વડોદરા શહેરની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધો.12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગ સાથે આજે AGSU, NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. AGSUએ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી તો NSUIના કાર્યકરોએ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ડીન ઓફિસની ગ્રીલ હલબલાવી નાખી વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે કોમર્સ ફેકલ્ટીમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ડીન કેતન ઉપાધ્યાય વિદ્યાર્થીઓએ સાથે ગદ્દારી કરશે તે ચલાવી લેવામાં નહીં આવે. રિપીટર વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાનું શરું કરવામાં આવ્યું નથી. તેઓ એડમિશનથી વંચિત છે. વડોદરાના વિદ્યાર્થીઓને આ લોકો દુશ્મન ગણે છે.
વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માગ સાથે અમે આજે રજૂઆત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવ્યા છીએ. 150થી 200 જેટલા પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત અગાઉ જે વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળ્યું તેમને પણ એડમિશન આપવામાં આવે. જો વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપવામાં આવે તો અમે આંદોલનનો રસ્તો અપનાવીશું.
વિદ્યાર્થિની શિયા દરજીએ જણાવ્યું હતું કે, મારે 63 ટકા હોવા છતાં મને એડમિશન મળ્યું નથી. મને ખૂબ દુઃખ થાય છે, પરંતુ અમે એડમિશન મેળવીને જ રહીશું. મારી સ્થિતિ એવી છે કે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકતી નથી. જેથી અમે આજે અમારી માગ લઈને આવ્યા છીએ.
MS યુનિવર્સિટીના પીઆરઓ હિતેશ રાવિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની લાગણી છે, જેને લઈને અમે કોમર્સ ફેકલ્ટીમાં કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી મંજૂર થયેલી છે, તે દરેક બાબતનો અભ્યાસ કરીને યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.