વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિજિલન્સ ઓફિસર તરીકે ચાર્જ લેતી વખતે જ MSUને JNU સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે. આ વિવાદ થતાં નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા માફી માંગે અથવા પદ પરથી રાજીનામુ આપે તેવી વિદ્યાર્થી વિકાસ સંઘે ઉગ્ર માંગ કરી હતી અને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી.
MSUની ગરીમાને હાનિ પહોંચી
વિદ્યાર્થી વિકાસ સંઘે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નવ નિયુક્ત વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા આપણી MSUને JNU સાથે સરખાવી છે. મતલબ કે એવું બતાવ્યું છે કે, અહીંના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દેશ વિરોધી તત્વો છે. આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનો તેમજ સ્ટાફ એ દેશ ભક્ત અને રાષ્ટ્ર પ્રેમી છે સુદર્શન વાળાના આવા નિવેદનથી MSU અને તેના તમામ વિદ્યાર્થીઓની ગરીમાને હાનિ પહોંચી છે. અમારી માંગણી છે કે, સુદર્શન વાળા તમામની માફી માંગે અથવા તેમના પદ ઉપર થી રાજીનામુ આપે.
માફી માંગો કે રાજીનામુ આપો
વિદ્યાર્થી વિકાસ સંગઠનના પાર્થ પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળાએ એમ.એસ.યુનિવર્સિટીની ગરીમાને હાની પહોંચે તેવુ નિવેદન આપ્યું છે અને એમ.એસ. યુનિવર્સિટીની છબી રાજ્ય અને દેશમાં ખરડાઈ છે. સુદર્શન વાળાએ જે વાત કરી તેવી કોઇ વાત આપણી આ યુનિવર્સિટીમાં નથી. અહીં વિદ્યાર્થી સંગઠનો ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે એમના કાર્યક્રમોની શરૂઆત કરે છે. ભારત માતા અને સરસ્વતિ માતાની પૂજા સાથે કાર્યક્રમો શરૂ થતાં હોય છે. એ યુનિવર્સિટી માટે આ પ્રકારનું નિવેદન આપવું એ તદ્દન પાયાવિહોણુ અને ગરીમાને હાનિ પહોંચે તેવુ છે. જેથી અમારી માંગણી છે કે, વિજિલન્સ ઓફિસર વાળા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની માફી માંગે અથવા તો તેમના પદ પરથી રાજીનામુ આપે.
પહેલા દિવસે જ વિવાદ ઉભો કર્યો
ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળાએ ચાર્જ લેતી વખતે વિવાદિત નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. એમ.એસ. યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીની વિદાય બાદ ગઇકાલે વિજિલન્સ હેડ તરીકે સુદર્શન વાળાએ ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે સુદર્શન વાળા હેડ ઓફિસ ખાતે ચાર્જ લેવા પહોંચ્યા ત્યારે વિજિલન્સ ઓફિસમાં બેઠા હતા. તે સમયે પી.પી. કાનાણી સાથેની વાતચીતમાં એમ.એસ. યુનિવર્સિટીની ગરીમાં લજવે તેવુ બોલી ગયા હતા અને પહેલા દિવસે જ વિવાાદિત વાત કરીને પોતાના કાર્યકાળની શરૂઆત કરી હતી.
‘આ તો મીની JNU છે’: સુદર્શન વાળા
એમ.એસ. યુનિવર્સિટના પૂર્વ વિજિલન્સ ઓફિસર પી.પી. કાનાણીએ સુદર્શન વાળા સાથે વાત કરતા કહ્યું હતું કે, વિદ્યાર્થી સંગઠનોમાં આ પરિસ્થિતિ 365 દિવસ જોવા મળે છે, જેના જવાબમાં સુદર્શન વાળાએ વિવાદિત વાત કરતા કહ્યું હતું કે, ‘આ તો મીની JNU છે.’