વડોદરા નજીક આવેલા કોયલી ગામના અંકોડિયા ત્રણ રસ્તા પાસે નોકરી પરથી સાયકલ લઈને ઘરે જતા વૃદ્ધને સિમેન્ટ મિક્ષરે અડેફેટે લીધા હતા. આ ઘટનામાં વૃદ્ધ પર મિક્ષરનનું આગલું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અરેરાટી ફેલાવી દેતી આ અકસ્માતની ઘટના ગત 1 જૂનની છે, જેના સીસીટીવી સામે આવ્યાં છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જો વૃદ્ધએ સાયકલ રોકી દીધી હોત તો બચી જાત. હાલ આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે સિમેન્ટ મિક્ષરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામ સીતારામ મહોલ્લામાં રહેતા 59 વર્ષીય કાલીદાસ ખોડાભાઈ કોયલી રિફાઈનરીમાં લેબર વર્ક કરતા હતા. તેઓ રોજ સાયકલ લઈને નોકરી અને નોકરીથી ઘરે જતા હતા. ત્યારે ગત શનિવારે કાલીદાસભાઈ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સાંજે પાંચ વાગ્યાની આસપાસ કોયલી ગામ અંકોડિયા ત્રણ રસ્તા પાસે એક સિમેન્ટ મિક્ષરના ચાલકે કાલીદાસભાઈને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના હવે CCTV બહાર આવ્યા છે. જેમાં દેખાય છે કે, સિમેન્ટ મિક્ષર વળાંક લઇ રહ્યું હોય છે, ત્યારે એક સાઇકલ ચાલક ત્યાંથી પસાર થતો હોય છે અને સિમેન્ટ મિક્ષર તેને અડફેટે લે છે.
આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં કાલીદાસભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માત સર્જીને સિમેન્ટ મિક્ષરનો ચાલક તેનું વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો.
જવાહરનગર પોલીસે કાલીદાસભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. કાલીદાસભાઈના પુત્રની ફરિયાદના આધારે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને મોડી રાત્રે સિમેન્ટ મિક્ષરના ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
વડોદરા શહેરમાં ડમ્પર સહિતના ભારદારી વાહનોની અડફેટે અનેક લોકો જીવ ગુમાવે છે. વડોદરામાં ભારદારી વાહનોની શહેરમાં પ્રવેશબંધી હોવા છતાં શહેરમાં ભારદારી વાહનો શહેરમાં પ્રવેશે છે અને ઘણીવાર અકસ્માતો સર્જે છે અને લોકો પોતાના જીવ ગુમાવે છે.