સુરતમાં યુવક ફોન પર વાત કરતા કરતા બીજા માળેથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય કવીકુમાર શાહ રાત્રીના સમયે મોબાઈલ ફોન પર પત્ની સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતા કવીકુમાર બીજા માળેથી નીચે પટકાયો હતો. જે બાદ તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવકને તપાસીને મૃત જાહેર કરતા સ્નેહિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સ્નેહીજન પવનકુમાર શાહએ જણાવ્યું હતું કે, મૃતક મારા જીજાજી છે, તેઓ ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. રાત્રીના અંદાજે 12.30 વાગ્યાની આસપાસ પત્ની સાથે વાત કરતા કરતા બીજા માળેથી નીચે પડી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલ લઇ આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા છે. તેઓ મૂળ બિહારના વતની છે અને તેઓને સંતાનમાં બે બાળક અને એમ્બ્રોડરીમાં ઘાગાનું કામ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ફોન પર વાત કરતી વખતે લોકોએ સાવધાની રાખવી જરૂરી બનતી હોય છે. ઘણીવાર સાવધાની ના રાખીએ તો કેટલી હદે ભારે પડી શકે તે માટે આ લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. પરંતુ લોકો ક્યારેક રોડ-રસ્તા પર અથવા તો અગાસી પર મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા એટલા મશગુલ બની જતા હોય છે કે આસપાસનું પ્રવૃતિઓનું ધ્યાન નથી રાખતા. જેના કારણે ન બનવાના બનાવો બની જાય છે, ત્યારે હાલ તો ગોડાદરામાં રહેતો 22 વર્ષીય કવીકુમારનું મૃત્યુ નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.