અર્જુન તેંડુલકર હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલી રેડ બોલ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે જ્યાં તેણે ગોવા ક્રિકેટ એસોસિએશનને શાનદાર જીત અપાવી હતી. અર્જુન તેંડુલકરે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી અને બેટથી પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે અર્જુન તેંડુલકરે પોતાની તોફાની બોલિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ડાબોડી ફાસ્ટ બોલર હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલી ડોક્ટર કે થીમપ્પિયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે, જ્યાં તેણે ગોવા તરફથી રમતી વખતે KSCA XI સામે ધમાલ મચાવી હતી. અર્જુને આ રેડ બોલ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને ગોવાને ઈનિંગ અને 189 રનથી જીત અપાવવામાં મદદ કરી. ગોવા ક્રિકેટ એસોસિએશન માટે અર્જુન તેંડુલકરે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં તેણે પાંચ વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં આ ખેલાડીએ ચાર વિકેટ ઝડપી હતી.
અર્જુન તેંડુલકરે KSCA XI સામે પ્રથમ દાવમાં માત્ર 41 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અર્જુન તેંડુલકરે એકલા હાથે KSCA XI ના પ્રથમ પાંચ બેટ્સમેનમાંથી ચારને આઉટ કર્યા અને પછી અક્ષન રાવની વિકેટ લઈને તેની પાંચ વિકેટ પૂરી કરી. KSCA ઈલેવનની ટીમ પ્રથમ દાવમાં માત્ર 103 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગોવા ક્રિકેટ એસોસિએશનની ટીમે પ્રથમ દાવમાં 413 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અભિનવ તેજરાનાએ 109 રનની ઈનિંગ રમી હતી. મંથન ખુટકરે 69 રનની ઈનિંગ રમી અર્જુન તેંડુલકરે 18 રનનું યોગદાન આપ્યું હતું.
આ પછી અર્જુન તેંડુલકરે બીજી ઈનિંગમાં ફરી પોતાની બોલિંગ કૌશલ્ય સાબિત કરી. આ વખતે KSCA ઈલેવનની ટીમ માત્ર 121 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ વખતે પણ સૌથી વધુ નુકસાન અર્જુને કર્યું હતું. અર્જુને બીજી ઈનિંગમાં 55 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ રીતે અર્જુને કુલ 9 વિકેટ પોતાના નામે કરી હતી. અર્જુને તેના પરફોર્મન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.
અર્જુન તેંડુલકર માટે આગામી રણજી સિઝન ઘણી મહત્વની છે. આવતા મહિનાથી રણજી ટ્રોફી શરૂ થઈ રહી છે અને તે પહેલા આ ખેલાડી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગોવા માટે સારું પ્રદર્શન તેના માટે વધુ દરવાજા ખોલી શકે છે. અર્જુનના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો તેણે 13 મેચમાં 21 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય આ ખેલાડીએ બેટથી પણ પોતાની તાકાત બતાવી છે. અર્જુને રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે અને 481 રન બનાવ્યા છે.