વડોદરાના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે બબાલ હિંસામાં પરિવર્તિત થઈ હતી. મંદિરના કોઠારી સ્વામી તાળું બદલતા હતા ત્યારે જૂના વહીવટકર્તાઓએ આવીને બલાલ કરી હતી, જેમાં એક આધેડને ધક્કો લાગતાં તેઓ મંદિરમાંથી બહાર ફેંકાઈને જમીન પર પડ્યા હતા. આ ઘટનામાં આધેડે દમ તોડી દેતાં દોડધામ મચી ગઈ છે. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી
મંદિરમાં થયેલી બબાલમાં ધક્કો લાગતાં દિનેશભાઈ પુરુષોત્તમ વણકર નામના આધેડ પડી ગયા હતા, જેથી તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ મંદિરે દોડી આવી હતી અને દિનેશભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલમાં દિનેશભાઈના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડતાલ સંસ્થા કરે છે મંદિરનું સંચાલન
છાણી સ્વામિનારાયણ મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા કરે છે. અગાઉ મંદિરના વિવાદનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં કોર્ટે મંદિરના કોઠારી સ્વામીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નાયબ કલેક્ટરની કોર્ટમાં ચાલતા વડતાલ મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. આજે કોઠારી સ્વામી બાલસ્વામી મંદિરમાં તાળું બદલવા જતાં બબાલ થઈ હતી. દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતી પરમાર, રમેશ પરમાર અને અન્ય 5 શખસે હુમલો કર્યો હતો.
બબાલ કરનારાઓએ મંદિરમાં જમાવ્યો છે ગેરકાયદે કબજો
બબાલ કરનારા લોકોએ મંદિરમાં ગેરકાયદે કબજો જમાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્રણ મહિના પહેલાં લેન્ડ ગ્રેબિંગનો કલેક્ટરમાં કેસ કરવામાં આવ્યો હતો. મંદિર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક વર્ષથી પોલીસ બંદોબસ્ત આપતી નથી.