સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી જિલ્લા એલસીબીએ કર્યો છે. વાહન ચેકીંગ દરમ્યાન જિલ્લા એલસીબીને સફળતા મળી છે. આ ગુનાનો છેડો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો હોય પોલીસે વિવિધ મુદ્દે તપાસ હાથ ધરી છે.
11મી સપ્ટેમ્બર દરમ્યાન તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાંખરી ગામે વાહન ચેકીંગમાં હતા, જે દરમ્યાન એક શંકાસ્પદ હાલતમાં એમપી પારસિંગની ટ્રક ઝડપાઇ હતી. જેની તપાસ દરમ્યાન તેમાથી શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતરની 400 જેટલી ગુણો મળી આવી હતી. આ મુદ્દે ટ્રકમાં સવાર ટ્રકચાલક અને ક્લીનર દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં ખાતરના પૃથક્કરણ માટે તેને ગાંધીનગર પ્રયોગશાળામાં મોકલાયું હતું, દરમ્યાન આ યુરિયા ખાતરનો જથ્થો નિમ કોટેડ યુરિયા હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જે સરકાર તરફથી ખેડૂતોને ખેતી માટે જ આપવામાં આવતું હોય જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો ન હોય, જેથી આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની અટક કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
હાલ પોલીસે ટ્રક ચાલક મૂળ મહારાષ્ટ્ર રાજ્યના ઈંદ્રિસ મકરાણી અને ક્લીનર અબ્દુલ મકરાની અટક કરી છે. સાથે 3,60,000ની કિંમતનો યુરિયા ખાતરનો જથ્થો અને સાત લાખની કિંમતની ટ્રક જપ્ત કરી માલ મંગાવનાર અને મોકલનાર બેને વોન્ટેડ જાહેર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ખેત વપરાશનું ખાતર ઔદ્યોગિક ઉપયોગ માટે ગુજરાત લાવીને વેચવાનો કૌભાંડનો પર્દાફાશ હાલ તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. આ રેકેટ ક્યારથી ચાલતું હતું, તેમાં કોણ કોણ સામેલ છે, કોઈ સરકારી કર્મચારીની ભૂમિકા છે કે નહીં? વગેરે જેવા પ્રશ્નો સાથે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની ઝીણવટ ભરી નિષ્પક્ષ તપાસ બાદ આંતર રાજ્ય ખાતર કૌભાંડનો પર્દાફાશ થશે.