ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસર વિભાગના વડા વિરુદ્ધ જ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં તેમનું પ્રમોશન, વાહન ભથ્થું અને અભ્યાસ અટકાવી રાખ્યાના આક્ષેપ કર્યો છે. ત્યારે દિવ્યભાસ્કરે કુલપતિ ડો. નીરજા ગુપ્તાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલા પ્રોફેસર ડોક્યુમેન્ટ સાથે આવે તો તમામ ભથ્થાં અમે ચાલુ કરાવી આપીશું .
જોકે, આક્ષેપિત પ્રોફેસરે કહ્યું, મેં મહિલા પ્રોફેસરનું પ્રમોશન અટકાવ્યું નથી, વાહન ભથ્થું 6 મહિનાથી મળે છે અને તેમને અભ્યાસ કરવામાં પણ મેં રોક્યા નથી. મહિલા. પ્રોફેસરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.
ફરિયાદ પરથી સ્પષ્ટ નથી થતું કે મહિલા પ્રોફેસરે કરી છે- કુલપતિ
આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળી છે, પરંતુ ફરિયાદ પરથી સ્પષ્ટ નથી થતું કે મહિલા પ્રોફેસરે જ ફરિયાદ કરી છે કે અન્ય વ્યક્તિએ. આ ઉપરાંત આ જૂની ફરિયાદ છે, જે અંગે અને મહિલા પ્રોફેસરની મદદ કરવા તૈયાર છીએ, પરંતુ તે રૂબરૂ તમામ ડોક્યુમેન્ટ સાથે આવતા નથી. તે ડોક્યુમેન્ટ સાથે તો આવે તો તમામ ભથ્થા અમે ચાલુ કરાવી આપીશું.
સમાજ વિદ્યા ભવનના વડા સામે 3 વખત ફરિયાદ કરાઈ હતી
ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિભાગના વડા મુકેશ ખટીક સામે કુલપતિને ફરિયાદ કરી છે. અગાઉ પણ 3 વખત ફરિયાદ કરી હતી. મહિલા પ્રોફેસરનો આક્ષેપ છે કે, તેમને પ્રમોશન મેળવવા માટે અરજી કરી છે, જેમાં મુકેશ ખટીક સહી કરતા નથી. મહિલા પ્રોફેસરને સરકાર તરફથી ટ્રાવેલ્સ એલાઉન્સ મળે છે, જે મુકેશ ખટીકે અટકાવી રાખ્યું છે અને મહિલા પ્રોફેસરને ભવિષ્ય માટે અભ્યાસ કરવો છે. પરંતુ મુકેશ ખટીક તે પણ કરવા દેતા નથી.
પ્રોફેસરના પ્રમોશનની ફાઈલ મારા પાસે આવી નથી- ખટીક
આ આક્ષેપ અંગે દિવ્યભાસ્કરે આક્ષેપિત મુકેશ ખટીક સાથે વાત કરી ત્યારે જણાવ્યું કે, મહિલા પ્રોફેસરના પ્રમોશન માટેની ફાઈલ મારા પાસે આવી નથી તે સીધા ડાયરેક્ટર પાસે ગયા છે. હું સહી કરવા તૈયાર છું પરંતુ અગાઉની ફરિયાદના અંગે મેં ખુલાસા માંગ્યા છે, જે મને હજુ સુધી મળ્યા નથી. વાહન ભથ્થા અંગે જે આક્ષેપ છે તે પણ ખોટો છે. કારણ કે, મહિલા પ્રોફેસર છેલ્લા 6 મહિનાથી વાહન ભથ્થું મેળવે છે. મહિલા પ્રોફેસરે અભ્યાસ કરવો છે, જે અંગે તેમને મને કોઈ જાણ કરી નથી. અગાઉ તેમને 2 કોર્ષ કર્યા હતા ઘરે મેં મંજૂરી આપી તો અત્યારે હું શા માટે રોકું?
ગુજરાત યુનિવર્સિટી તપાસ કરશે
દિવ્યભાસ્કરે ફરિયાદ કરનાર મહિલા પ્રોફેસરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.આ અંગે આગામી દિવસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવશે.