અત્યાર સુધી, જ્યારે પણ તમે થિયેટરમાં મૂવી જોવા ગયા હશો, પછી ભલે તે કોઈ પણ હીરોની ફિલ્મ હોય પરંતુ દર્શકોએ થિયેટરના પરદે પ્રથમ વ્યક્તિ અક્ષય કુમારને જોયો હશે. કેમ કે, તે વર્ષોથી ધૂમ્રપાન વિરોધી જાહેરાતો કરે છે. તેની આ જાહેરાત સોશિયલ મીડિયા પર એટલી લોકપ્રિય છે કે તેના પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે, પરંતુ હવે સેન્સર બોર્ડના મોટા નિર્ણયથી પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. હવે અક્ષય કુમારની આ જાહેરાત દરેક ફિલ્મની શરૂઆત પહેલા પરદા પર દેખાડવામાં આવશે નહીં અને દર્શકોને અક્ષયને આ એડનો સંવાદ સંભળાશે નહીં.
મીડિયા અહેવાલ મુજબ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેન્સર બોર્ડે અક્ષય કુમારની આ એડને હટાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 6 વર્ષથી આ ધૂમ્રપાન વિરોધી જાહેરાત દરેક ફિલ્મની શરૂઆતમાં થિયેટરોમાં બતાવવામાં આવતી હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)એ આ નિર્ણય શા માટે લીધો છે, પરંતુ અહેવાલો અનુસાર, તેઓ ટૂંક સમયમાં આ જાહેરાતને નવી જાહેરાત સાથે બદલવા જઈ રહ્યા છે.
બોલિવૂડ હંગામાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માંથી પણ જાહેરાત ગાયબ હતી. અહેવાલમાં જણાવાયું છે કે જાહેરાતને દૂર કરવાનો નિર્ણય ગયા મહિને લેવામાં આવ્યો હતો, અને તેની જગ્યાએ એક નવી જાહેરાત – જે તમાકુ છોડવાની સકારાત્મક અસરો દર્શાવે છે – ચલાવવામાં આવી રહી છે.
મલ્ટિપ્લેક્સના એક અધિકારીએ પોર્ટલને જણાવ્યું કે, લોકો જાહેરાતને ચૂકી જશે. તે કહે છે, ‘આ મારી મનપસંદ ધૂમ્રપાન વિરોધી જાહેરાત હતી કારણ કે તે કોઈ પણ ખલેલ પહોંચાડે તેવા દૃશ્યો વિના મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. ફિલ્મના પ્રેક્ષકોને જાહેરાતમાંથી સંવાદો રિપીટ કરતા જોવાનું પણ મનોરંજક હતું. 6 વર્ષથી હું જાહેરાત જોતો હતો. સિનેમાપ્રેમીઓને તેની બધી લાઈનો યાદ રહી ગઈ છે! મને ખાતરી છે કે હું અને અન્ય ઘણા મૂવી દર્શકો ચોક્કસપણે આ જાહેરાતને ચૂકી જઈશું.’