News Updates
RAJKOT

ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના બે જ દિવસમાં વિવાદ શરૂ:ટેક્સી એસો.એ રાજકોટથી હીરાસર એરપોર્ટનું ટેક્સી ભાડું 2 હજાર નક્કી કર્યું, સામે TAFOIએ એસી કોચ બસ મૂકવા માગ કરી

Spread the love

તાજેતરમાં ગત 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટના હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ આપી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય એ પૂર્વે જનતા પર બોજ સમાન નિર્ણય ટેક્ષી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેક્ષી ભાડું 2000 નક્કી કરી દેવામાં આવ્યો છે. જો કે, તેની સામે ટ્રાવેલ એજન્‍ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડીયા (TAFOI)ના ગુજરાત ચેપ્‍ટરના સેક્રેટરીએ એસી કોચ બસ સેવા શરૂ કરવા માંગ કરી છે.

એરપોર્ટ જવા માટે 2 હજાર ટેક્ષી ભાડુ ફિક્સ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લું મૂકવામાં આવતાની સાથે આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન સાતમ-આઠમના તહેવાર સમયે અથવા તહેવાર બાદ હાલમાં કાર્યરત રાજકોટ એરપોર્ટ બંધ કરી સંચાલન હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી કરવામાં આવનાર હોવાથી રાજકોટમાં ટેક્સી એસોસિએશન દ્વારા બેઠક યોજી એક ભાવ બાંધણું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભાડું 2000 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલની એરપોર્ટની કનેક્ટિવિટી ઓછી છે – ટેક્ષી એસો. પ્રમુખ દિપક સોઢા
રાજકોટ ટેક્ષી એસોસિએશનના પ્રમુખ દિપક સોઢાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટથી 35 કિલોમીટર દૂર આવેલ છે અને રાજકોટ શહેરનો વિસ્તાર પણ 15 થી 20 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. રાજકોટમાં હાલની એરપોર્ટની કનેક્ટિવિટી ઓછી છે, માટે મુસાફરો ઓછા મળવા તેમજ આખો દિવસ કાર એક જગ્યા પર રોકવા ઉપરાંત ડ્રાઇવરના ભથ્થા સહિતનો હિસાબ કરતા અમને મોંઘુ પડતું હોવાથી રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનું ભાડું 2000 રૂપિયા ફિક્સ રાખવા એસોસિએશનના લોકોએ સાથે મળી નિર્ણય કર્યો છે. અમારા એસોસિએશનના 200થી વધુ લોકો જોડાયેલા છે અને આગામી સમયમાં કનેક્ટિવિટી મળશે પૂરતા પેસેન્જર મળશે તો અમે ભાવમાં ઘટાડો જરૂર કરીશું.

વહેલી સવારે કે મોડી રાતે રીક્ષા કે ટેક્ષી મેળવવી મુશ્કેલ બની શકે
તો બીજી તરફ ટ્રાવેલ એજન્‍ટસ ફેડરેશન ઓફ ઇન્‍ડીયાના ગુજરાત ચેપ્‍ટરના સેક્રેટરી દિલીપભાઇ મસરાણીએ હીરાસર એરપોર્ટ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને મેઇલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, હીરાસર એરપોર્ટ આવવા-જવા માટે રાજકોટથી સમયાંતરે એ.સી. બસ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. સિવિલ હોસ્‍પિટલ ચોક કે પછી 150 ફુટ રીંગ રોડ ઉપર યોગ્‍ય જગ્‍યાએ પીકઅપ/ડ્રોપ પોઇન્‍ટ આપવા જોઇએ કે, જેથી વહેલી સવારની કે લેઇટ નાઇટ ફલાઇટ માટે રીક્ષા કે ટેક્ષી મેળવવામાં મુશ્‍કેલીનો સામનો મુસાફરોને ન કરવો પડે. રાજકોટથી હીરાસર એરપોર્ટનું અંદાજે 35 કિ.મી. જેટલું અંતર થતું હોય. અમુક સમયે રીક્ષા કે ટેક્ષીના ભાડા પણ અસહ્ય હોઇ શકે છે.

મહાનગરપાલિકા પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટરૂપે એ.સી. કોચ શરુ કરે
હીરાસર એરપોર્ટ શરૂ થતાં આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઓપરેટ થતી તમામ ડોમેસ્‍ટિક ફલાઇટસ પણ હીરાસર ખાતેથી જ અવર જવર કરશે ત્‍યારે રાજકોટ અને સૌરાષ્‍ટ્રવાસીઓને એરપોર્ટથી આવક-જાવક કરવામાં સરળતા રહે તે માટે અમદાવાદની માફક રાજકોટથી પણ પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટરૂપે એ.સી. કોચ બસ સેવા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

એરપોર્ટનું ટેક્ષી ભાડું લોકોને પરવડે તેવું લાગતું નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટથી અમદાવાદ એરપોર્ટ જવા માટે ટેક્સી ભાડું 2500 રૂપિયાથી 3000 સુધી લેવામાં આવતું હોય છે ત્યારે રાજકોટથી હિરાસર એરપોર્ટનું ભાડું 2000 રૂપિયા કરવું એ લોકોને પરવડે તેવું લાગતું નથી આવા સમયે ખરેખર મનપા દ્વારા અથવા તંત્ર દ્વારા પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટરૂપે વ્યવસ્થા કરવામાં આવેતો મુસાફરોને સારી સુવિધાનો લાભ મળી શકે તેમ છે. અને તંત્રને પણ યોગ્ય આવક થઇ શકે તેમ છે.


Spread the love

Related posts

 RAJKOT:લાઈસન્સ વિનાના 19 ધંધાર્થીને નોટિસ:ભાવનગર રોડ પર ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઇનીઝમાં 9 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

Team News Updates

રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત:ડેન્ગ્યુનાં 9, મેલેરિયા 1 અને ચીકનગુનિયાનાં વધુ 8 કેસ, શરદી-ઉધરસ-તાવનાં 876 સહિત કુલ 1074 દર્દીઓ નોંધાયા

Team News Updates

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates