News Updates
INTERNATIONAL

કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી:મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરોન્ટોમાં ગુમ થવા બાદ મોત

Spread the love

કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી
મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરોન્ટોમાં ગુમ થવા બાદ મોત, કાકાએ કહ્યું- ‘બધાની મદદ કરતો’

કેનેડામાં ભાવનગરના યુવક સાથે શું બન્યું?
વિદેશથી ફરી માઠા સમાચાર આવ્યા છે. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવી છે. ટોરોન્ટોમાં રહેતા ગુજરાતના DySPના દીકરાની લાશ મળી આવી છે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ગુમ થયો હતો.

નોંધનીય છે કે 20 દિવસ પહેલાં અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની પણ કેનેડામાં ગુમ થવા બાદ લાશ મળી આવી હતી. હર્ષ પટેલ પણ યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. જ્યારે આયુષ પણ આ જ યુનિવર્સિટીમાં ભણતો હતો. આમ, ઉપરાઉપરી બે શોકિંગ બનાવથી કેનેડામાં વસતા ગુજરાતીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે.

શું છે બનાવ?
મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો, જે ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને જાણ કરી તેમ જ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.

આ અંગે દિવ્ય ભાસ્કરે મૃતક આયુષ ડાંખરાના કાકા નારણભાઇ ડાંખરા સાથે વાત કરી હતી, જેમાં તેમણે આખો ઘટનાક્રમ કહ્યો હતો.

સાડાચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો
આયુષના કાકા નારણભાઇ ડાંખરાએ કહ્યું, ‘મૃતક આયુષ રમેશભાઈ ડાંખરા 23 વર્ષનો હતો. તેના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે. નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે, જ્યારે તેના પિતા રમેશભાઈ પાલનપુર ખાતે DySP તરીકે ફરજ બજાવે છે. રમેશભાઈ મારા પિતરાઇ છે. અમે બધા ભાવનગરના સિદસર ગામમાં રહીએ છીએ. આયુષે ધો. 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો છે અને એ પછી આગળ ભણવા માટે તે સીધો કેનેડા ગયો હતો. કેનેડામાં તેને આશરે સાડાચાર વર્ષ થયાં હશે. છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી. ત્રણ વર્ષ કોલેજ કરી પાછો માસ્ટર્સનું ભણતો હતો.

ગુમ થવાની મિત્રોએ પરિવારને જાણ કરી
નારણભાઈ આગળ જણાવે છે કે અમારા અમુક સંબંધીઓ કેનેડામાં વસવાટ કરી રહ્યા છે. અમારા પરિવારમાંથી આયુષ એકલો કેનેડા ગયો હતો. તે કેનેડામાં યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યાં 4-5 ગુજરાતીઓ મિત્રો સાથે રહેતો હતો. આયુષ ગઈ 5 તારીખે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પાછો નહોતો ફર્યો ત્યારે તેના મિત્રોએ આયુષના પિતા રમેશભાઈને ફોન કર્યો કે આયુષ દોઢ દિવસથી ઘરે નથી આવ્યો.અને ફોન રિસીવ નથી કરતો. ત્યારે રમેશભાઈએ તેમને પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખાવી દેવાનું કહ્યું હતું. પછી મિત્રોએ ત્યાંની પોલીસમાં ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો.

મિત્રોએ ડેડબોડી ઓળખી બતાવી
મિત્રોએ કહ્યું હતું કે કેનેડાનું પોલીસતંત્ર એક્શનમાં આવ્યાના 6 કે 7 કલાકમાં આયુષના સમાચાર મળ્યા કે એક ડેડબોડી મળી છે, તમે ખરાઈ કરવા આવો. તેના મિત્રો ત્યાં પહોંચે એ પહેલાં હોસ્પિટલે ડેડબોડી પહોંચી ગઈ હતી. પોલીસ તેમને ફોટો બતાવ્યો. ફોટો જોઈને 2 મિત્રોએ કહ્યું કે આ આયુષ નથી, જ્યારે 1 મિત્રએ કહ્યું કે આ આયુષ જ છે. અમને પણ શંકા થઈ કે આયુષ છે કે નહીં એ પહેલાં પાક્કું કરી લઈએ. છેલ્લે, આયુષ જ નીકળ્યો. ફોટો બતાવ્યો એના ત્રીજા દિવસે ખબર પડી કે એ આયુષ જ છે.

મોતનું કારણ શું?
તેમણે ઉમેર્યું કે આયુષના મોતનું કારણ વગેરે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સાથે ત્યાં વાત થઈ છે. તે લોકો રિપોર્ટ તપાસી રહ્યા છે, CCTV ફૂટેજ વગેરે ચેક કરી રહ્યા છે. તેનાં લોકેશન પણ તપાસી રહ્યા છે, જેથી ખબર પડે કે આયુષ ક્યાંથી કયાં ગયો હતો.

