દુનિયાભરના અમીર લોકોમાં દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ભારતના 29 હજાર 700 લોકો દુબઈમાં 35 હજાર પ્રોપર્ટી ધરાવે છે. તેની કિંમત 1.42 લાખ કરોડ રૂપિયા છે. સેન્ટર ફોર એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝ દ્વારા પ્રાપ્ત ડેટાના આધારે 58 દેશોનાં 74 મીડિયા હાઉસ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટને ‘દુબઈ અનલોક્ડ’ નામ આપવામાં આવ્યું છે. જેમાં 2020-22 સુધી દુબઈમાં વિદેશીઓની સંપત્તિની વિગતો શેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ યાદીમાં ભારતીયોના નામ સૌથી ઉપર છે. સંપત્તિના મામલામાં પાકિસ્તાન બીજા સ્થાને છે. અહીં 17 હજાર લોકો લગભગ 23 હજાર પ્રોપર્ટીના માલિક છે. તેમની કુલ કિંમત 91.8 હજાર કરોડ રૂપિયા છે.
યાદીમાં ત્રીજા નંબર પર બ્રિટન અને ચોથા નંબર પર સાઉદી અરેબિયાના નાગરિક છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દુબઈમાં 2 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. લુલુ ગ્રુપના ચેરમેન એમએ યુસુફ અલી અને તેમના પરિવારની પાસે 585 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આ યાદીમાં અબજોપતિ ગૌતમ અદાણીના ભાઈનું નામ પણ છે. આ સિવાય શાહરૂખ ખાન, અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટી જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ દુબઈમાં કરોડોની સંપત્તિ ધરાવે છે. રિપોર્ટ અનુસાર 2022 સુધીમાં, દુબઈમાં વિદેશીઓની કુલ સંપત્તિ 160 અબજ ડોલરની છે.
આમાં દુનિયાભરનાં ભ્રષ્ટાચારના આરોપી રાજનેતા, સેલિબ્રિટી, બિઝનેસમેન સિવાય એવા લોકો પણ સામેલ છે, જેમના ઉપર ગુનાના કેસ નોંધાયેલાં છે. કંગાળ પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીથી લઇને પૂર્વ સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફ સુધીનું નામ આ યાદીમાં સામેલ છે.
રિપોર્ટ અનુસાર માર્ચ 2014માં અબ્દુલ ગની માજિદ નામની વ્યક્તિએ ઝરદારીને દુબઈમાં એક પેન્ટહાઉસ ગિફ્ટ કર્યું હતું. ત્યારે તેની કિંમત 2.74 હજાર કરોડ રૂપિયા હતી. બાદમાં રાષ્ટ્રપતિએ આ મિલકત તેમની દીકરીને ભેટમાં આપી હતી.
ઝરદારીના પુત્ર અને પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પાસે પણ દુબઈમાં સંપત્તિ છે. તેમના સિવાય નવાઝ શરીફના પુત્ર હુસૈન નવાઝ શરીફ, ગૃહમંત્રી મોહસિન નકવી, ઘણા સાંસદો અને ધારાસભ્યો પણ દુબઈમાં કરોડોની સંપત્તિના માલિક છે.
જાપાની મીડિયા નિક્કેઈ એશિયાએ દુબઈ અનલોક્ડના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે દુબઈમાં ઘણા આતંકવાદી સંગઠનોના સભ્યો પાસે પણ લાખો કરોડોની સંપત્તિ છે. તેમાં હુતી બળવાખોરો અને લેબનોનથી કાર્યરત હિઝબુલ્લા સંગઠનના સભ્યોના નામ સામેલ છે.
હિઝબુલ્લાહ સંગઠન માટે મની લોન્ડરિંગનો આરોપી અલી ઓસિરાન બુર્જ ખલીફામાં મિલકત ધરાવે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની પણ દુબઈમાં મિલકત છે. આ યાદીમાં જાપાનના 1,000 લોકોના નામ પણ સામેલ છે જેમના પર ગેરકાયદેસર કામ કરવાનો આરોપ છે.
વિશ્વનું રિયલ એસ્ટેટ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. બ્રિટિશ પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં અહીં ઘરની કિંમતમાં ત્રણ ગણો વધારો થયો છે. 2021 પછી બુર્જ ખલીફામાં એક કોમ્પ્લેક્સની કિંમત 55% વધારો થયો છે.
2023માં દુબઈમાં 10 મિલિયન (લગભગ 83.49 કરોડ રૂપિયા)ના 431 મકાનો વેચાયા હતા. આ વિશ્વના અન્ય શહેરોની સરખામણીમાં સૌથી વધુ છે. આ મામલામાં લંડન 240 મકાનો સાથે બીજા ક્રમે અને ન્યૂયોર્ક 211 મકાનોના વેચાણ સાથે ત્રીજા સ્થાને છે.
2022થી દુબઈમાં 4.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદીને અહીં સરળતાથી લાંબા ગાળાના વિઝા મેળવી શકાય છે. વિઝા નિયમોમાં આ ફેરફાર બાદ, દુબઈ રિયલ એસ્ટેટમાં 2022માં ખરીદ મૂલ્યમાં 76.5% અને સંખ્યામાં 44.7%નો વધારો નોંધાયો હતો. માત્ર એક વર્ષમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણકારોની સંખ્યામાં 53%નો વધારો થયો છે, જે એક રેકોર્ડ હતો.