વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં 26 વર્ષીય યુવકનું શંકાસ્પદ મૃત્યું થતાં પરિવારે ન્યાયની માંગણી કરી છે. સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકના જે યુવતી સાથે લગ્ન થયા તેની સાથે હતો અને યુવતી જ યુવકને હોસ્પિટલ લઇ ગઈ હતી. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, યુવતીના જબરદસ્તી યુવક સાથે કરવામાં આવ્યા હતા અને આ યુવતીએ અગાઉ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ભાઈ અઢી વાગ્યા સુધી અમારી સાથે હતો
મૃતકના ભાઈ સૈફઅલી સૈયદે જણાવ્યું હતું કે, અમે નવાપુરા વિસ્તારમાં રહીએ છીએ. રાત્રે અઢી વાગ્યાની આસપાસ અમે કામ કરતા હતા અને અઢી વાગ્યાથી મારો ભાઇ સાજીદઅલી સૈયદ ગાયબ થઈ ગયો હતો અને વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ સામેના ઘરમાંથી મને જાણ કરી હતી કે, તારા ભાઇને સયાજી હોસ્પિટલમાં લઇને આવ્યા છીએ. સયાજી હોસ્પિટલમાં હું આવ્યો હતો, તો મને તેનો મૃતદેહ મળ્યો હતો. યાકુતપુરામાં રહેતી યુવતી મારા ભાઈની સાથે હતી. આ યુવતીને અમે પૂછ્યુ પણ તે કંઇ કહેવા માંગતી નથી. મને એની પણ શંકા છે. પોલીસે અમારી ફરિયાદ લીધી નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ લેવાનું કહ્યું છે.
જબરદસ્તી ભાઈના લગ્ન કરાવ્યા હતા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારો ભાઇ એ યુવતી સાથે જ રહેતો હતો. મારા ભાઈના એ યુવતી સાથે જબરદસ્તી લગ્ન કરાવેલા છે. આ યુવતીએ મારા ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
હોસ્પિટલમાં મૃત આવ્યો કે જીવતો?
મૃતકના મામા મોહમ્મદ રિયાઝે જણાવ્યું હતું કે, મારો ભાણીયો અઢી વાગ્યા સુધી મહોલ્લામાં હતો અને ડેકોરેશનની કામગીરી કરી રહ્યો હતો અને આ સમયે તેના ઉપર ફોન આવ્યો હતો અને તે યાકુતપુરા ગયો હતો અને 5.30 વાગ્યે યુવતીનો ફોન આવ્યો હતો કે, સાજીદની તબિયત ખરાબ છે અને સયાજી હોસ્પિટલમાં લઇને આવી છું. અમે ડોક્ટરને પૂછ્યુ તો તેઓ કહે છે કે, અહીં મૃતદેહ લઇને આવી હતી. જો કે, સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે જીવતો હોવાની પણ માહિતી મળી છે. તેનો કેસ પેપર પણ કઢાવ્યો હતો. હવે ડોક્ટર સાચુ બોલે છે કે હકીકત શું છે તે અમારે જાણવુ છે. મારા ભાણીયા સામે તે બન્યુ તે સામે આવવુ જોઇએ. તેને ન્યાય મળવો જોઇએ.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સચોટ કારણ બહાર આવશે
સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી ચૌહાણે જણાવ્યું હતું કે, યુવકના મૃત્યું મામલે અમે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવકના મગજની નસ ફાટી ગઈ હોવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સચોટ કારણ જાણવા મળશે.