ગુજરાતમાં બનતા દુષ્કર્મના બનાવોને પગલે સુરતમાં આમ આદમી પાર્ટીએ આજે વિરોધ નોંધાવ્યો હતો. કાળા કપડા પહેરી અને કાળી પટ્ટી ધારણ કરીને આપ રસ્તા પર ઉતરી હતી. આ રેલીમાં ‘ગૃહમંત્રી શરમ કરો’, ‘તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે’, સહિતના પોસ્ટર અને બેનરો સાથે કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતા. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ કરી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે, જો તમારાથી મહિલાઓની સુરક્ષા ન થતી હોય તો તમને એ ખુરશી પર બેસવાનો કોઈ હક્ક નથી.
સુરત શહેરમાં આજે (7 ઓક્ટોબર) આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ વિરુધના નારા અને બેનરો-પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી. કાળા કપડા પહેરીને આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી પહોચીને રામધુન અને સુત્રોચાર પોકાર્યા હતા. આ ઉપરાંત વડોદરાની દીકરીને ન્યાય આપો, ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરો, ગૃહમંત્રી શરમ કરો, ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે, નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો જેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. કેટલાક કાર્યકરોની તો ટીંગાટોળી કરીને અટકાયત કરવી પડી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, સુરત શહેર મહિલા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ હર્ષભાઈ સંઘવીના રાજીનામાંની માંગ સાથે જઈએ છીએ. ગુજરાતની અંદર રોજેરોજ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો એક પછી એક દુષ્કર્મના બનાવો બની રહ્યા છે. એક બાજુ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે, મોડે સુધી ગરબા રમી શકે છે. બીજી બાજુ વડોદરાની અંદર ગરબા રમવા ગયેલી દીકરી પર સામુહિક દુષ્કર્મ થાય છે.
આ પ્રકારની ઘટના બની છતાં પણ આ બાબતે ગૃહમંત્રાલય ચુપ છે, હર્ષભાઈ સંઘવી ચુપ છે, ભાજપના મહિલા મોરચો અને બધા ચુપ છે. આની પહેલા દાહોદની અંદર 5 વર્ષની બાળકીની હત્યા થઇ હતી. સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે. આટલી બધી ઘટનાઓ બની રહી છે અને મહિલાઓ અસુરક્ષિત છે, છતાં પણ ભાજપના નેતાઓ ચુપ છે, ગૃહમંત્રી ચુપ છે.
વધુમાં જણાવ્યું હતું કે, અમારી એટલી જ માંગણી છે કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ન થતી હોય તો તમને એ ખુરશી પર બેસવાનો કોઈ હક્ક નથી. કારણ કે, સરકારમાં બેસીને મહિલાઓની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી હોય છે. આજે મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. મહિલાઓ પર દુષ્કર્મના બનાવો બની રહ્યા છે, જેથી હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. આ જ માંગણી સાથે આજે અમે કલેકટર કચેરી પહોંચ્યા છીએ.