વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઈલની દુકાનોમાં ગાંધીનગર CID ક્રાઈમની ટીમે રેડ કરી છે. મોબાઈલની એસેસરીઝમાં કોપીરાઈટ ભંગ થતો હોવાની શંકાએ રેડ કરવામાં આવી છે.
વડોદરાના મોબાઈલ પાર્ટ્સ અને રિપેરિંગનું હબ ગણાતા મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઈલ એસેસરીઝની દુકાનોમાં CID ક્રાઈમ, ગાંધીનગરની ટીમે આજે દરોડા પાડ્યા છે. મરીમાતાના ખાંચામાં આવલી કેટલીક દુકાનોમાં ડુપ્લિકેટ એસેસરીઝનું વ્યાપક વેચાણ થતું હોવાની આશંકાને પગલે CID ક્રાઈમ અને કોપીરાઈટ સંબંધિત અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરનારાઓ વેપારીઓ ફફડાટની વ્યાપી ગયો છે.
મરીમાતાના ખાંચામાં મોબાઇલ લે-વેચ, રિપેરિંગ તથા એસેસરીઝનું મોટું માર્કેટ આવેલું છે. છેલ્લા કેટલાક મહિલાઓની આ માર્કેટ પાર્કિંગની સમસ્યા અને દબાણોને લઈને સતત ચર્ચામાં રહેતુ આવ્યું છે અને આજે સવારે અચાનક જ CID ક્રાઈમ, ગાંધીનગરની ટીમ દ્વારા મરીમાતાના ખાંચામાં આવેલી કેટલીક દુકાનોમાં રેડ પાડવામાં આવી છે અને મોબાઈલ એસેસરીઝની સઘન તપાસ શરૂ કરી છે. ડુપ્લિકેટ એસેસરીઝના વ્યાપક વેચાણની આશંકાને પગલે આ રેડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં ડુપ્લિકેટ એસેસરીઝનો જથ્થો મળે તેવી શક્યતાઓ છે.
ગાંધીનગર સીઆઇડી ક્રાઈમના ડીવાયએસપી કે.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલી મોબાઈલ રિપેરિંગની દુકાનોમાં ગાંધીનગર CID ક્રાઈમની ટીમે રેડ કરી હતી. જેમાં મોબાઈલ એસેસરીઝમાં કોપીરાઈટનો ભંગ થતો હોય અને ડુપ્લિકેટ એસેસરીઝ વેચાતી હોવાથી રેડ કરી છે અને 4 દુકાનોમાં તપાસ ચાલુ છે.