષથી વધુ જોવા મળે છે, અમે કોઈ દિવસ કારીગરોને છૂટા કર્યા નથી પરંતુ દિવાળી સુધી જો આ પરિસ્થિતિ રહી તો અમારે કારીગરોને છૂટા કરીને પણ વ્યવસાય બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ આવી છે. જ્યારથી વૈશ્વિક બજારમાં સીવીટી ડાયમંડનો દબદબો કાયમ થયો છે ત્યારથી કુદરતી ડાયમંડની માંગ સતત ઘટતી રહી છે. જેને કારણે મંદીમાં સૌથી મોટું કારણ સીવીટી ડાયમંડ પણ ગણી શકાય. યુક્રેન રશિયાની વોર પણ મંદીમાં જવાબદાર છે. હાલમાં અમે પોલિશ ડાયમંડમાં 25% જેટલી ખોટ ખાઈને કામ કરીએ છીએ પરંતુ કારીગરોની રોજગારી સચવાઈ રહે તે માટે કારખાનું કાર્યરત રાખ્યું છે અત્યાર સુધી જે કંઈ પણ કમાયા છે તે હીરા ઉદ્યોગથી જ કમાયા છે જેને કારણે ખોટ ખાઈને પણ અમે હાલમાં આ ધંધો શરૂ રાખ્યો છે જો મંદિર લાંબી રહી તો આ વ્યવસાય માટે મુશ્કેલી ઊભી થશે.