આગ્રામાં પેરા જમ્પિંગની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના બની. અહીં 8000 ફૂટની ઊંચાઈ પરથી કૂદેલા નેવી કમાન્ડરનું મૃત્યુ થઈ ગયું. નેવી કમાન્ડો અંકુર શર્માનું પેરાશૂટ હાઈટેન્શન લાઈનમાં ફસાઈ ગયું હતું. આમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો. ઘાયલ કમાન્ડોને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ગુરુવારે રાત્રે માલપુરા ડ્રોપિંગ ઝોનથી 2 કિમી દૂર આ અકસ્માત થયો હતો. પેરાશૂટમાંથી કૂદેલા કમાન્ડોને માલપુરા ઝોનમાં લેન્ડિંગ કરવાનું હતું. જોકે, વધારે પવન ફૂંકાવાના કારણે કમાન્ડોનું પેરાશૂટ 2 કિમી દૂર હાઈટેન્શન લાઈનમાં ફસાઈ ગયું હતું.
થોડા દિવસ પહેલાં આગ્રા આવ્યો હતો
જમ્મુ-કાશ્મીરના રહેવાસી નેવી કમાન્ડો અંકુર શર્મા થોડા દિવસો પહેલાં આગ્રા એરફોર્સ સ્ટેશન પર પેરાશૂટ જમ્પની ટ્રેનિંગ માટે આવ્યો હતો. ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે તે અંધારામાં જમ્પની તાલીમમાં જોડાયો હતો. એરફોર્સ સ્ટેશનથી પ્લેનમાં ચડ્યા બાદ તેણે માલપુરા ડ્રોપિંગ ઝોન ઉપર કૂદકો માર્યો હતો. ઘટના બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ પછી મૃતદેહને તેના ઘરે મોકલવામાં આવ્યો હતો. સેનાના જવાનો પણ ત્યાં હાજર છે.
ગામના લોકોએ સળગતું બલૂન જોયું
ઘટના સમયે નજીકના ટ્યૂબવેલ પર ગ્રામીણ મહેન્દ્ર સિંહ, તેનો ભાઈ રૂપ કિશોર ફૌજી અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ હાજર હતા. તેમણે કહ્યું, જ્યારે અમે બલૂનને સળગતું જોયું તો અમે તેની નજીક પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ સળગતી પેરાશૂટ દેખાઇ.
ત્યારે જ કમાન્ડો જમીન પર પીડાતો જોવા મળ્યો. કમાન્ડોનાં કપડાં બળી ગયાં. શરીરના ઘણા ભાગો પણ દાઝી ગયા હતા. તેને જોઈને લાગતું હતું કે તે પેરાશૂટ વડે હાઈટેન્શન લાઈન પર પડ્યો હશે. આ પછી તે જમીન પર પડી ગયો. હાઈટેન્શન લાઈન જમીનથી 20 થી 25 ફૂટની ઊંચાઈએ છે.
આટલી ઊંચાઈ પરથી પડી જવાને કારણે નેવીનો કમાન્ડો ગંભીર રીતે ઘાયલ થયો હતો. અમે કમાન્ડો સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો. પણ તે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નહોતો. અમે તેમની વાત સમજી શક્યા નહીં.
ક્રિકેટર એમએસ ધોની પણ અહીં છલાંગ લગાવી ચૂક્યા છે
આગ્રા આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પ્લેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. તેમને એરફોર્સ દ્વારા માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ કારણે એમએસ ધોની 2015-16માં આગ્રા આવ્યા હતા અને તેમણે માલપુરા પીટીએસમાં પાંચ જમ્પ લગાવ્યા હતા. જેમાંથી ચાર જમ્પ દિવસ દરમિયાન અને એક જમ્પ રાત્રે લગાવવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગ બાદ એરફોર્સે તેને પેરા જમ્પરનો મેડલ પણ આપ્યો હતો.