સાવલી તાલુકાના ખોબલા જેવડા ચોરપુરા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી શિક્ષક તરીકે અને આચાર્યના પદ સુધી પહોંચેલા શિક્ષકની બદલી થતાં ગામલોકો દ્વારા આચાર્યને ભવ્ય રીતે વિદાય આપી હતી. ગામ લોકોએ ઢોલ, નગારા અને ડી.જે.ના તાલે ભવ્ય વરઘોડો કાઢીને આચાર્યને વિદાય આપી હતી. આચાર્યને ખબે બેસાડી ગામના યુવાનોએ વરઘોડો કાઢ્યો હતો. આચાર્યએ ગામ લોકોને જય માતાજી બોલી ગામ લોકો પાસેથી વિદાય માંગી ત્યારે સૌકોઇની આંખો છલકાઇ ગઇ હતી.
બે દાયકાથી એકજ શાળામાં
અવસર હતો છેલ્લા 22 વર્ષથી ગામના છોકરાઓને શિક્ષણ સંસ્કાર આપતાં સમર્પિત શિક્ષક આરીફખાન પઠાણને વિદાય આપવાનો હતો. ખેડા જિલ્લાના મૂળ વતની પઠાણ બે દાયકા અગાઉ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિયુક્ત થયાં અને કાળક્રમે આચાર્યપદ પામ્યા.પરંતુ તેઓએ માત્ર ગામ ના છોકરાઓને ભણાવી ને પગાર વસૂલ થયાનો સંતોષ માણ્યો ન હતો. પરંતુ, બાળકો અને ગામના બાળકોનું શિક્ષણ સ્તર ઉંચુ લાવવાનો હતો.
એક સંકલ્પ કર્યો
સાવલી તાલુકાના છેવાડાના આ પછાત ગામમાં મોટેભાગે ખેડૂત અને શ્રમજીવી ઠાકોર પરિવારોની વસતી છે. છોકરાઓને ભણાવવાને બદલે બાળપણથી ખેતીમાં પલોટવાની માનસિકતા હતી. શિક્ષણના મહત્વની સમજ ઓછી હતી.શિક્ષક આરીફખાન પઠાણે છોકરા ભણાવવાની સાથે ગામલોકોમાં શિક્ષણ પ્રીતિ જગવવાનો સંકલ્પ કર્યો હતો. વસતી ગણતરીની કામગીરી વખતે એમણે જાણ્યું કે, આ ગામમાં સાતમા ધોરણ સુધી ભણેલા લોકો પણ ગણ્યા ગાંઠ્યા છે.આ પરિસ્થિતિ તો પલટવી જ રહી.
ગામમાં પારિવારીક સબંધ
અને તેમના સમર્પિત પ્રયાસોથી ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાયું. સંતાનોને ભણાવવાની વૃત્તિ જાગી.પરિણામે આજે આ ગામમાં SSC થી લઈને અનુસ્નાતક સુધી શિક્ષણ પામેલા યુવાનો છે.આરીફભાઈએ ગામ સાથે, પ્રત્યેક ઘર સાથે અને જન જન સાથે ઘરોબો કેળવીને આ પરિણામ મેળવ્યું છે. તેઓ આ ગામના વતની ન હોવા છતાં,ગામના વતની જેવા બનીને રહ્યા.
શિક્ષણ પ્રત્યે સમર્પીત
આરીફખાને જણાવ્યું કે જરૂર પડી ત્યાં હું લડ્યો છું,ગાળો ખાધી અને અપમાન પણ સહ્યાં અને એ રીતે આ ગામનો નિસ્વાર્થ સ્નેહ પામ્યો છું. મહાદેવજી અને માં અંબાના આશિર્વાદથી ગામમાં શિક્ષણનું વાતાવરણ ઉભુ કરવામાં અને મારી ચોરપૂરા ગામની પ્રાથમિક શાળાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મળ્યાનો મને સંતોષ છે. હું ગામ લોકોનો આભારી છું કે વર્ષો થી તેઓ પોતાના ઘરના ખુશી આનંદના પ્રસંગોમાં, નવરાત્રિના ગરબા સહિત ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં મને આગળ રાખ્યો છે અને અનિવાર્ય ગણીને જોડ્યો છે.અદકેરું વતન બની ગયેલા આ ગામને છોડતા હૈયું કપાય જાય છે.પરંતુ હવે મને મારા વતનના ખેડા જિલ્લામાં શિક્ષણ સેવાઓ આપવાની તક મળી છે. એટલે ભારે વેદના સાથે આ ગામની વિદાય લઉં છું.સૌને દિલથી જય માતાજી.
ભાવભરી વિદાય
ગામલોકોએ આ શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો, વાજતે ગાજતે ખભે બેસાડી એમને અને એમના દીકરા,દીકરીને ખભા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવ્યા હતા. બધા યુવાનોએ સામસામા ઊભા રહીને પોતાના હાથના પગથિયાં બનાવી,વ્હાલા સાહેબને જમીન પર પગ મૂકવા દીધાં વગર મંચ પર લઈ ગયા હતા. આચાર્યના આ વિદાય સમારંભમાં ગામના તમામ લોકો જોડાયા હતા. અને તેઓને ભારે હૈયે વિદાય આપી હતી.