વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પતંગ પકવાની લાયમાં 9 વર્ષના બાળક તળાવમાં પડી ગયું હતું. 18 કલાક બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. ગોરવા પોલીસે બાળકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. બાળકની માતા ‘મારા રોનકને પાછો લાવો, મારા દીકરાને પાછો લાવો’નું રટણ કર્યા કરે છે.
મૃતક બાળક રોનક દેવીપૂજકના ફુવાએ જણાવ્યું હતું કે, પ્રહલાદભાઈ સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઇલોરા પાર્ક પાસે ફ્રુટનો ધંધો કરે છે. તેમનો 9 વર્ષનો દીકરો રોનક ગઈકાલે સાંજે 5.30 વાગે પતંગની લાલચમાં સુભાનપુરા વિસ્તારમાં ફ્રૂટની લારી પરથી નીકળી ગયો હતો અને દોડતો દોડતો સુભાનપુરા પાસે આવેલા તળાવ પાસે પહોંચી ગયો હતો. પતંગની લૂંટવાની લાલચમાં પાણીમાં ડૂબ્યો હતો. બીજી તરફ આ ઘટનાથી પરિવાર અજાણ હતો, જેથી અમે લોકોએ તેને આસપાસના વિસ્તારમાં ખૂબ શોધ્યો હતો. આખો ગોરવા વિસ્તાર ખૂંદી વળ્યા હતાં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સગા-સંબંધીઓને ત્યાં અને બગીચાઓમાં અમે શોધખોળ કરી હતી. અમે 10 કિલોમીટર વિસ્તારમાં તેને શોધવા છતાં તે મળ્યો નહોતો, જેથી અમે છેવટે ગોરવા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ કરી હતી. આ દરમિયાન અમને સુભાનપુરા તળાવ પાસે બાળકનું એક ચપ્પલ મળ્યું હતું, જેના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. રાત્રે 12:30 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી હતી. જોકે, બાળકનો કોઈ પત્તો લાગ્યો નહોંતો.
તેઓએ ઉમેર્યું હતું કે, અમે આખી રાત જાગ્યા હતા અને બાળકની શોધખોળ કરી હતી. ત્યારબાદ આજે સવારે 7 વાગ્યે ફરીથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે 11.30 વાગ્યે કાદવમાં ફસાયેલા બાળકોનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના લાલ કલરના ચંપલ પરથી મને ખબર પડી હતી કે, મૃતદેહ તળાવમાં જ છે. આ ચપ્પલ બાળકની માતા અને પિતાને બતાવ્યા હતા, જેથી તેમને બાળકના ચપ્પલ ઓળખી બતાવ્યા હતા.
તેઓએ કહ્યું હતું કે, બાળક રમત-રમતમાં લપસીને તળાવમાં પડી ગયું હતું. બાળકે બચવાનો પ્રયાસ કર્યો હશે, જેથી તેના હાથ ઊંચા રહી ગયા હતા અને તેના હાથ કડક થઈ ગયા હતા. બાળક અભ્યાસ કરતું નથી અને તેના માતા-પિતા મૂળ પાટણ જિલ્લાના જીતોડા ગામના રહેવાસી છે. બાળકની માતા ઉષાબેન એક જ રટણ કર્યા કરે છે કે, મારો રોનક મારે જોઈએ… મારો દીકરો મારે જોઈએ. આવી જીદ પકડીને તેઓ બેઠા છે, જેથી અમે તેમને હોસ્પિટલમાં લાવ્યા નથી.
ટીપી છાણી ટીપી 13 ફાયર સ્ટેશનના સૈનિક નિકુંજ મોદીએ જણાવ્યું હતું કે, અમને બાળક તળાવમાં ડૂબી ગયું હોવાનો કોલ મળતા અમે સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.