વડોદરાની સેન્ટ્રલ જેલમાં વર્ષ 2022માં પોક્સો કેસમાં સજા ભોગવી રહેલાં મુળ છોટા ઉદેપુરના અને વાઘોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ આરોપીએ આજે વહેલી સવારે વડોદરા સેન્ટ્રલ જેલમાં ટોયલેટમાં ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ બાદ કેદીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરાની મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ સંજયભાઈ છત્રસિંહ બારીયા (રહે. મગનપુરા, તા.વાધોડીયા, જિ. વડોદરા, મૂળ. રહે. કાલીકુઇ પો. કદવાલ, તા. જેતપુર-પાવી, જિ. છોટા ઉદેપુર) વાઘોડિયા પોલીસ મથકમાં વર્ષ 2019માં નોંધાયેલ પોક્સો કેસમાં વર્ષ 2022માં સાવલી કોર્ટેમાં સજા ફરમાવવામાં આવી હતી. આ પાકા કામના કેદીને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે આવેલ સર્કલ વિભાગના યાર્ડ નં.09 બેરેક નં.03માં રાખવામાં આવ્યો હતો.
આજે સવારે સર્કલ વિભાગના યાર્ડ નં.09 બેરેક નં.03ના સંડાસમાં આશરે 5.30 કલાકે પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના જેલ અધિકારી દ્વારા પાકા કામના કેદીનો મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.