સુરત મહાનગરપાલિકાની સિટી લિંક બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. બસના કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા વસૂલી કર્યા પછી પણ ટિકિટ ન આપવાના ગેરકાયદેસર કામનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ગેરરીતિની જાણ થતાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ટીમ સાથે બુધવારે સવારે સ્થળ પર જઈને આ ભ્રષ્ટાચાર પકડી પાડી લીધો હતો. વિપક્ષને પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેશનથી પાંડેસરા જતી એક બસમાં કંડક્ટર મુસાફરો પાસેથી બસ ભાડા રૂપે રૂપિયા વસૂલતો હતો પરંતુ, ટિકિટ આપતો નહોતો. આ ટિકિટ વિના વસૂલાયેલ રૂપિયા કંડક્ટર પોતાની ખિસ્સામાં જ રાખતો હતો. આ અંગે વિપક્ષે ટિકિટ ન આપીને પૈસા ઊઘરાવવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી.
ટ્રાન્સપોર્ટ ચેરમેનના જણાવ્યા મુજબ, ગયા મહિને બસ એજન્સી પર 92 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તદ્દન સંજોગોમાં કંડકટર અને ડ્રાઈવર દ્વારા નિયમોના ભંગના કિસ્સાઓમાં અત્યાર સુધી 1 હજાર કંડક્ટર અને ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ કંડકટર કે ડ્રાઈવર કોઈ ગુનામાં પકડાય છે, ત્યારે તેમને તરત જ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે પરંતુ, આ સેટેલમેન્ટ પૂરતું માનવાવાળો હું ચેરમેન નથી. જે એજન્સી ‘આકાર’ સાથે હાલ કામ ચાલી રહ્યું છે, તે વારંવાર નિયમોના ભંગમાં શામેલ થાય છે.
ટ્રાન્સપોર્ટ ચેરમેને સ્પષ્ટ કર્યું કે, જો કોઈ કંડકટર ચોરીમાં પકડાય છે તો એજન્સીને પ્રથમ વખત 50,000 રૂપિયા દંડ થશે, બીજી વાર 3 લાખ રૂપિયા અને ત્રીજી વાર 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમો ભલે ટેન્ડરના SOPમાં ન હોય પણ અમે સુરત શહેરના નાગરિકો માટે શિસ્ત જાળવવા માટે આ દંડની નીતિ અમલમાં મૂકી છે. જ્યારથી મેં ચેરમેન પદ પર કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઝીરો એક્સિડન્ટ પોલિસી અમલમાં લાવવામાં આવી છે. એ જ રીતે અલગ-અલગ ડેપો અને સ્ટેશન પર નિયમિત મુલાકાત લેવામાં આવી રહી છે.
વિપક્ષ દ્વારા વીડિયો સામે લાવવામાં આવ્યો છે તે અંગે મરાઠીએ જણાવ્યું કે, વિપક્ષ માત્ર સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી દેખાવ પૂરતું કામ કરે છે. અમે દરરોજ સુરતના આશરે 2.5 લાખ લોકોને આ સેવા પ્રદાન કરી રહ્યા છીએ. વિપક્ષને હું કહેવા માગું છું કે, તેઓ વિજિલન્સને સીધી ફરિયાદ કરે અને યોગ્ય રીતે તપાસને આગળ ધપાવે. સુરત મહાનગરપાલિકા દ્વારા સીટી બસ અને BRTSની સેવાઓમાં શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. 92 લાખ રૂપિયાના દંડ અને નિયમ તોડનારા 1000થી વધુ કંડકટર અને ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાના આંકડા મહાનગરપાલિકાની નીતિ માટે મહત્વપૂર્ણ ઉદાહરણ છે.