કેવડિયા અને અમદાવાદ વચ્ચે દર રવિવારે દોડનારી ગુજરાતની પ્રથમ હેરિટજ ટ્રેનનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાર બાદ ટ્રેન કેવડિયાથી વડોદરા પહોંચી હતી. આ હેરિટેજ ટ્રેનનું વડોદરા સ્ટોપેજ નથી. જોકે પહેલા દિવસે ટ્રેનને 5 મિનિટ સુધી રોકવામાં આવી હતી. જ્યાં ટ્રેનમાં મુસાફરી કરીને આવેલી મહિલાઓએ ટ્રેનની સુવિધાનાં વખાણ કર્યાં હતાં. જોકે વડોદરાના મુસાફરોએ હેરિટેજ ટ્રેનનું વડોદરામાં સ્ટોપેજ આપવા માગ કરી હતી.
જૂના જમાનાની યાદ અપાવશે આ હેરિટેજ ટ્રેન
હેરિટેજ ટ્રેનના એન્જિનને જૂના જમાનાના સ્ટીમ એન્જિન જેમ જ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય એવો અનુભવ થયો હતો. 3 મહિનાની મહેનત બાદ ઇલેક્ટ્રિક એન્જિનને સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરાયું છે. આ ટ્રેનમાં 4 કોચ, ટ્રેનની 100 કિલોમીટરની સ્પીડ છે અને 144 મુસાફરની ક્ષમતા છે. આ ટ્રેનની અંદર ઊભી કરાયેલી AC રેસ્ટોરાંમાં 28 મુસાફર એકસાથે જમી શકશે. આ હેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોને અનોખો અનુભવ થશે.
સફર ખૂબ સારી રહી
હેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરનારાં જયશ્રીબેન ધામેલે જણાવ્યું હતું કે હેરિટેજ ટ્રેનની સફર ખૂબ જ સારી રહી છે. આ પ્રકારની ટ્રેનમાં પહેલીવાર બેસવા મળ્યું. આ ટ્રેનમાં ઘણીબધી સુવિધાઓ છે. સાગના લાકડાંનો ટ્રેનમાં ઉપયોગ કરાયો છે. હેરિટેજ ટ્રેન શું કહેવાય એની આજે અમને ખબર પડી.
વડોદરાને સ્ટોપેજ મળવું જોઇએ
વડોદરાના રહીશ વિશ્વનાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ હેરિટેજ ટ્રેન શરૂ કરાવી એ સારી વાત છે, પરંતુ, આ ટ્રેનનું વડોદરાને પણ સ્ટોપેજ મળવું જોઇએ. વડોદરા પણ ગાયકવાડ સમયથી હેરિટેજ શહેર છે. હેરિટેજ શહેર હોવા છતાં સ્ટોપેજ ન મળવું એ દુઃખદ બાબત છે. આ હેરિટેજ ટ્રેનને વડોદરા સ્ટોપેજ આપવું જોઇએ.
હેરિટેજ ટ્રેનની વિશેષતાઓ
- ટ્રેનનો મોટર કોચ સ્ટીમ એન્જિન તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે
- રોલર બ્લાઇન્ડ્સ સાથે પેનોરેમિક દૃશ્ય આપતી બારીઓ
- AC રેસ્ટોરન્ટ ડાઈનિંગ કારમાં 28 મુસાફર માટે બેઠક ક્ષમતા
- સાગનાં લાકડાંમાંથી બનાવેલા ડાઇનિંગ ટેબલ અને ઓશીકાવાળી સીટો સાથે 2 સીટર સોફા
- ઇન્ટીરિયર પેનલ સાગના કુદરતી પેનલથી સુશોભિત
- ઉષ્માપૂર્ણ અને કુદરતી પ્રકાશ
- બ્રાન્ડેડ ઉચ્ચ ગુણવત્તાના ફિટિંગ સાથે FRP મોડ્યૂલર ટોઇલેટ
- GPS આધારિત પબ્લિક એડ્રેસ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (PAPIS)
- તેજસ એક્સપ્રેસ કોચ જેવી લગેજના રેકની વ્યવસ્થા
- વીજળીથી સંચાલિત ઓટોમેટિક કમ્પાર્ટમેન્ટ સ્લાઇડિંગ દરવાજા
- બાહ્ય દીવાલો PU રંગ કરેલી અને થીમ આધારિત વિનાઇલ રેપિંગથી આવરી લેવામાં આવી છે
- સ્ટેઇનલેસ સ્ટીલના બનેલા અને વીજળીથી સંચાલિત તમામ સાધનો સાથે ફ્લેમલેસ પેન્ટ્રીની વ્યવસ્થા