ભણવામાં ટોપર હતો
નારણભાઇએ જણાવ્યું હતું કે આયુષ ડેઇલી રૂટિનમાં કોલેજ જતો. એ જ રીતે કોલેજ જવા નીકળ્યો હતો. ત્યાં નોકરી નહોતો કરતો. તેનું સુખીસંપન્ન ઘર છે એટલે નોકરી કરવાની જરૂર ન હતી. આયુષ સાથે લગભગ 2-3 દિવસે તેના પરિવારને વાત થતી હતી. ફેમિલીને વીડિયો કોલ કરતો. કેનેડા ગયા પછી મારે પણ તેની સાથે ક્યારેક વાત થતી હતી. છેલ્લે 3-4 મહિના અગાઉ વાત થઈ હતી. એ વખતે શું કરે છે, ભણવાનું શું ચાલે છે, આગળનું શું વિચાર્યું છે એ અંગે જ વાત થઈ હતી. સ્વભાવે સરળ, અભ્યાસમાં બ્રિલિયન્ટ – ટોપર અને મળતાવડો હતો. તેનામાં મદદ કરવાની ભાવના હતી. કોઈને કઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન આપતો અને મદદ પણ કરતો.

ગુજરાતી લોકોએ મદદ કરી
નારણભાઇએ કહ્યું, અહીં ગુમ થવાના સમાચાર સૌથી પહેલા આયુષના પિતા રમેશભાઈને મળ્યા હતા. પછી મૃત્યુના સમાચાર આવ્યા હતા. રમેશભાઈએ તેમના ભાઈને કહ્યું. તેમના ભાઈએ ફોન કરીને મને કહ્યું. આવી ઘટના બની છે. એમાં થોડું ફોલો અપ લૉ. અત્યારે બધા ડિસ્ટર્બ છે. એ પછી મેં ફોલોઅપ લેવાનું શરૂ કર્યું હતું. CMO અને PMOની પણ આ બાબતે મદદ લેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને વાત કરી તો તેમણે પણ ફોલોઅપ લીધું હતું. કેનેડામાં BAPS સંસ્થાને પણ વાત કરી હતી. કેનેડામાં આપણા ગુજરાતી સમાજના લોકોએ પણ મદદ કરી હતી, જેના કારણે ઝડપથી આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી અને આપણને ઝડપથી ડેડબોડી મળી ગઈ. કેનેડા પોલીસ ઉપરાંત ગુજરાત અને ભારત સરકારનો પણ સપોર્ટ મળ્યો હતો. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર ડેડબોડી લાવવામાં આવશે.

પિતા 13 વર્ષ મોદીની સિક્યોરિટીમાં હતા
તેમણે છેલ્લે કહ્યું હતું કે આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજે 20 દિવસ પહેલાં અમદાવાદના હર્ષ પટેલની કેનેડામાં લાશ મળી હતી. અમદાવાદનો પાટીદાર યુવક એક-દોઢ વર્ષ પહેલાં કેનેડા સ્ટડી માટે ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ યુવક મિત્રને અસાઈમેન્ટના કામે મળવા જાઉ છું કહીને નીકળ્યો હતો, પછી ક્યારેય પાછો ફર્યો નહોતો. મૃતક હર્ષ પટેલના કાકા જતિને કહ્યું હતું કે તે દોઢ વર્ષથી કેનેડામાં હતો અને PG ડિપ્લોમાનો કોર્સ કરતો હતો. ફ્રેન્ડ્સ સાથે રહેતો હતો. તેણે કેનેડા જતાં પહેલાં બિટસપીલાની ગોવા કેમ્પસમાં સ્ટડી કર્યો હતો. કેનેડામાં પણ થ્રી સ્ટાર જેવી હોસ્ટેલમાં રહેતો હતો. ફાઈનાન્શિયલ કોઈ પ્રોબ્લેમ નહોતો અને ભણવામાં પણ સ્કૉલર હતો. આઇલેટ્સમાં પણ 8 બેન્ડ હતા.

કેનેડામાં હર્ષ સાથે શું થયું?
14 એપ્રિલ 2023ને શુક્રવારના રોજ હર્ષ પટેલ અચાનક જ ગુમ થઈ ગયો હતો. હર્ષ તેની સાથે રહેતા મિત્રોએ કહ્યું હતું કે હું અન્ય એક મિત્રને એસાઈનમેન્ટ આપવા માટે જઈ રહ્યો છું. ત્યાર બાદ મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો એટલે મિત્રોને ચિંતા થઈ હતી. હર્ષના કાકા ઉપેન્દ્રભાઈ પટેલે આ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું, ‘અમને શનિવારે રાત્રે ખબર પડી કે હર્ષ મિસિંગ છે. રવિવારે સાંજ સુધી ખબર પડી કે હજુ નથી મળતો. ત્યારે અમે નિર્ણય લીધો કે હવે કેનેડા જવું જઈએ, જેથી કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો પરિવારનો કોઈ સભ્ય ત્યાંથી નિર્ણય લઈ શકે, તેને શોધવા માટે પણ સ્થાનિક પોલીસને કેટલીક મદદ કરી શકે, કારણ કે ઘણા નિર્ણયો એવા હોય કે જે પરિવાર સિવાય લેવા અઘરા પડે.’

