રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. સમયાંતરે રમતા રમતા કે જીમમાં કસરત કર્યા બાદ યુવા વયના લોકો પણ હાર્ટ એટેકનો ભોગ બનતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે પુત્રને CBSE ધો. 12માં સારા ટકા આવતા ખુશીમાં માતાનું હૃદય બંધ પડી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં બદલાઈ ગયો છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રનું પરિણામ સારૂ આવતા માતા ખુશ હતા
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે CBSE દ્વારા ધો. 10-12 નાં પરિણામો જાહેર કરાયા હતા. જેમાં રાજકોટ મવડી વિસ્તારની મારૂતિનંદન સોસાયટી શેરી નંબર4માં રહેતા અને કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા નરેન્દ્રસિંહ ઝાલાનાં પુત્ર રુદ્રરાજસિંહને CBSE ધોરણ 12માં સારા માર્ક્સ આવ્યા હતા. આ તકે ખુશી વ્યક્ત કરતા માતા શીતલબા ઝાલાને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા. જો કે, ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મેં સમાચાર સંભળાવતા જ માતાને ચક્કર આવ્યા : પુત્ર
આ અંગે 18 વર્ષીય રુદ્રરાજસિંહ ઝાલાએ કહ્યું હતું કે, 11 વાગ્યા આસપાસ હું સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષામાં પાસ થઈ ચૂક્યો છું અને મારે 58% આવ્યો હોવાના સમાચાર મેં ઘરે હાજર સભ્યોને સંભળાવ્યા હતા. જે સમયે મેં આ સમાચાર સંભળાવ્યા ત્યારે ઘરે મારા સહિત મારા માતા તેમજ મારા દાદી તેમજ મારા નાની પણ હાજર હતા. મેં સમાચાર સંભળાવતા મારી માતા ખૂબ હરખમાં આવી ગયા હતા. જેને લઈને તેમને ચક્કર આવતા મેં તાત્કાલિક પિતા નરેન્દ્રસિંહને ફોન કર્યો હતો. મારા પિતા તરત ઘરે આવ્યા બાદ માતાને પ્રથમ ઇમર્જન્સી વોર્ડમાં અને ત્યારબાદ ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગણતરીની મિનિટમાં મારી માતાએ દમ તોડી દીધો હતો.
ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોત થવાના બનાવોમાં મોટો વધારો થયો છે. છેલ્લા ચારેક મહિનામાં હાર્ટએટેકનાં કારણે જ ચાર જેટલા યુવા વયના લોકો મોતને ભેટી ચુક્યા છે. જો કે, હાર્ટએટેકથી વધતા મોતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ લોકોની રહેણીકરણી અને ફાસ્ટફૂડ સહિતની વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ જવાબદાર હોવાનું ડોક્ટરો માની રહ્યા છે. ત્યારે ખુશીમાં હાર્ટએટેક આવ્યાની આ ઘટના રાજકોટ સહિત ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.