અદાણી ગ્રૂપના ચેરપર્સન ગૌતમ અદાણી 70 વર્ષની ઉંમરે પદ છોડવાનો પ્લાન કર્યો છે, હાલમાં તેઓ 62 વર્ષના છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે એક ઈન્ટરવ્યુને ટાંકીને કહ્યું કે અદાણી 2030ની શરૂઆતમાં કંપનીની કમાન તેમના પુત્રો અને પિતરાઈ ભાઈઓને સોંપી શકે છે.
આ પહેલીવાર છે જ્યારે ગૌતમ અદાણીએ તેમના ઉત્તરાધિકારી વિશે વાત કરી છે. અહેવાલ મુજબ, જ્યારે અદાણી નિવૃત્ત થશે, ત્યારે તેમના ચાર ઉત્તરાધિકારી – પુત્રો કરણ અને જીત, પિતરાઈ ભાઈ પ્રણવ અને સાગર એક ફેમિલી ટ્રસ્ટની જેમ બેનિફિશયરી (લાભાર્થી) બનશે.
ગૌતમ અદાણીએ કહ્યું- બિઝનેસમાં સ્થિરતા માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં આ વિકલ્પ બીજી પેઢી પર છોડી દીધો છે કારણ કે પરિવર્તન વ્યવસ્થિત રીતે, ધીમે ધીમે અને સિસ્ટેમેટિક રીતે થવું જોઈએ.
અદાણી ગ્રૂપની શેરબજારમાં 10 કંપનીઓ લિસ્ટેડ છે, જેમાંથી અદાણી એન્ટરપ્રાઈઝ ગ્રૂપની મુખ્ય કંપની છે. આ સાથે અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ, ACC અને NDTVનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપની વેબસાઈટ અનુસાર, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમનો નાનો પુત્ર જીત અદાણી એરપોર્ટના ડિરેક્ટર છે. પ્રણવ અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર છે અને સાગર અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.