હર્ષના ખોવાયેલા મોબાઈલમાંથી દરરોજ ડેટા વપરાય છે
કેનેડાથી પરત ફરેલા ઉપેન્દ્રભાઈએ તેમના ભત્રીજાના મૃત્યુ અંગે વાત કરતાં એક ચોંકાવનારો દાવો કર્યો. તેમણે કહ્યું, ‘રવિવારના દિવસે તો પોલીસે અમને હર્ષનો મૃતદેહ મળવાની જાણકારી આપી દીધી હતી, પરંતુ હર્ષનો ખોવાયેલો મોબાઈલ અચાનક જ મંગળવારથી ચાલુ થઈ ગયો હતો. હું ગયા રવિવાર સુધી કેનેડામાં હતો અને ત્યાં સુધી તો કોઈક હર્ષનો મોબાઈલ વાપરતો જ હતો. કેનેડામાં ફાઈડો નામની ટેલિકોમ કંપની છે, જેનું કાર્ડ હર્ષ વાપરતો. એનું લોગ-ઈન હર્ષે લેપટોપમાં કરી રાખ્યું હતું. એમાંથી ખબર પડતી હતી કે રોજ ડેટા વપરાતો હતો, પરંતુ ફોન લગાવીએ તો કોઈ રિસીવ કરતું નથી.

પરિવારના સભ્યોએ મોબાઈલ લોકેશન ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો તો શું થયું?
‘અમે અમારી રીતે લોકેશન ટ્રેક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે વિસ્તારમાં ફોન એક્ટિવ હોવાની જાણકારી અમને મળી હતી એ ખૂબ મોટો રહેણાક વિસ્તાર હતો. એટલે અમારા માટે એ કામ થોડું અઘરું લાગ્યું. જેથી અમે પોલીસને હર્ષનો મોબાઈલ એક્ટિવ હોવાની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે તમે આ મુદ્દે ડિટેઇલમાં જઈને તપાસ કરશો તો તમને તરત મોબાઈલ મળી જશે અને ત્યાર બાદ હર્ષ સાથે શું બન્યું એની પણ જાણકારી મળી શકે છે, પરંતુ કેનેડા પોલીસે અમને સ્પષ્ટ ના પાડી કે તમે મોબાઈલનું લોકેશન ટ્રેક કરવાનો પ્રયત્ન ન કરો અને અમે પણ નહીં કરીએ. એટલે મોબાઈલ ચાલુ રહે અને ડેટા વપરાય એટલા માટે આવતાં પહેલાં હું તેનો પ્લાન પૈસા ભરીને મહિના માટે રિન્યૂ પણ કરીને આવ્યો, જેથી લોકેશન ટ્રેસ થાય અને કદાચ કોઈ નવી જાણકારી મળી શકે’.

કેનેડા પોલીસ કેવી રીતે કામ કરે છે?
ઉપેન્દ્રભાઈએ કેનેડા પોલીસ સાથે થયેલી વાતચીતને યાદ કરતાં કહ્યું, ‘ત્યાંની પોલીસ ઓછા સ્ટાફમાં વધુ કામ કરે છે. ઉપરાંત આપણે ત્યાં પોલીસ મહિનામાં 30 દિવસ કામ કરે ત્યાં એવરેજ 15થી 18 દિવસ કામ કરે. બાકી બધી રજાઓ હશે. ત્યાંની પોલીસ આપણી પોલીસની જેમ મેન્ટલી લોડ નથી લેતી. પહેલા બે દિવસ તો એમ જ કહ્યું કે “તમને બોડી મળી ગઈ ને હવે તમારે શું?” પરંતુ પછી અમે કહ્યું, “અમારે આ બધા સવાલોના જવાબ જોઈએ છે કે હર્ષની સાથે શું થયું? શું નથી થયું? એ તો અમને ખબર હોવી જોઈએ ને”. ત્યારે તેમણે કહ્યું કે “સમય જશે, પણ અમે 100 ટકા તપાસ તો કરીશું જ. એવું નથી કે ક્યાંક અધૂરું રહી જશે.”


Spread the love

Related posts

ભારતીય કોસ્ટ ગાર્ડે ચીની નાગરિકનો જીવ બચાવ્યો:અરબી સમુદ્રમાં કાર્ડિયાક અરેસ્ટની ફરિયાદના આધારે ખરાબ હવામાનમાં બચાવ કામગીરી હાથ ધરાઈ, એરલિફ્ટ કરાયો

Team News Updates

યુટ્યુબના ભૂતપૂર્વ CEOના પુત્રનું રહસ્યમય મોત:યુનિવર્સિટી હોસ્ટેલમાંથી લાશ મળી; પરિવાર સાથે સમય વિતાવવા માટે સુઝને સીઈઓનું પદ છોડ્યું હતું

Team News Updates

કેનેડાથી ન્યુયોર્ક જતી ફ્લાઈટના કોકપીટમાં આગ:ટેકઓફની થોડીવાર બાદ યુ-ટર્ન, ઘટનાના 18 દિવસ બાદ પાયલટનો ઓડિયો વાયરલ થયો

Team News Updates