છેલ્લાં 100 દિવસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1.62 લાખ ABC ક્રેડિટ ડેટા અપલોડ કરીને દેશમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં એટલે કે છેલ્લાં ત્રણ વર્ષમાં યુનિવર્સિટીએ 8,79,327 ACB ડેટા ક્રેડિટ અપલોડ કરવા સાથે પહેલાં નંબર પર છે.
નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, ABC પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓના ક્રેડિટ સહિતના શૈક્ષણિક ડેટા અપલોડ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીને ક્રેડિટ આધારિત ટ્રાન્સફર, અભ્યાસ અધૂરો છોડ્યો હોય તો ફરીથી અભ્યાસ શરૂ કરવા સહિતના શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગી રહેશે. દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષિણક સંસ્થાઓ દ્વારા એબીસી પોર્ટલ પર ડેટા અપલોડ કર્યા છે.
છેલ્લા 100 દિવસમાં ACB ક્રેડિટ ડેટા અપલોડ કરવાની બાબતે પહેલાં નંબર પર બરેલીની મહાત્મા જ્યોતીબા ફુલે રોહીલખંડ યુનિવર્સિટીએ 4.8 લાખ રેકોર્ડ્સ, બીજા ક્રમે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી 3.5 લાખ રેકોર્ડ્સ, ત્રીજા અને ચોથા અનુક્રમે મૈસુર યુનિવર્સિટીએ 2.2 લાખ રેકોર્ડ્સ અને ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીએ 1.7 લાખ રેકોર્ડ્સ અપલોડ કર્યા છે.
આ મામલે વીર નર્મદ દક્ષિમ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશભરમાં ABC એકાઉન્ટ ક્રિએટ કરવામાં અમારી યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. હાલમાં આજે સૌ દિવસમાં આ એકાઉન્ટ ખોલવામાં અમે દેશભરની યુનિવર્સિટીના ટોપ ટેનમાં પાંચમાં ક્રમે છીએ. તેમ છતાં અત્યાર સુધીમાં આઠ લાખથી પણ વધુ એકાઉન્ટ વિદ્યાર્થીઓના ખોલીને અમારી યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. આ માટે દક્ષિણ ગુજરાતમાં આવનાર છ જિલ્લાના કલેક્ટરો સાથે પણ અમે વાતચીત કરી હતી અને કઇ રીતે વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે તે માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો.
વિદેશમાં આ ક્રેડિટ સિસ્ટમ પહેલાંથી જ ચાલતી આવી છે. ભારતમાં આ સિસ્ટમ થોડાક સમયથી આવી છે. દેશમાં આ પેટર્નથી જ શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્ય ચાલે છે. એનઇપી આવ્યા પછી જોઇન્ટ ડીગ્રી અને ડ્યુઅલ ડીગ્રી નામના બે પ્રોજેક્ટ છે. જોઇન્ટ ડીગ્રીમાં કોઇપણ વિદ્યાર્થી અડધું અહીં ભણીને અન્ય યુનિવર્સિટી અથવા તો દેશની બહારની યુનિવર્સિટીમાં બાકીનો કોર્સ કરે તો પણ તેને ડિગ્રી મળશે. દાખલા તરીકે સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોઇ વિદ્યાર્થી 3 સેમેસ્ટર ભણે અને ચોથું સેમેસ્ટર ક્રેડિટ ટ્રાન્સફર કરીને રશિયામાં ભણે તો તે સહેલાઇથી થઇ શકે. અહીં માની લો કે, 50 ક્રેડિટનો કોર્સ હતો અને રશિયામાં માની લો કે 60 ક્રેડિટનો કોર્સ અથવા 90 ક્રેડિટનો કોર્સ હોય તો 50 ક્રેડિટ કામ લાગશે. એટલું ભણવાનું ઓછું થઇ જશે. વિદ્યાર્થી પોતે પોતાની ક્રેડિટ અપલોડ કરી શકે છે, પરંતુ તેની ચકાસણી કોલેજ દ્વારા કરવામાં આવે છે. ડીજી લોકરમાં જે વિદ્યાર્થીની માર્કશીટ છે તેણે યુનિવર્સિટી દ્વારા અપલોડ કરવામાં આવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ 2021-22થી ABC એટલે કે, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ કરશે. નવી શિક્ષણ નીતિને ધ્યાને રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ABCનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. ABC વિદ્યાર્થીઓની એકેડેમિક ક્રેડિટને સ્ટોર અને ટ્રાન્સફર કરવા માટેની શૈક્ષણિક સેવાનું એક મેકેનિઝમ છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના અભ્યાસક્રમના માળખાને ફેક્સિબલ બનાવવા માટે અને વિદ્યાર્થીઓની ઇન્ટરડિસિપ્લિનરી કે પછી મલ્ટીડિસિપ્લિનરી એકેડેમિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ કેન્દ્ર સ્તરની એક સુવિધા છે. ABCથી વિદ્યાર્થીઓને એક જ સમયે એકથી વધારે કોલેજો કે યુનિવર્સિટીમાં પોતાની પસંદગીના વિષયો શિખવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓ એકેડેમિક ક્રેડિટ એકાઉન્ટ ખોલીને વિષયો બદલી શકશે અથવા અભ્યાસ છોડવો કે પછી ફરી શરૂ કરવો હોય તો કરી શકશે.
એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ઓનલાઇન સ્ટોર હાઉસ છે. વિદ્યાર્થીઓ તેના હિસ્સેદારા હોય છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જઈ ખાતું ખોલી શકે છે. જેને ઓપન કરવા માટે વિદ્યાર્થીને યુનિક આઈડી પણ અપાશે. એબીસી વિદ્યાર્થીની સુરક્ષિત શૈક્ષણિક ક્રેડિટનો રેકોર્ડ રાખશે. આ સંખ્યાઓના આધારે, વિદ્યાર્થીઓને ડિગ્રી, ડિપ્લોમા કે પ્રમાણપત્ર મળશે. ક્રેડિટ બેંક બેંકમાં જમા ખાતા જેવી હશે. આમાં ક્લાસવર્ક અને ટ્યુટોરિયલ્સના આધારે તૈયાર કરાયેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્રેડિટ સંગ્રહિત કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, એબીસીની મદદથી એક વિદ્યાર્થી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં બહુવિધ પ્રવેશ (મલ્ટીપલ એન્ટ્રી) અને બહાર નીકળવાના (એક્ઝિટ) વિકલ્પોનો લાભ લઈ શકે છે. વિદ્યાર્થી પોતાની મનપસંદ ડીગ્રી બનાવી શકશે. તે એક વર્ષમાં એક સંસ્થામાં અભ્યાસક્રમ ભણવાનું પસંદ કરી શકે છે અને આવતા વર્ષે બીજી સંસ્થામાં જઈ શકે છે.
- ક્રેડિટ્સ એક સેમેસ્ટર દરમિયાન દર અઠવાડિયે એક કલાકના થીયરી વર્ગ અથવા એક કલાક ટ્યુટોરિયલ્સ અથવા બે કલાક પ્રયોગશાળા કાર્ય માટે ક્રેડિટની પ્રમાણભૂત ગણતરી પદ્ધતિ હશે.
- સેમેસ્ટરનો સમયગાળો 13થી 15 અઠવાડિયાનો રહેશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કે જેમાં એબીસી નિયમો લાગુ પડે છે તે વિદ્યાર્થીઓને ક્રેડિટ આપશે.
- ઇન્ટર્નશિપ માટે એક અઠવાડિયામાં એક ક્રેડિટ આપવામાં આવશે.
- તેની મહત્તમ મર્યાદા છ ક્રેડિટ સુધીની રહેશે.
- એબીસી હેઠળ, વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓમાં ઓફર કરવામાં આવતા અભ્યાસક્રમો પસંદ કરી શકશે.
- દરેક સંસ્થા પાસે તમામ અભ્યાસક્રમો નથી હોતા, આવી સ્થિતિમાં, આ યોજના વિદ્યાર્થીઓને તેમની પસંદગી મુજબ વિવિધ સંસ્થાઓમાંથી અભ્યાસક્રમો લેવાની સ્વતંત્રતા આપશે.
- આ સમયગાળા દરમિયાન સંચિત “ક્રેડિટ”ના આધારે, વિદ્યાર્થીઓને ડીગ્રી, ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર આપવામાં આવશે.
એબીસીમાં જમા થયેલી ક્રેડિટ મહત્તમ સાત વર્ષ માટે માન્ય રહેશે. “શૈક્ષણિક ખાતા”માં જમા થયેલી તમામ ક્રેડિટ્સની સેલ્ફ લાઇફ મહત્તમ પાંચ વર્ષ માટે અથવા સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે તે રીતે માન્ય રહેશે. એબીસી રજિસ્ટર્ડ સંસ્થા દ્વારા આપવામાં આવેલી ક્રેડિટ્સ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે. તે યુજીસીની માર્ગદર્શિકા અને ધોરણો અનુસાર ક્રેડિટને માન્ય પણ કરશે.
આ બેંક યુજીસી દ્વારા મંજૂર કરાયેલા તમામ ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ એન્જિનિયરિંગ, મેડિકલ, ડેન્ટલ, લો અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોને આવરી લેશે. જોકે, આમાંનાં ઘણા અભ્યાસક્રમો વિવિધ વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. ક્રેડિટ બેંક યોજના માટે તેમની મંજૂરી માંગવામાં આવશે. આ સિવાય, સરકારી ઇ-લર્નિંગ પ્લેટફોર્મ જેવા કે સ્વયમ, એનપીટીઇએલ, વી-લેબ અથવા કોઇપણ યુનિવર્સિટીના અભ્યાસક્રમો પણ ક્રેડિટ ટ્રાન્સફર અને સંચય માટે ધ્યાનમાં લેવામાં આવશે.