વડોદરા શહેર નજીક આવેલી ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવાનને મસાજ કરાવવા ભારે પડ્યા છે. યુવતીએ ડોક્ટરને ઈન્સ્ટાગ્રામમાં ‘HI’નો મેસેજ કરી પોતાનો ફોન નંબર આપી મસાજ માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. એ બાદ ડોક્ટર યુવતીના ઘરે મસાજ માટે પહોંચી ગયો હતો. જ્યાં યુવતીએ ડોક્ટરને નગ્ન કરતાંની સાથે જ નકલી પોલીસે રેડ કરી હતી. એમાં ડોક્ટરના નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરી 10 લાખ રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો. આખરે ડોક્ટરે યુવતી સહિત ચાર વ્યક્તિ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ન્યૂ સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ડોક્ટર પત્ની સહિત પરિવાર સાથે રહે છે. જે શહેર નજીકની એક ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દસ દિવસ પહેલાં ડોક્ટરને ફેસબુક એકાઉન્ટ ઉપર જુહી લબાના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે તેમણે એક્સેપ્ટ કરી હતી. એ બાદ તેણે ‘HI’ કરીને મેસેજ કર્યો હતો. એ બાદ તેણે જણાવ્યું હતું કે હું મસાજનું કામ કરું છું. તમારે મસાજ કરાવવા હોય તો કહેજો. આ સાથે જ તેણે મેસેજમાં પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો.
દરમિયાન મસાજ કરાવવા માટે ડોક્ટરે જુહી લબાનાએ આપેલા મોબાઇલ નંબર પર વ્હોટ્સએપ મેસેજ કરીને મસાજ કરાવવા માટેનો ભાવ પૂછ્યો હતો. જુહીએ એક કલાકના એક હજાર રૂપિયા ભાવ જણાવ્યો હતો. એ બાદ ડોક્ટરે મેસેજ કરાવવાની તૈયારી બતાવતાં જુહીએ તેને પોતાના ગોત્રી વિસ્તારમાં આવેલા સંસ્કાર નગર સ્થિત બિલ્ડિંગના ત્રીજા માળનું સરનામું આપ્યું હતું. ડોક્ટર તા.11-4-2024ના રોજ રાત્રિના 8 વાગ્યે જુહી લબાનાના ઘરે મસાજ કરાવવા માટે પહોંચી ગયો હતો.
ડોક્ટર જુહીના ઘરમાં જતાં જ જુહી તેને તેના બેડરૂમમાં લઇ ગઇ હતી અને મસાજ માટે કપડાં કાઢવા માટે જણાવતાં ડોક્ટરે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. ડોક્ટરે કપડાં કાઢતાંની સાથે જ બે વ્યક્તિ રૂમમાં આવી પહોંચી, જેમાં બૈ પૈકી એક વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને અર્ધનગ્ન ડોક્ટરનો વીડિયો ઉતારવાની શરૂઆત કરી દીધી હતી.
જુહીના સાગરીતે પોલીસની ઓળખ આપતાં જ ડોક્ટરને પરસેવો છૂટી ગયો હતો. પોલીસ બનીને આવેલા શખસે જુહી લબાનાને કહ્યું કે તમારા ઘરમાં ગોરખધંધા ચાલે છે. રાત્રે છોકરાઓ આવે છે. તમારા વિરુદ્ધ સોસાયટીના લોકોએ અરજી કરી છે. હાથથી લખેલી અરજી બતાવી ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન ગભરાઇ ગયેલા ડોક્ટરે આજીજી કરતાં પોલીસ બનીને આવેલા શખસ સહિત બંનેએ પોલીસથી બચવા માટે રૂપિયા 10 લાખની માગણી કરી હતી. જોકે ડોક્ટરે ઓછા કરવા માટે જણાવતાં ડુપ્લિકેટ પોલીસે ગોહિલ સાહેબ સાથે વાત કરી લવ એમ જણાવી કોઇને ફોન કર્યો હતો. એ બાદ ડોક્ટરને રૂપિયા 2 લાખ આપવા પડશે, નહિ તો પોલીસ મથકમાં લઇ જઇશું, એવી ધમકી આપી હતી.
આબરૂ જશે એવા ડરથી ગભરાયેલા ડોક્ટરે હાલ રૂપિયા નથી, ATM કાર્ડ ઘરે છે, એમ જણાવતાં જુહીના બંને સાગરીતો ડોક્ટરને બાઇક ઉપર બેસાડી તેના ઘરે લઇ ગયા હતા. ડોક્ટરના ઘરેથી ATM કાર્ડ લઇને આવ્યા બાદ તેણે SBIના ATM ઉપર લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરે રૂપિયા 1 લાખ ATMમાંથી ઉપાડી તેમને આપ્યા હતા અને બાકીના 1 લાખ રૂપિયા બીજા દિવસે આપી દેવા જણાવ્યું હતું. એ બાદ જો નહિ આપે તો બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી ડોક્ટરને ગોત્રી જુહી લબાનાના ઘર પાસે નકલી પોલીસ બનીને આવેલા યુવકો જતા રહ્યા હતા.
દરમિયાન બીજા દિવસે જુહી લબાનાએ ડોક્ટરને ફોન કરીને બાકીના રૂપિયા 1 લાખની ઉઘરાણી શરૂ કરી હતી. જુહીએ ડોક્ટરને કહ્યું કે રાત્રે 8 વાગ્યા સુધીમાં 1 લાખ રૂપિયા નહિ આપે તો તારા સામે પોલીસ ફરિયાદ કરી દઇશ અને તારા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઇશ. જુહીનો ફોન આવ્યા બાદ ડોક્ટર ગભરાઇ ગયો હતો.
જોકે ખાનગી કંપનીમાં નોકરી કરતા ડોક્ટરે હિંમત સાથે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પત્નીને કરી દીધી હતી. પત્નીએ પણ ફસાઇ ગયેલા પતિને હિંમત આપી હતી. દરમિયાન ડોક્ટરે ગોત્રી પોલીસ મથકમાં મસાજ કરાવવાના નામે ફસાવનાર જુહી લબાના અને તેના ત્રણ સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ચાર લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે પી.આઇ. આર.એન. પટેલે જણાવ્યું હતું કે મેડિકલ ઓફિસરને મસાજના નામે નાણાં પડાવવાના બનાવમાં જાગૃતિ ઉર્ફે જુહી યોગેશભાઇ લબાના, યોગેશ ભરતસિંહ મેરાવત (રહે. 1688, બ્લોક નંબર-8, સંસ્કાર નગર, ગોત્રી, વડોદરા), અનિલ મનોજભાઇ બારોટ (રહે. એસ. મોટર્સની સામે, સલાટવાડા, વડોદરા), સન્ની રાજુભાઇ બારોટ (રહે. 1688, બ્લોક નંબર-8, સંસ્કાર નગર, ગોત્રી, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકીએ અગાઉ કોઇને ફસાવી નાણાં પડાવ્યાં છે કે કેમ? એ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.