રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હીના પ્રગતિ મેદાન અખિલ ભારતીય શિક્ષણ પરિષદમાં પહોંચ્યા. બે દિવસીય કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેનું ઉદ્ઘાટન 26 જુલાઈએ પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમએ 14 હજાર 500 જૂની શાળાઓને સ્માર્ટ બનાવવા માટે પીએમ શ્રી યોજના હેઠળ આપવામાં આવેલી રકમનો પ્રથમ હપ્તો જાહેર કર્યો.
કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પરંપરાગત જ્ઞાન પ્રણાલી અને ભાવિ ટેકનોલોજીને સમાન મહત્વ આપવામાં આવ્યું છે. આપણી શિક્ષણ પ્રણાલી આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીને અપનાવીને ભારતની પરંપરાઓને સાચવી રહી છે. મને ખુશી છે કે અમે ચર્ચા અને સંવાદની પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, CBSCનો કોર્સ બદલાશે અને એકસમાન કોર્સ રહેશે. આ માટે NCERT નવા કોર્સ તૈયાર રહી છે.
આપણે આપણી ભાષાઓને પછાત ગણીએ છીએ તે મોટું દુખ – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, યુવાનોને તેમની પ્રતિભાને બદલે તેમની ભાષાના આધારે જજ કરવા એ તેમની સાથે સૌથી મોટો અન્યાય છે. માતૃભાષામાં શિક્ષણને કારણે હવે ભારતની યુવા પ્રતિભા સાથે ખરો ન્યાય શરૂ થવા જઈ રહ્યો છે. સામાજિક ન્યાય માટે પણ આ એક મહત્વપૂર્ણ પગલું છે.
પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના મોટાભાગના વિકસિત દેશોએ પોતાની ભાષાના કારણે આગવું સ્થાન મેળવ્યું છે. આપણે આપણી ભાષાઓને પછાત ગણાવી રહ્યા છઈએ, આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? કોઈ વ્યક્તિ ગમે તેટલું ઇનોવેટિવ માઈન્ડ હોય, તેને અંગ્રેજી બોલતા આવડતું ન હોય તો તેને પ્રતિભાશાળી માનવામાં ન આવે. આનું સૌથી મોટું નુકસાન ગ્રામ્ય વિસ્તારના બાળકોને ભોગવવું પડે છે.
PMશ્રી યોજના હેઠળ 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે
PMશ્રી યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા છે. આ અંતર્ગત દેશની 14 હજાર 500 જૂની શાળાઓને અપગ્રેડ કરીને આધુનિક શાળાઓમાં પરિવર્તિત કરવાની છે. આ સાથે શાળાઓને આધુનિક બનાવીને બાળકોને સ્માર્ટ શિક્ષણ સાથે જોડી શકાય છે. આ પ્રોજેક્ટ હેઠળ, 2022-23 થી 2026 સુધીના પાંચ વર્ષમાં આ શાળાઓ પર કુલ 27 હજાર 360 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
અપગ્રેડ કરાયેલી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસ કરવામાં આવશે. અને યોજના હેઠળ પસંદ કરાયેલી શાળાઓ તેમના સંબંધિત વિસ્તારની અન્ય શાળાઓને માર્ગદર્શન પુરી પાડશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે નેતૃત્વ પણ પ્રદાન કરશે. આ યોજના હેઠળ ગ્રીન સ્કૂલ વિકસાવવામાં આવશે. જેમાં સોલાર પેનલ, એલઇડી લાઇટ, વેસ્ટ મેનેજમેન્ટ, ઝીરો પ્લાસ્ટિક યુઝ અને વોટર કન્ઝર્વેશનનો સમાવેશ થશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 34 વર્ષ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે
વર્ષ 2020માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી હતી. 1986 પછી એટલે કે 34 વર્ષ પછી દેશની શિક્ષણ નીતિમાં પરિવર્તન આવ્યું. જેમાં પ્રાથમિક શાળામાં બાળકના પ્રવેશથી લઈને ઉચ્ચ શિક્ષણ અને જોબ ફોર્સમાં જોડાવા સુધીના ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક શિક્ષણશાસ્ત્રી કે. કસ્તુરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તેની રચના કરવામાં આવી હતી.
- 6 થી 9 વર્ષની વયના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે રાષ્ટ્રીય મિશનની રચના કરવામાં આવશે. સંપૂર્ણ ધ્યાન ધોરણ 3 સુધીના બાળકોનો પાયો મજબૂત બનાવવા પર રહેશે.
- ધોરણ 5 સુધીમાં, બાળકને તેના સ્તરે ભાષા અને ગણિતનું સામાન્ય જ્ઞાન હશે. ડિસ્કવરી અને ઇન્ટરએક્ટિવિટી આનો આધાર હશે, એટલે કે રમતી વખતે બધું શીખવવામાં આવશે.
- 6-8 ના વર્ગો માટે મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસક્રમો હશે. પ્રવૃત્તિઓ દ્વારા શીખવશે. ધોરણ 6 ના બાળકોને કોડિંગ શીખવશે. 8 સુધીના બાળકોને પ્રયોગના આધારે ભણાવવામાં આવશે.
- ધોરણ 9 થી 12 સુધીના બાળકો માટે બહુ-શિસ્ત અભ્યાસક્રમો હશે. જો બાળકને સંગીતમાં રસ હોય તો તે વિજ્ઞાનની સાથે સંગીત પણ લઈ શકે છે. રસાયણશાસ્ત્રની સાથે બેકરી, રસોઈ પણ કરી શકશે.
- ધોરણ 9-12માં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. આ સાથે, બાળક જ્યારે 12મું પાસ કરશે, ત્યારે તેની પાસે એવી કુશળતા હશે, જે ભવિષ્યમાં આજીવિકાના રૂપમાં ઉપયોગી થઈ શકે છે.