રાજકોટ જિલ્લામાં વિચરતી જાતિના લોકોને રહેવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવતા આજે વિચરતા સમુદાય સમર્થન મંચના સંયોજક રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કલેક્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને વ્યસ્ત હોવાથી મળી શક્યા ન હતા. ત્યારે વિચરતી જાતિ સમુદાય સમર્થન મંચના કનુભાઈ બજાણીયાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં વિચરતી જાતિના 425 પરિવારોને વર્ષોથી પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. આ પરિવારો પાસે તમામ પ્રકારના આધાર પુરાવા હોવા છતાં જાતિના દાખલા કાઢી આપવામાં આવતા નથી. જેમાં ખાસ કરીને જસદણ અને પડધરી તાલુકાના પરિવારને જાતિના દાખલા મળ્યા નથી. આ ઉપરાંત જિલ્લાની વિચરતી જાતિના લોકોને પ્લોટ મળે તેવી માગ છે.
ઘરનું ઘર મળી રહે તે માટે પ્રયાસો
વિચરતા સમુદાય સમર્થન મંચના સંયોજક કનુભાઈ બજાણીયાએ જણાવ્યું હતું કે, વિચરતી જાતિના લોકો માટે રાજકોટ અને મોરબી જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે કાર્યરત છું. વિચરતા સમુદાયોનું વિચરણ અટકે તે માટે આ સંસ્થા કાર્યરત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિચરતી જાતિના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં રાજકોટ જિલ્લામાં 425 પરિવારોને પ્લોટ મળી રહે તે માટેની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગેવાનો દ્વારા કરવામાં આવેલી અરજીઓ પેન્ડિંગ છે. જેથી આ પ્રકારના લોકોને પ્લોટ મળે અને ત્યાર બાદ તેઓ તે મકાન બાંધી રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
તમામ પાસે આધારકાર્ડ સહિતના આધાર પુરાવાઓ છે
રાજકોટ જિલ્લામાં વિચરતી જાતિના ઘણા પરિવારો વર્ષોથી અસ્થાયી પડાવોમાં નિવાસ કરે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને ઘર આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. એ માટે તેમને રહેણાંક હેતુ અર્થે તા.06/06/2003 ના ઠરાવ મુજબ પ્લોટ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે, તે વખતે વિચરતી જાતિના લોકો પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવાઓ ન હતા, પરંતુ હવે આ તમામ લોકો પાસે આધારકાર્ડ સહિતના તમામ આધાર પુરાવાઓ છે. વિચરતી જાતિના લોકોના બાળકો ભણી રહ્યા છે, ત્યારે તેમનું બોનાફાઇડ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સ પણ છે, છતાં પણ જાતિના દાખલા આપવામાં અમુક તાલુકાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
425 વિચરતી જાતિના પરિવારોને પ્લોટની ફાળવણી કરાય તે જરૂરી
જેમાં જસદણ તાલુકામાં વર્ષ 2016થી વિચરતી જાતિના લોકોના જાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા નથી. જ્યાં આટકોટમાં કાંગસિયા જાતિના 26 પરિવારો વસવાટ કરે છે. આ ઉપરાંત પડધરીમાં મોવૈયાનો ઢોરો વિસ્તારમાં વિચરતી જાતિના પરિવારો પતરાની આડસો બાંધીને રહે છે તેમની આર્થિક હાલત પણ ખૂબ જ ખરાબ છે. જ્યાં રહેતા વિચરતી જાતિના લોકોને જાતિના પ્રમાણપત્રો મળી રહે તે માટે વર્ષ 2017થી અરજીઓ કરવામાં આવેલી છે, પરંતુ આટલા વર્ષો બાદ પણ આ અરજીઓ પેન્ડિંગ છે. જ્યાં 112 પરિવારો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ તાલુકાની સાથે ત્રંબા, મહુડી, ધમલપર, રામપરા બેટી, ગોંડલના મોવિયા, લોધીકાનું પારડી સહિતના તાલુકાઓમાં વિચરતી જાતિના લોકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના 425 જેટલા વિચરતી જાતિના પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી
રાજકોટની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને મળવા આવેલા આ વિચરતી જાતિના લોકોના સંયોજકને કહેવામાં આવ્યું કે, કલેક્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આગામી અઠવાડિયે મળી શકશે. દરમિયાન તેમણે જણાવ્યું કે, વિચરતી જાતિના લોકો માટે વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા સરકારના સહયોગથી 300 જેટલા પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમુદાયના પરિવારોને રહેણાંક માટે પ્લોટ મળી રહે તેના માટે સીએમઓ તેમજ ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિતમાં રજૂઆતો કરેલી છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.