સુરતમાં છેલ્લા બે કલાક ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે ત્યારે દશેરાના નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે રાવણ પલળી ગયો છે.
સુરત શહેરના વેસુ અને લીંબાયત વિસ્તાર કે જ્યાં રાવણ દહન કાર્યક્રમ છે ત્યાં ગ્રાઉન્ડ પર ભારે વરસાદથી કિચડની સ્થિતિ ઊભી થઈ છે. રાવણને ઢાંકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ, ભારે વરસાદના કારણે ભીંજાઈ ગયો છે તેમછતાં આયોજકો કહી રહ્યા છે કે, જ્યારે સાંજે વરસાદ ઓછો થશે ત્યારે રાવણ દહન કરવામાં આવશે. કાર્યક્રમમાં આતિશબાજી અને ફટાકડા ફોડવામાં આવે છે પરંતુ, હાલની પરિસ્થિતિના કારણે ફટાકડામાં પણ ભેજ લાગી ગયા છે, જેથી આયોજકો માની રહ્યા છે કે જે ભવ્ય આયોજન થવાનું હતું તે થઈ શકશે નહીં. સાંજે 6 વાગે રાવણ દહન કાર્યક્રમ આયોજિત થનાર છે. ગ્રાઉન્ડ પર પાણી છે. 70 ફૂટના રાવણ સાથે પ્રથમ વાર મેઘનાથ અને કુંભકર્ણનું પૂતળા પણ બનાવવામાં આવ્યા છે.
આદર્શ રામલીલાના પ્રમુખ અનિલ જૈને જણાવ્યું હતું કે, હાલ વરસાદના કારણે રાવણ પલડી ગયો છે પરંતુ, વરસાદ સાંજ સુધીમાં જો રોકાઈ જશે તો ચોક્કસથી રાવણ દહન કરવામાં આવશે. કેરોસીન નાખીને પણ રાવણ દહન કરવા માટે અમે પ્રયાસ કરીશું. ફટાકડામાં પણ ભેજ લાગવાના કારણે લોકોને ભવ્ય આતિશબાજી જોવા મળશે નહીં એવું લાગી રહ્યું છે