નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના 35 આચાર્ય અને શિક્ષકો દ્વારા આજ રોજ રવિ જે. મથાઇ સેન્ટર ફોર એજ્યુકેશન ઇનોવેશન, IIM અમદાવાદની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની શાળાઓમાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોને મેનેજમેન્ટ અને વહીવટી માર્ગદર્શન મળે તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનાં રિસર્ચ અને એનાલિસીસ સંદર્ભે માહિતી મેળવવાનો હતો.
શિક્ષણ બાબતે ચર્ચા
આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, (જીસીઇઆરટી)ના વિવિધ પ્રોજેક્ટનું રિસર્ચ અને એનાલિસિસ કરવામાં આવતું હોય છે. આવા ઘણા બધા પ્રોજેક્ટસ જે પ્રોફેસરો દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે તેવા પ્રોફેસર આજે ઉપસ્થિત રહી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના આચાર્યોને માર્ગદર્શન આપ્યું હતું અને કોઈ પણ પ્રોજેક્ટ માટે તેમની ટીમ કઈ રીતે કામ કરે છે અને શિક્ષણમાં બાળકને કેન્દ્રસ્થાને રાખીને કઈ રીતે કામ કરે છે એ બાબતે ચર્ચા કરી હતી.
એનાલિસિસ અને રિસર્ચ
આઇ.આઈ.એમના પ્રોફેસર વિવિધ રાજ્યોના શિક્ષણ પ્રણાલી અને પદ્ધતિઓનું એનાલિસિસ અને રિસર્ચનું કામ કરતા હોય છે. તેના રિપોર્ટ્સ પણ પબ્લિશ કરતા હોય છે. NCERT અને GCERT સાથે તેમને જે કામ કર્યું છે તેના જ્ઞાનનો લાભ આજે તેમને શિક્ષણ સમિતિના આચાર્ય અને શિક્ષકોને આપ્યો હતો.
આચાર્યો પાસે ઘણી બધી છુપી શક્તિઓ હોય
ઇનોવેશન સેન્ટર ખાતે ગુજરાત સરકારમાં લાગુ પાડવામાં આવતી શૈક્ષણિક યોજનાઓ તૈયાર કરનાર રિસર્ચ ટીમના પ્રોફેસર દ્વારા આજે તમામ આચાર્યોને પ્રેઝન્ટેશન દ્વારા અને ત્યાર બાદ ગ્રુપ ડિસ્કશન દ્વારા તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. ચર્ચાના અંતે શિક્ષણ સમિતિના આચાર્યો દ્વારા તેમને મૂંઝવતા પ્રશ્નો અને શિક્ષણમાં હજુ કેવું ઇનોવેશન કરી શકાય તે બાબતે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી. પ્રોફેસર દ્વારા એક વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે, શાળાના આચાર્યો પાસે ઘણી બધી છુપી શક્તિઓ હોય છે. જેનાથી તેઓ શાળાને સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે.
મૂંઝવતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન
આ મુલાકાતનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન મિનેષ પંડ્યા, વાઇસ ચેરમેન ડૉ. હેમાંગ જોશી અને શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, આચાર્ય અને શિક્ષકોના શૈક્ષણિક અનુભવોમાં અભિવૃદ્ધિ થાય અને તેમને મૂંઝવતા પ્રશ્નો બાબતે માર્ગદર્શન મળે તે હેતુ ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક મુલાકાતનું આયોજન
પ્રેઝન્ટેશન અને ચર્ચાના અંતે સમગ્ર ટીમ દ્વારા આઈ.આઈ.એમ અમદાવાદના ઓલ્ડ કેમ્પસ અને ન્યુ કેમ્પસની વિઝીટ કરાવવામાં આવી હતી. તેમજ વિશ્વ પ્રસિદ્ધ ડો. વિક્રમ સારાભાઈ લાઇબ્રેરી અને આર્કાઈવ સેન્ટરની પણ મુલાકાત તમામ આચાર્ય દ્વારા લેવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા શિક્ષણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના સેમિનાર અને શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવતું હોય છે. જેનો મુખ્ય હેતુ નગર શિક્ષણ સમિતિના બાળકોનાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવો હોય છે.