News Updates
GIR-SOMNATH

Gir -Somnath:રૂપિયાનો વરસાદ કસુંબલ લોક ડાયરામાં: સ્ટેજ પર ચલણી નોટોની ચાદર પથરાઈ,વેરાવળના આદ્રી ગામે કોંગ્રેસ-ભાજપના પીઢ નેતાઓએ એકબીજા પર નોટો ઉડાડી

Spread the love

વેરાવળમાં લાંબા સમય બાદ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના વતન આદ્રી ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કસુંબલ લોક ડાયરામાં શ્રોતાઓ વરસી પડ્યા હતા. માજી કેબિનેટ મંત્રી જશા બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, મહામંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ જયકર ચોટાઇ સહીતના પીઢ નેતાઓએ એકબીજા પર ચલણી નોટોનો રીતસરનો વરસાદ કર્યો હતો અને સ્ટેજ પર જાણે નોટની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ડાયરાઓમાં કલાકારો પર રૂપિયાનો ઉડાડવાનું ચલણ છે જેને “ઘોર” કહેવામાં આવે છે. ડાયરામાં (ઘોર) રૂપિયા ઉડાડીને કલાકારોને બિરદાવવાનું ચલણ જોવા છે. ત્યારે ખ્યાતનામ ભજનિક ગોપાલ સાધુ પર રાજકીય, સામાજીક આગેવાનો તેમજ યુવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. લોકડાયરાના આયોજક પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાએ જણાવ્યું હતું કે, ડાયરામાં પૈસારૂપી ઘોર કરી તે ગાયોની સેવાના કાર્યમાં વપરાશે અને એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાડે છે.

લોક ડાયરામાં પૈસા ઉડાડવાની પરંપરા અંગે પૂર્વ ધારાસભ્ય રાજસી જોટવાએ જણાવ્યું હતું કે, અમારા આદ્રી ગામે મહાકાળી માતાજીના સાનિધ્યમાં છેલ્લા 25 વર્ષથી લોક ડાયરાનું આયોજન થાય છે. ભીખુદાનભાઈ ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું. અમારું ગામ જ ડાયરાનું ગામ કહેવાય છે. આદ્રી ગામે ડાયરાઓમાં ભજન, લોકગીતો ગવાતા હોય ત્યારે આવી કલા કોઇ કલાકાર પીરસતો હોય ત્યારે ઘોર કરવાની પરંપરા છે. આ ડાયરામાં પૈસારૂપી ઘોર ઉડે છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાય છે અને એજ કારણે ભક્તો ડાયરામાં સરસ્વતીની સાધના કરી રહેલ કલાકારો પર પૈસા ઉડાવે છે. દર વખતે ડાયરામાં ઉડેલા રૂપિયા ગોશાળામાં જ ઉપયોગ લેવાય છે અને ગૌશાળાનું ઓડિટ પણ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન જ કરે છે.

આદ્રી ગામની ગૌશાળામાં સેંકડો અશક્ત, રખડતી દુઃખી ગાયોની સેવા કરવામાં આવે છે. ગૌશાળામાં 25 લાખનો ફાળો છે. આજે સમૂહ ભોજન સમયે માત્ર ત્રણ કલાકમાં જ 10 લાખની માતબર રકમનો ફાળો ગ્રામજનોએ નોંધાવી આપ્યો છે. એટલે આ લોક ડાયરોનું આયોજન પૈસા માટે નથી થતું, પરંતુ ગામમાં ઉત્સવના ભાગરૂપે થાય છે. ગામના દરેક નાગરિકો પોતાની કમાણીમાંથી ગાયો માટે નિર્ધારિત રકમ અચૂક આપે છે અને લોક ડાયરામાં કલાકારોને બિરદાવાની સાથે ગૌસેવા માટે રૂપિયાનો વરસાદ કરવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ગીર-સોમનાથના દરિયા કિનારે આવેલા આદ્રી ગામે શ્રી મહાકાળી માતાજીની શક્તિપીઠ અને દધીચી ઋષિની તપોભૂમિ જેવા ધાર્મિક સ્થળો સાથે રાજકીય એપી સેન્ટર તરીકે સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે. વેરાવળનું ખૂબ મોટું નામ અને સામાજીક સેવાકીય કાર્ય માટે હરહંમેશ ચર્ચામાં રહેતા પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવાના વતન આદ્રી ગામે વર્ષોની પરંપરા મુજબ ભાદરવા માસના ત્રીજા સોમવારે ગામમાં વાછરાદાદાનું આસ્થાભેર પૂજન-અર્ચન થાય છે. તેમજ સમસ્ત ગામનું સમૂહ ભોજન તેમજ રાત્રીના ભવ્ય કસુંબલ લોક ડાયરાના આયોજન સાથે ઉત્સવ મનાવાય છે.

આ ગામના લોકો ભાદરવા માસના સોમવારે કોઈ કામ-ધંધો કરતા નથી સાથે પશુઓના દૂધ પણ વેચાણ માટે આપતા નથી. ભાદરવા માસના ત્રીજા સોમવારે વર્ષોથી અહીં પરંપરાગત ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ગૌ માતાની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર વાછરાદાદાના મંદિરે નિવેદ્ય અને ધ્વજારોહણ સાથે સમગ્ર ગામ એક પંગતે ભોજન પ્રસાદ લે છે. આ કાર્યક્રમમાં ગૌમાતા માટે પોતાના પ્રાણ આપનાર વાછરાદાદાને યાદ કરીને ત્રીજા સોમવારે વર્ષોથી ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવે છે.

તા. 23 સપ્ટેમ્બર, 2024ના રોજ આદ્રી ગામે મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશી જોટવાની આગેવાનીમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂનમ ગઢવી, ગોપાલ સાધુ અને રાજાભાઈ ગઢવી જેવા જાણીતા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં હજારો લોકોની મેદની ઉમટી હતી. આ તકે તમામ સમાજના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો કલા સાધના માટે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં આદ્રી ગામના સમસ્ત ગ્રામજનો ખભેખભો મેળવી એક સાથે ઉલ્લાસભેર જોડાયા હતા.


Spread the love

Related posts

ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Team News Updates

સોમનાથમાં શ્રાવણ માસ અગાઉ શ્રાવણ જેવો માહોલ, પાર્કિગમાં વાહનોના થપ્પા, હોટેલ અને ગેસ્ટ હાઉસ મોટે ભાગે હાઉસફૂલ

Team News Updates

પ્રભાસ પાટણ TFC ઓડિટોરિયમ હોલ ખાતે થઈ ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી

Team News Updates