News Updates
AHMEDABAD

ટ્રાફિક-રખડતા ઢોરને લઈને કન્ટેમ્પ્ટ પિટિશનમાં કોર્ટની ટકોર, સરકારે કાગળિયા બધા ફાઈલ કર્યા પણ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી

Spread the love

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને રખડતા ઢોર, ટ્રાફિક અંકુશ અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા. પરંતુ બંને ઓથોરિટી દ્વારા સતત કોર્ટમાં કાગળિયા ફાઈલ કરાયા છે, પરંતુ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી.

મણિનગર, ઇસનપુર પાસે સમસ્યા
આજની સુનાવણી જજ આશુતોષ શાસ્ત્રી અને દિવ્યેશ જોશીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય અને AMCએ પગલાં લીધા છે તેની ના નથી. પરંતુ જમીન પર તે કામ દેખાતું નથી. હાઈકોર્ટ વારંવાર નિર્દેશો ન આપે, ઓથોરિટી જાતે પગલાં ભરે. હાઇકોર્ટે આ સુનાવણી દરમિયાન નડિયાદ કોર્ટ અને નવસારી રેલવે મથકે બનેલી ઘટનાઓ પણ ટાંકી હતી. કોર્ટે કહ્યું હતું કે, કોર્ટને ઓથોરિટીને ખખડાવવા નહીં, પરંતુ જાહેર હિતમાં રસ છે. કોર્ટે કહ્યું હતું કે, મણિનગર, ઇસનપુર, નહેરૂનગર અને અટિરા પાસે પણ આ સમસ્યા છે.

કોર્ટે 2018 અને 2019માં પણ નિર્દેશો આપ્યા હતા
અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, ઉપરોક્ત સમસ્યાઓ બાબતે કોર્ટે 2018 અને 2019માં પણ નિર્દેશો આપ્યા હતા. સરકારી અધિકારીઓ કોર્ટમાં આવ્યા, એફિડેવિટ પણ થઈ, પરંતુ અમલીકરણ થયું નહીં. રાજ્યના ચીફ સેક્રેટરીએ આ સમસ્યા સંદર્ભમાં એફિડેવિટ ફાઈલ કરી નથી. અંડર સેક્રેટરી અને ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઈલ કરી છે. જો રાજ્યના ચીફ સેક્રટરી અને AMC કમિશનર એફિડેવિટ ફાઈલ કરે તો નીચલા અધિકારીઓની હિંમત નથી કે તેમના ઓર્ડરનું પાલન ન થાય. સરકાર અને AMC પોલિસી પણ બનાવી ચૂકી છે. પરંતુ તેની અમલવારીમાં સમસ્યા છે. નોડલ ઓફિસરને જવાબદાર બનાવવો જોઈએ.

નહીંતર કોર્ટ જાતે અઘરા નિર્ણય આપશે
સરકારી વકીલ મનીષા શાહે જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે 15 વ્યક્તિઓને આઉટસોર્સિંગથી કામ અપાયું છે. તેમજ તે અંગે ટ્રેક્ટર અને પાંજરા જેવા સાધનો પૂરા પડાયા છે. 1 જાન્યુઆરી, 2023થી 31 માર્ચ, 2023 સુધી નડિયાદ નગરપાલિકાએ 34 ઢોર ડબ્બે પૂર્યા હતા. 15 ઢોર પકડીને ગૌચરમાં છોડી દેવાયા હતા. જ્યારે 19 જેટલા ઢોર પશુ માલિકો દંડ ભરીને છોડાવી ગયા હતા. ત્યારબાદ 1 એપ્રિલ, 2023થી 30 ઓગસ્ટ, 2023 સુધી 158 ઢોર પકડવામાં આવ્યા હતા. કોર્ટે ઢોર પકડવાની કામગીરી સાથે ઢોર માલીકો સામે પોલીસ ફરિયાદ અંગે પણ પૂછ્યું હતું. તે અંગે સરકારી વકીલે ઢોર માલીકો સામે પોલીસ ફરિયાદ કરાતી હોવાની માહિતી આપી હતી. કોર્ટે આ સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય મિકેનીઝમ આપવા જણાવ્યું હતું, નહીંતર કોર્ટ જાતે અઘરા નિર્ણય આપશે.

જીવદયા પ્રેમીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જાય છે
અમિત પંચાલે જણાવ્યું હતુ કે, અગાઉ AMC કમિશનરે અમદાવાદ શહેરના 6 રસ્તાની જવાબદારી 6 જવાબદાર અધિકારીઓને આપી હતી. તેમના નંબર અને ઈ-મેઇલ પણ જાહેર કરવા જોઈએ. જેથી કરીને પબ્લિક તેમને સીધી ફરિયાદ અને પ્રશ્નો કરે, જેવી રીતે ટ્રાફિક માટેના નંબરો છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જે તે વિસ્તારના પોલીસ અધિકારી જવાબદાર છે. AMCના વકીલે જણાવ્યું હતું કે, AMC દબાણો દૂર કરે છે, તે પાછા આવી જાય છે. AMC કૂતરા પકડવાની ગાડી મોકલે તો જીવદયા પ્રેમીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જાય છે. જોકે, કોર્ટે ચાર વર્ષથી નિર્દેશો આપ્યા હોવા છતાં અમલવારી ન થતા યોગ્ય સૂચનો બાદ બપોરે કોર્ટમાં ઉપસ્થિત થવા પક્ષકારોને જણાવ્યું હતું. જે સાંભળીને કોર્ટ નિર્ણય કરશે.


Spread the love

Related posts

1 કરોડથી વધુનું MD ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદમાં બે પેડલર સહિત ત્રણની ધરપકડ, SG હાઈવે અને નારોલ બ્રિજ પાસે હોટલમાંથી ડ્રગ્સ કરતા સપ્લાય, સપ્લાયર વોન્ટેડ

Team News Updates

વેપારીને પૈસા ન આપી છેતરપિંડી આચરી:અમદાવાદમાં બિલ્ડિંગ મટિરિયલનો માલ ખરીદીને 8.61 લાખ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Team News Updates

ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે:અમદાવાદના વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, રમકડાની બેટરી બ્લાસ્ટ થતા 3 ફાયરકર્મી દાઝ્યા

Team News Updates