તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંકના ATMમાંથી રાત્રિ દરમિયાન તસ્કરો અંદાજિત રૂપિયા 40 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. તસ્કરો CCTV પર સ્પ્રે મારીને ગેસ કટરથી મશીન કાપ્યા બાદ પળવારમાં જ લાખોની ઉઠાંતરી કરી રફૂચક્કર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં CCTVના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલ SBIના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિ દરમિયાન અંદાજિત 40 લાખ રૂપિયાની ચોરી કરી ચોરો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં તાપી પોલીસ ચોર ટોળકીને પકડવા કામે લાગી ગયું છે. ઘટનાની વાત કરીએ તો આ એસબીઆઇનું એટીએમ સિક્યુરિટી ગાર્ડ વગરનું હોવાથી રાત્રિ દરમિયાન તસ્કરો પ્રવેશ કરી ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હવે ATMમાં મુકેલા સીસીટીવીના આધારે ચોર ટોળકીને શોધવાની ગતિવિધિ પોલીસે હાથ ધરી છે.
સ્થાનિક રહીશ સુધીર ચૌહાણએ જણાવ્યું હતું કે, ગઈકાલે લગભગ 2:45 જેવો સમય હતો. જે પ્રમાણે બધા ભેગા થયેલા અધિકારીઓની વાત સાંભળી છે એ પ્રમાણે પોણા ત્રણ વાગે ચોરો ત્રાટક્યા હતા અને એમની પાસે ગેસ કટર મશીન હતું, જેનાથી ATM મશીન કાપીને એમાંથી 2 મોટી પેટી અને 1 નાની પેટી કાઢી ગયા હતા. જેમાં અંદાજિત 47 લાખ જેટલી રકમ ચોરી ગયા છે તેમ લોકો દ્વારા જાણવા મળ્યું હતું.
વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં થયેલી ATM ચોરીના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો હતો. ટેમ્પા આવેલા અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરીને અંજામ આપતાં તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. પોલીસે આ CCTVના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી છે.