વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસીટી 500 ગીગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝીશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે. સોલાર રૂફટોપ માટેની “પી.એમ સૂર્ય ઘર” એક યુનિક યોજના છે, અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 1.30 કરોડ પરિવારોએ નોંધણી કરાવી છે. જે પૈકીના અંદાજે સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર રૂફટોપ પેનલનું ઈંસ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં 60 વર્ષ પછી જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સોંપ્યું છે, એ જ દર્શાવે છે કે 140 કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે. કેન્દ્ર સરકારના છેલ્લાં 10 વર્ષના સુશાસનમાં દેશના યુવાનો-મહિલાઓની આકાંક્ષાઓને જે પાંખો મળી છે, તેને નવી દિશાની ઉડાન માટે પ્રેરક બળ મળી રહેશે. દેશના ગરીબ, દલિત, શોષિત, પીડિત અને વંચિતોને ભરોસો છે કે તેમના ગરિમાપૂર્ણ જીવનનો પાયો બનશે.
ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જાના ભવિષ્ય, ટેક્નોલૉજી અને પોલિસી નિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થવા માટે સમગ્ર દેશ આજે સંકલ્પબદ્ધ થઈને કામ કરી રહ્યો છે. ત્યારે આજની ઈવેન્ટ 2047માં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્નસિદ્ધી તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે, જે સરકારની ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસના કાર્યકાળમાં પ્રતિબિંબિત થાય છે. જેમાં દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ એવા તમામ સેક્ટર્સ અને ફેક્ટર્સને પ્રધાન્ય આપવામાં આવ્યું છે, જે માત્ર ટ્રેલર સમાન છે.
વડાપ્રધાન મોદીએ આ તકે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને છત મળે એ માટે મક્કમ છે. જેના માટે કેન્દ્ર સરકારે 7 કરોડ આવાસ નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જેમાંથી ગત 10 વર્ષ દરમિયાન ચાર કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે આ ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકારના પ્રથમ 100 દિવસમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી, 8 હાઇસ્પીડ રોડ કોરિડોર, ૧૫થી વધુ સેમિ હાઇસ્પીડ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લૉન્ચ થઈ ચૂકી છે. તદુપરાંત, હાઈપરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે એક ટ્રિલિયન રૂપિયાનું રિસર્ચ ફંડ ફાળવવામાં આવ્યું છે તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે ઑફશોર વિન્ડ માટેની યોજના અંતર્ગત રૂ. 7000 કરોડનો ખર્ચ થશે. જ્યારે 31 હજાર મેગાવૉટ હાઇડ્રોપાવર જનરેશન માટે રૂ. 12000 કરોડથી વધુનો ખર્ચ થશે.
વડાપ્રધાનશ્રીએ ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે. ગુજરાતે જ દેશમાં સૌ પ્રથમ સોલાર પાવર પોલિસી બનાવવા અને ક્લાયમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે. આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે, જેમણે વર્ષો પહેલાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટયુક્ત જીવનનું ઉદાહરણ આપી, સમગ્ર વિશ્વનું ધ્યાન પર્યાવરણ રક્ષા તરફ દોર્યું હતું, જ્યારે દુનિયામાં કોઈ ક્લાયમેટ ચેન્જની ચર્ચા પણ નહોતું કરતું.