રાજકોટ મહાપાલિકાની મિલકત વેરા વસૂલાત શાખા આખુ વર્ષ દોડતી રહેતા ફેબ્રુઆરી માસમાં જ ગત માર્ચ માસ કરતા 9 કરોડ જેવી વધુ વસૂલાત થઈ છે. મનપાને ગત વર્ષે 31 માર્ચે 321 કરોડની આવક વેરામાંથી થઈ હતી. તેની સામે અત્યારે જ એટ્લે કે ફેબ્રુઆરી – 2024 સુધીમાં 330.60 કરોડની આવક થઈ ચૂકી છે. જે ગત વર્ષની સરખામણીએ વિક્રમજનક છે. જોકે આ વખતે 375 કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ રખાયો છે. જોકે આ માટે વેરા વસૂલાત શાખાએ 31મી માર્ચ સુધી દરરોજ 1.50 કરોડની વસૂલાત થાય તો જ ટાર્ગેટ પૂર્ણ થઈ શકે તેમ છે. આ દરમિયાન આજે રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાએ બાકીદારો ઉપર ઘોંસ બોલાવી 43.40 લાખની રિકવરી કરી હતી.
2023માં 3,44,184 લોકોએ રકમ ભરી
વર્ષ 2023માં મનપાને માર્ચના એન્ડમાં 321 કરોડની આવક થઈ હતી. જેમાં 3,44,184 લોકોએ રકમ ભરપાઈ કરી હતી. કુલ 125 કરોડ ઓનલાઈન ભરાયા હતા. જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 3,79,698 કરદાતાઓએ નાણાં ભરપાઈ કર્યા છે. કરદાતા અને કમિશનર આનંદ પટેલ દ્વારા આ વર્ષે વેરા શાખાને ગત એપ્રિલ માસથી જ દોડતી કરી દેવામાં આવતા તેના પરિણામો મળ્યા છે. અગાઉના વર્ષોમાં ડિસેમ્બર બાદ મનપાની વેરા શાખા જાગીને દોડધામ કરતી હતી. તેની સામે આખું વર્ષ પ્રયાસો કરતા વિક્રમી રકમ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જ મનપાની તિજોરીમાં આવી ચૂકી છે. એડવાન્સ વેરાની રકમ પણ ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ જમા થઈ હતી.
પાલિકાને 45 કરોડની રકમ એકત્ર કરવાની
મહાપાલિકાએ 375 કરોડનો વેરા વસુલાતનો ટાર્ગેટ હાંસલ કરવા માટે 45 કરોડની રકમ એકત્ર કરવાની છે. બાકી 30 દિવસ રહ્યા છે, ત્યારે દરરોજ 1.50 કરોડ એકઠાં થાય તો જ વસુલાત લક્ષ્યાંકને આંબી શકાશે. આ માટે કમિશનરે અધિકારીઓની બેઠક બોલાવીને બાકીદારો પાસેથી ટાર્ગેટ પ્રમાણે ઉઘરાણી કરવા તાકીદ કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ મનપા દ્વારા આજે 31 મિલકત સીલ કરવામાં આવી હતી. તો 15 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ 4 નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા, તો કુલ 43.40 લાખની રિકવરી કરવામાં આવી હતી. જેમાં સોની બજાર, પેડક રોડ, સંતકબીર રોડ સહિતનાં વિસ્તારોમાં બાકી ટેક્સ સામે મિલકત સિલ અને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ અત્યાર સુધીમાં એટલે કે એપ્રિલ-2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં 3,79,698 મિલકત ધારકો પાસેથી 330.60 કરોડનો વેરો વસુલવામાં આવ્યો છે.