અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલ તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. જેની સુનાવણી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. આ મુદ્દે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, લોકોને સ્પષ્ટ રીતે ખબર પડે તેવી રીતે પોલીસ સામે ફરિયાદ કરવાનો નંબર જાહેર જગ્યાએ લગાવો. કલેક્ટર અને કમિશનરનું વર્તન ભગવાન અને રાજા જેવું હોય છે ત્યાં કોણ ફરિયાદ કરવા જશે!
સુનાવણીની શરૂઆતમાં કોર્ટે એડવોકેટને ખખડાવ્યા
સુનાવણીની શરૂઆતમાં એડવોકેટ પંકજ પટેલે આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા અરજી કરી હતી. તેમને જણાવ્યું હતું કે TRBનું લીગલ સ્ટેટ્સ નક્કી થવું જરૂરી છે. તેઓ TRB સાથે 2008થી સંકળાયેલ છે. આથી કોર્ટે તેમને કોર્ટમિત્ર ક્રિના કેલ્લાને આસિસ્ટ કરવા જણાવ્યું હતું. વકીલે કહ્યું હતું કે, આ જાહેર હિતની મેટર છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે, આ તમારી અરજી છે, તમે જાતે ઉપસ્થિત થયા છો તો નિયમો મુજબ તમે વકીલનો ડ્રેસ ન પહેરી શકો. કોર્ટે પંકજ પટેલની પક્ષકાર તરીકે જોડાવવાની અરજી નકારી નાખતા નોંધ્યું હતું કે, એડવોકેટને પાર્ટી ઈન પર્સંન તરીકે કેવી રીતે ઉપસ્થિત થવાય તેની ખબર નથી.
આરોપીઓ સામે કોર્ટે કાર્યવાહી થઈ રહી છે
કોર્ટમાં સરકારી વકિલ મનિષા શાહે આ કેસમાં કોર્ટના આદેશ પ્રમાણે થયેલી કામગીરીની વિગત આપતા જણાવ્યું હતું કે, રિક્ષા, ટેક્સી અને અન્ય મહત્વના સ્થળો ઉપર પોલીસ સામે ફરિયાદ કરવાના નંબરની માહિતી લગાવવાનું કામ ચાલુ છે. આ લૂંટ કેસમાં આરોપીઓ સામે ખાતાકીય કાર્યવાહીમાં ચાર્જમેમો બાદ શિસ્ત ભંગના પગલાં લેવાઇ રહ્યા છે. ચાર્જશીટ પણ ફાઈલ થઈ ચૂકી છે. આરોપીઓ સામે કોર્ટે કાર્યવાહી થઈ રહી છે.
ACBના 1064 નંબર પર ફોન કરી શકાશે
પોલીસ સામે ફરિયાદ માટે એન્ટી કરપ્શન બ્યુરોના નંબર 1064 પર ફોન કરી શકાશે, જે ફરિયાદ સીધી કમિટી પાસે જશે. 100, 112 અને 1064 હેલ્પલાઇન નંબર ઉપર સરકારી કર્મચારીઓ સામે ગેરકાનૂની કામ કરવા બદલ ફરિયાદ થઈ શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ આ નંબર દર્શાવતા બેનર્સ શહેરમાં મહત્વના સ્થળોએ લગાવવા સૂચન અપાઈ છે. પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ટ્રાફિક પોઈન્ટ, ટોલ પ્લાઝા વગેરે જગ્યાએ આ હેલ્પલાઈન નંબર લગાવાઈ રહ્યા છે. જેના ફોટા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે સરકારને કહ્યું- તમે ડરો છો
જોકે, કોર્ટે મિત્ર શાલીન મહેતાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાતોમાં ‘પોલીસ મદદ, ફરિયાદ’ તેવી રીતે હેલ્પલાઇન દર્શાવી છે. જે અસ્પષ્ટતા દર્શાવે છે, ખરેખરમાં ‘પોલીસ સામે ફરિયાદ’ તેમ લખવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, સરકારે દર્શાવ્યું તે પ્રમાણે લોકો સમજે કે આ હેલ્પલાઇન તો પોલીસની મદદ મેળવવા માટે છે, પોલીસ સામે ફરિયાદ માટે નહિ. કોર્ટે સરકારને કહ્યું હતું કે, પોલીસ સામે ફરિયાદ માટે ડેડિકેટેડ હેલ્પલાઈન 1064 જ રાખો. સરકારે કહ્યું હતું કે, તે કોર્ટના સૂચન મુજબ કરશે. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, તમે પોલીસ સામે ફરિયાદ માટે બધે 100, 112ના જ નંબર પ્રદર્શિત કર્યા છે, 1064 નહિ, તમે ડરો છો.
લો એન્ડ ઓર્ડર જાળવવાની જવાબદારી પોલીસની
કોર્ટે કહ્યું હતું કે, ACB હેલ્પલાઇન 1064ને પોલીસ અત્યાચાર સામે ફરિયાદ કરવા સાથે જોડો. સરકારે કહ્યું હતું કે, તેઓ સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ કરવાની આ હેલ્પલાઈનમાં પોલીસને અલગથી દર્શાવી શકે નહિ. જોકે, કોર્ટે સરકારની આ દલીલ નકારી દીધી હતી. જ્યારે કોર્ટ મિત્ર શાલીન મહેતાએ જણાવ્યું હતું કે, લો એન્ડ ઓર્ડર જાળવવાની જવાબદારી પોલીસની છે, વળી TRB તો પોલીસ પણ નથી તો તેની સામે ફરિયાદ કયા નંબર પર કરવાની?
કોર્ટ બધું જાણે છે, કોર્ટ પાસે વધુ બોલાવો નહિ
કોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના થવી જોઈએ. લોકો શું ફરિયાદ કરવા સરકારી ઓફિસોની બહાર ઊભા રહેશે? કોણ તેમને પ્રવેશ આપશે? કલેક્ટર અને કમિશનર તો ભગવાનની જેમ વર્તે છે! તેઓ રાજા હોય તેવું તેમનું વર્તન હોય છે. સરકારી ઓફિસોમાં કોને સરળતાથી પ્રવેશવા દેવાય છે? કોર્ટ બધું જાણે છે, કોર્ટ પાસે વધુ બોલાવો નહિ.
વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ
સામાન્ય માણસ સાથે પોલીસ મથક, કમિશનર કચેરી અને કલેક્ટર કચેરીઓમાં કેવું વર્તન થાય છે તે કોર્ટ જાણે છે, અમને જમીની હકિકત ખબર છે, અમને જાત અનુભવ છે. સરકાર લોકોને એટલું જણાવે કે પોલીસ અત્યાચાર સામે કયા?, કોને? અને ક્યારે ફરિયાદ કરવી. હેલ્પલાઈન સ્પષ્ટ રીતે દર્શાવો કે પહેલી વખત જોનારને ખબર પડી જાય કે તે શાના માટે છે. ફરિયાદ સેલના નંબર આપો અને સ્પષ્ટ રીતે લોકો સમજે તેમ લખો. આ મુદ્દે વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ 8 ડિસેમ્બરે નિર્ધારિત કરાઈ છે.