ભૂકંપના પર્યાય બની ચૂકેલા સરહદી કચ્છ પંથકમાં ધરતીકંપના આંચકનો સિલસિલો સતત યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે 10.5 મિનિટે વાગડના મુખ્ય મથક રાપર થી 12 કિમિ દૂર પશ્વિમ દક્ષિણ દિશાએ આવેલા પગી વાંઢ નજીક 3.3 ની તિવ્રતા નો આફ્ટરસોક ગાંધીનગર સ્થિત સિસમોગ્રાફી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે માધ્યમ કક્ષાના આંચકાની સ્થાનિકે ખાસ અસર વર્તાઈ ના હતી, પરંતુ વર્તમાન માસ દરમિયાન વાગડ વિસ્તારની ધરા ભૂકંપના આંચકાથી સતત પાંચ વખત ધ્રુજી હોવાનું અંકિત થયું છે.
કચ્છમાં લગાતાર આવતા રહેતા આંચકાની અસર લોકમાનસ ઉપર પણ સતત વર્તાઈ રહી છે. આંચકાની ખબર ક્ષણિક લોકોને ચિંતામાં મૂકી દેતી હોય છે. ઉલ્લેખ કરીએ તો આ પૂર્વે વર્તમાન માસની ગત તા. 17ના ભચાઉ નજીક 2.7, તા.12ના દુધઈ નજીક 2.5, તા.2ના ભચાઉ પાસે 3.3 અને તા.1ના રાપરથી 20 કિમિ દૂર ભૂકંપ નો આંચકો સિસમોગ્રાફી કચેરી ખાતે નોંધાયો હતો.