અમદાવાદ શહેરમાં ફરી એક વખત દારૂની હોમ ડિલિવરી થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં દારૂ પહોંચાડવા માટે અવનવી ટ્રીકનો ઉપયોગ કરતા હોય છે. આ વખતે રિક્ષામાં હોમ ડિલિવરી કરવા આવનાર બુટલેગર પોલીસને જોઈને ભાગ્યો પણ ડિલિવરી મગાવનાર ઝડપાઇ ગયો છે. હવે આ આખા રેકેટની વિગત શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ અગાઉ પણ નાનો ટાબરિયો બોડકદેવ વિસ્તારમાં દારૂની ડિલિવરી કરતા ઝડપાઈ ગયો હતો. હવે બીજા દારૂના નેટવર્કને શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવી રહ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, બાગબાન સર્કલ પાસે એક શખ્સ એક્ટિવા લઇને ઉભો છે અને તેણે રિક્ષામાં દારૂનો જથ્થો મંગાવ્યો છે. બાતમીના આધારે બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને યુવક પર વોચ રાખીને બેઠી હતી. દરમિયાનમાં યુવક પાસે એક રિક્ષા આવીને ઉભી રહી હતી. જેણે પ્લાસ્ટીકની થેલીમાં દારૂની બોટલ આપી હતી. પોલીસ રેડ કરવા માટે દોડી ત્યારે રિક્ષાચાલક પોલીસને જોઇને નાસી ગયો હતો. પોલીસે એક્ટિવા ચાલકની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી.
એક્ટિવા ચાલકનું નામ અમિત સોની છે અને તે શિલજ ખાતે આવેલા આશ્રય અતુલ્ય ફ્લેટમાં રહે છે. પ્લાસ્ટીકની થેલીમાં દારૂની બોટલ હતી, જે અમિતે ફોન કરીને મંગાવી હતી. પોલીસે અમિતની વધુ પૂછપરછ કરતા તેણે દારૂ આપવા માટે આવેલા ખેપિયાનું નામ મુકેશ બતાવ્યુ હતું. મુકેશ રિક્ષા ચાલવે છે અને ગ્રાહકોને દારૂની ડિલિવરી પણ કરે છે.
પોલીસની રેડ દરમિયાન મુકેશ પોતાની રિક્ષા મુકીને નાસી ગયો હતો,. પોલીસ અમિતની ધરપકડ કરીને મુકેશને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. બોડકદેવ પોલીસે અમિત અને રિક્ષાચાલક મુકેશ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અંગે લીસ્ટેડ બુટલેગરોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમના ઉપર વોચ રાખવામાં આવશે. નવરાત્રીમાં દારૂની હેરફેરનું પ્રમાણ વધે નહીં, તેનું ધ્યાન રાખીને કામગીરી કરવામાં આવશે. આ મામલે બોડકદેવ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઇકાલે દારૂની હોમ ડિલિવરીનો એક કેસ કર્યો છે. હવે દારૂડીયા તેમજ ગ્રાહકોને ઝડપી લેવા માટે હોમ ડિલિવરીના કેસો સતત કરવામાં આવશે.
દારૂના અડ્ડા પર પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓના સતત દરોડા પડતા હોવાથી દારૂડીયાઓ તેમજ બુટલેગરો સ્માર્ટ થઇ ગયા છે. ફુડ ડિલિવરીની જેમ હવે દારૂની પણ હોમ ડિલિવરી થઇ રહી છે. બુટલેગરોએ દારૂની ડિલિવરી કરતા ખેપિયાઓને તૈયાર કર્યા છે, જે ગ્રાહકોને ઘર સુધી દારૂની બોટલો આપવા માટે જાય છે. દારૂની બોટલ ઘર સુધી પહોચાડવાનો ભાવ પણ અલગ હોય છે. ખેપિયાઓ પણ એક બોટલ દીઠ 200થી 300 રૂપિયાનો ચાર્જ બુટલેગર પાસેથી લેતા હોય છે.
પુર્વ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર જઇને દારૂડિયાઓ બોટલો ખરીદી છે, પરંતુ પોષ વિસ્તારમાં દારૂની ડિલિવરી કરવામાં આવે છે. પુર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર, છારાનગર, ઓઢવ સહિતની જગ્યા પર બુટલેગરો પોતાના અડ્ડા પર જ બાર બનાવી દીધો છે અને દારૂનો ધંધો ધમધમાવે છે. ત્યારે પોશ વિસ્તારમાં પોલીસની ધોસ હોવાના કારણે બુટલેગરો ચુપચાપ દારૂનો ધંધો કરે છે. બુટલેગરો દારૂનો જથ્થો જાતેજ લેવા માટે રાજસ્થાન થાય છે અને બાદમાં તેમની નીયત કરેલી જગ્યા પર મુકે છે. ગ્રાહકોની જરૂરીયાત મુજબ બુટલેગરો દારૂનો જથ્થો બહાર કાઢે છે અને બાદમાં તેમના વિશ્વાસુ વ્યક્તિઓ સાથે ડિલિવરી પણ કરાવે છે.