સુરત મીની બજારમાં ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે આજે હીરા દલાલોના પરિવારો રજૂઆત કરવા પહોંચ્યા હતા. 27 જેટલા દલાલે ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરીને ચુકવણું કરી આપવામાં આવ્યું હતું. જોકે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા દલાલોને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. આજે આ તમામ પરિવારોએ આત્મહત્યા કરવા સુધીની સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો હલ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં હીરા ઉદ્યોગમાં ભરોસા પર કરોડો રૂપિયાના હીરાની આપ-લે થતી હોય છે. હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન સર્વોપરી માનવામાં આવે છે. જો કોઈ હીરામાં નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચુકવણું કરવામાં આવતું હોય છે. છેલ્લા 5 વર્ષમાં સુરતના 27 હીરા દલાલ દ્વારા જે તે સમયે નુકસાની કરી હતી. તેથી તેઓ સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવી નાદારી નોંધાવી હતી.
4 મહિના પહેલા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કેપી સંઘવીને દલાલોનું ચુકવણું કરવામાં આવ્યું હતું. 27 જેટલા હીરા દલાલ દ્વારા 5 લાખથી દોઢ કરોડના રફ હીરા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે રૂપિયાની ચુકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી. વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચૂકવણું થતું આવ્યું છે, પરંતુ પહેલીવાર એવું બન્યું કે ચુકવણું થયા બાદ પણ કંપનીએ દલાલો ઉપર કેસ કર્યો હોય.
આ તમામ દલાલો જ્યારે હીરા કંપની સાથે કામ કરવામાં આવે તે પહેલા સિક્યુરિટી ચેક આપવામાં આવ્યો હોય છે. જેનો હીરા કંપની દ્વારા સિક્યુરિટી ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને આ ચેકના આધારે તેના પર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હીરા દલાલોને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો. આજે 27 જેટલા હીરા દલાલોના પરિવાર સુરત ડાયમંડ એસોસિયન ખાતે પહોંચ્યા હતા. કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકો સાથે પણ આવી હતી.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું કે, હીરાના ધંધો કરતા લોકોએ જે તે સમયે નુકસાની કરતા ધંધાના નિયમ પ્રમાણે તેની પાસે જે માલ મિલકત હોય છે તે પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય છે. હીરાના ધંધાના નિયમ પ્રમાણે એકવાર ચુકવણું થઈ ગયા બાદ તેના પર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી. આ કેપી સંઘવીવાળા કેસમાં એવું થયું છે કે ચુકવણું લઈ લીધા બાદ પણ કેસ કરવામાં આવ્યો છે. ચેક એડવાન્સ લેવામાં આવ્યા હોય તેના આધારે કોર્ટ મેટર બનેલી છે. ઘણા લોકોને તેમાં સજા પણ થયેલી છે. જેથી ડાયમંડ એસોસિએશનને દલાલોના પરિવારજનો રજૂઆત કરવા આવ્યા છે અને કહ્યું છે કે, ચુકવણું થઈ ગયા બાદ પણ કેપી સંઘવી દ્વારા આ કેસ કરવામાં આવ્યો તે હીરાના નિયમ વિરુદ્ધ છે. આ કેસના કારણે પરિવારો કઠોર સ્થિતિમાં મુકાઈ ગયા છે જેથી આનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. તેમની રજૂઆત યોગ્ય છે. જેથી કેપી સંઘવીને સંપર્ક કરવામાં આવ્યો હતો. આવતા વિકમાં મળવાનો સમય આપવામાં આવ્યો છે, ત્યારબાદ તેમની સાથે મુલાકાત કરીને આ બાબતે તમામ સત્ય હકીકત જણાવવામાં આવશે.
ગાબાણી અસ્મિતાબેને જણાવ્યું હતું કે, મારા પતિએ હીરાનો વ્યવસાય કર્યો હતો. તેમાં નુકસાની ગઈ અને તેનું ચુકવણું કર્યું હતું. કેપી સંઘવીએ મારા પતિ વિરુદ્ધ કેસ કર્યો છે. છેલ્લા ચાર મહિનાથી જેલમાં છે. મારા ઘરે કોઈ કમાઈ શકે તેવું નથી. બે નાના નાના સંતાન છે. હવે મારે આગળ શું કરવું કોઈપણ ઘટના બનશે તો કેપી સંઘવીને જ જવાબદાર રહેશે. સિલાઈ મશીન ચલાવીને ગુજરાન ચલાવી રહી છું.
પારુલ હિતેશભાઈ કાકડીયાએ જણાવ્યું હતું કે, મારા પતિ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા. નુકસાની કરી તો બધું ચુકવણું કરી દીધું છે. બધી સહીઓ અમારી પાસે છે. છતાં કેપી સંઘવીએ કેસ કર્યો છે. જેલમાં મારા પતિ 4 મહિના જઈ આવ્યા છે. તેનું બધું જ કામ પૂરું પાડ્યું છે છતાં કેપી સંઘવીનો અમારી માથે કેસ ચાલે છે. ચાર મહિના જેલમાં રહ્યા તેમાં ઘરેણા જેટલા હતા તે બધા અમે લૂંટાવી દીધા છે. અમારી પાસે કોઈ વસ્તુ રહી નથી. મારે સંતાનમાં બાબો-બેબી છે. મને તો હવે એવો જ વિચાર આવે છે કે હું આત્મહત્યા કરું એટલે મારા પતિ પણ આત્મહત્યા કરશે તેની પાછળ મારા બંને સંતાનો પણ આત્મહત્યા જ કરશે. આ બધાની જવાબદારી કેપી સંઘવીની જ રહેશે. ચૂકવણું કર્યા છતાં હેરાન કરે છે જેથી આત્મહત્યાનો કેસ કેપી સંઘવી માથે જશે.