ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આજે CAG રિપોર્ટમાં ટ્રેઝરર સહદેવ યાદવ દ્વારા કરાયેલા દાવાને રદિયો આપ્યો હતો. CAGએ તેના રિપોર્ટમાં શોધી કાઢ્યું હતું કે રિલાયન્સ સાથેની સ્પોન્સરશિપ ડીલમાં IOAને 24 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આના જવાબમાં ડૉ. ઉષાએ મંગળવારે કહ્યું કે IOAને કોઈ આર્થિક નુકસાન થયું નથી. ઉષાએ કહ્યું કે, આ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાની ષડયંત્ર છે. તેમણે ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
CAGએ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન અને રિલાયન્સ વચ્ચેની સ્પોન્સરશિપ ડીલ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. 2022માં 6 ઇવેન્ટ માટે 35 કરોડ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી. સોદામાં પાછળથી ચાર વધુ ઇવેન્ટ્સ ઉમેરવામાં આવી હતી, પરંતુ IOAને આ માટે કોઈ વધારાના પૈસા મળ્યા ન હતા. CAGનું માનવું છે કે IOAને આ માટે 24 કરોડ રૂપિયા વધુ મળવા જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં જ્યારે રિલાયન્સ સાથે ડીલ ફાઈનલ થઈ હતી, ત્યારે તેમાં બે વિન્ટર ઓલિમ્પિક અને બે યુથ ઓલિમ્પિક સામેલ નહોતા. ત્યારબાદ IOA એ 6 મેગા ઈવેન્ટ્સ માટે રૂ. 35 કરોડમાં ડીલ ફાઈનલ કરી હતી. એટલે કે એક ઇવેન્ટ માટે લગભગ 6 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી.
આ સોદો 2023માં વધુ ચાર ઇવેન્ટ્સ માટે લંબાવવામાં આવ્યો છે, પરંતુ તેના માટે કોઈ વધારાના પૈસા લેવામાં આવ્યા નથી. આ દરેક માટે 6-6 કરોડ રૂપિયા વધુ આપવા જોઈએ. એટલે કે 24 કરોડ રૂપિયા વધુ મળવા જોઈતા હતા, પરંતુ એવું થયું નહીં. IOAએ રૂ.59ને બદલે માત્ર રૂ.35 કરોડ લીધા.
IOA દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, ડૉ. ઉષાએ કેગના રિપોર્ટમાં સહદેવ યાદવના દાવાને રદિયો આપ્યો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જાણકારી વગર કામ કર્યું હતું. ઉષાના મતે, આ દાવાઓ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા અને IOAને બદનામ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસનો એક ભાગ છે.
ઉષાએ જણાવ્યું હતું કે RIL સાથે સોદાની પુનઃ વાટાઘાટો કરતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. રમતના અગ્રણી વકીલોમાંના એક NK લૉ, બેંગલુરુના નંદન કામથની દેખરેખ હેઠળ ડીલ કરાર તૈયાર કરવામાં આવ્યો હતો. સીઈઓને આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.