મહારાષ્ટ્રના પૂણેની ‘રાવણ ગેંગ’ના 12 સાગરીતોએ વર્ચસ્વની લડાઈમાં દોઢ મહિના પહેલા 21 વર્ષના યુવક પર ફાયરિંગ કરી પતાવી દીધો હતો. હત્યા બાદ 12 પૈકીનો વોન્ટેડ આરોપી પોલીસથી બચવા વડોદરા તેના કાકાના ઘરે આવી છૂપાયો હતો. આ હત્યારાની મકરપુરા પોલીસે ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનની હત્યા કરવા માટે આરોપીઓએ પબજી રમતા રમતા પ્લાન ઘડ્યો હતો.
હત્યા કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો
મહારાષ્ટ્રના પૂણે સ્થિત ચીખલી ગામની જ્યાં લાંબા સમયથી વર્ચસ્વની લડાઈ માટે રાવણ ગેંગે માથું ઊંચક્યુ હતું. ગેંગમાં સામેલ કરાયેલા સાગરીતોનો પોતાનો પણ ગુનાહિત ઈતિહાસ છે. રાવણ ગેંગના 12 સાગરીતોએ પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી 21 વર્ષીય કૃષ્ણ ઉર્ફે સોનિયા હરીભાઉ તાપકીર નામના યુવક ઉપર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી.
ઇન્સ્ટાગ્રામ કોલિંગનો પણ ઉપયોગ કર્યો
આ યુવકની હત્યા કરવા માટે રાવણ ગેંગના 12 જેટલા સભ્યોએ પબજી રમતા રમતા આખો પ્લાન તૈયાર કર્યો હતો. ઉપરાંત વોટ્સએપ અથવા તો નોર્મલ કોલ થકી પકડાઇ જવાની બીકે તેમણે ઇન્સ્ટાગ્રામ કોલિંગનો પણ ઉપયોગ કર્યો હતો. આમ કૃષ્ણ ઉર્ફે સોનિયા તાપકીરની હત્યા કરવા માટે આખો પ્લાન પબજી અને ઇન્સ્ટાગ્રામ પર તૈયાર કરી સગીરને હાથો બનાવીને આખરે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર પોલીસને માહિતી મળી
નોંધનીય છે કે, ગેંગના 12 પૈકી 10 સાગરીતોની ચીખલી પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે લતા રતન રોકડે અને વિજય ઉર્ફે કપિલ લોખંડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિજય ઉર્ફે કપિલ છેલ્લા દોઢ મહિનાથી વડોદરા આવી પહોંચ્યો હતો અને વડોદરા સ્થિત દંતેશ્વર સ્મશાન નજીક આવેલા 13, ભાથીજીનગરમાં કાકાના ઘરે આવીને રહેવા લાગ્યો હતો. કપિલ સામે પણ MCOCA હેઠળ ગુનો નોંધાયા હોવાથી મહારાષ્ટ્ર પોલીસે તેની ઝડપી પાડવા ગતીવિધિ ઝડપી કરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસને જાણકારી મળી હતી કે, વિજય ઉર્ફે કપિલ લોખંડે વડોદરામાં સંતાયેલો છે
સ્મશાન પાસે ઉભો હોવાની માહિતી
મહારાષ્ટ્ર પોલીસે આ અંગેની જાણ વડોદરા પોલીસને કરવામાં આવી હતી. માહિતીના આધારે મકરપુરા પોલીસના સ્ટાફે વિજય ઉર્ફે કપિલની ગુપ્ત રાહે શોધખોળ શરૂ કરી હતી. પોલીસ પાસે માત્ર વિજય ઉર્ફે કપિલનો એક માત્ર ફોટો હતો, જેથી બાતમીદારોને તે ફોટો મોકલવામાં આવ્યો અને ટૂંક જ સમયમાં તેનો પત્તો લાગી ગયો હતો. પોલીસને ખુંખાર રાવણ ગેંગના વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે કપિલ અંગે બાતમી મળી કે, તે દંતેશ્વર સ્મશાન પાસે રહે છે અને હાલ ત્યાં જ ઉભો છે.
મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો
બાતમી મળતા જ પોલીસ એલર્ટ થઈ અને ખુંખાર રાવણ ગેંગના વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે કપિલ લોખંડેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મિશનને પાર પાડવામાં મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. પરમાર, પીએસઆઈ એસ.જી. ડામોર તથા એએસઆઈ દિનેશભાઇ, હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર, મયુરસિંહ, નરસિંહભાઈ, લાખાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, હરિદત્તસિંહ, જયપાલિસંહ દિગ્વિજયસિંહ ચેતનકુમાર અને ચેતનસિંહ તથા લોકરક્ષક કિરણકુમારે ખૂબ સાવધાનીપૂર્વક કામ કરી MCOCA જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી પૂણે પોલીસને સોંપ્યો હતો.