કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા. રાહુલે 6 વાર નમસ્કાર કહ્યું હતું. રાહુલે કહ્યું- કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે.
રાહુલે વધુમાં કહ્યું કે અમે ગરીબોના મુદ્દે લડ્યા. અમે પ્રેમથી આ લડાઈ લડ્યા. કર્ણાટકની જનતાએ અમને બતાવ્યું કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. પ્રેમની દુકાનો ખુલી છે. તે સૌની જીત છે. આ કર્ણાટકની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચૂંટણીમાં કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા. આ વચનો પ્રથમ દિવસે, પ્રથમ કેબિનેટમાં પૂર્ણ કરવામાં આવશે.
કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી લીધી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ અમે સમીક્ષા કરીશું અને લોકસભાની ચૂંટણીમાં અમે મજબૂતાઈથી પરત ફરીશું.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસે 33 સીટ જીતી છે અને 104 સીટ પર આગળ છે, એટલે કે કુલ 137 સીટ. ભાજપે 15 સીટ જીતી છે અને 47 સીટ પર આગળ છે, એટલે કે કુલ 62 સીટ. જેડીએસ 4 સીટ જીતી છે અને 17 સીટ પર આગળ છે, કુલ 21. અન્ય 4 સીટ પર આગળ છે.
પાર્ટીને બહુમતી મળ્યા બાદ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર રડી પડ્યા હતા. તેમણે કહ્યું, “મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી. હું ભૂલી શકતો નથી કે જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા, ત્યારે મેં હોદ્દો સંભાળવાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું, મને વિશ્વાસ હતો.” કોંગ્રેસે આવતીકાલે એટલે કે રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોના અપડેટ…
- કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કનકપુરા સીટ જીતી લીધી છે. જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ શિગગાંવથી આગળ છે.
- જેડીએસ નેતા કુમારસ્વામી ચન્નાપટના સીટ પર આગળ છે. જગદીશ શેટ્ટાર તેમની પરંપરાગત બેઠક હુબલી-ધારવાડ પર પાછળ ચાલી રહ્યા છે.
- સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ કહ્યું- મારા પિતાએ મુખ્યમંત્રી બનવું જોઈએ. બીજી તરફ યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસે કહ્યું કે, જય બજરંગબલી, ભ્રષ્ટાચારની તોડી નળી.
ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા, કહ્યું- આ અખંડ કર્ણાટકની જીત છે
ટ્રેન્ડમાં કોંગ્રેસની જીત જોઈને કર્ણાટકના કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, આ અખંડ કર્ણાટકની જીત છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હંમેશા અમને સાથ આપ્યો છે. તેમણે સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો છે.
ડીકે શિવકુમારે કહ્યું, “મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી. હું ક્યારે ભૂલી શકતો નથી, જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા, ત્યારે મેં પદ પર રહેલાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું, પાર્ટીને મારા પર વિશ્વાસ હતો.
આ પીએમ મોદીની હાર છે- ભૂપેશ બઘેલ
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી હતી. તેમણે કહ્યું, આ ચૂંટણીમાં પીએમ મોદીને આગળ રાખીને વોટ માંગવામાં આવ્યા હતા, આ મોદીની હાર છે. ભ્રષ્ટાચારીઓના માથા પર બજરંગ બલિની ગદાએ પ્રહાર કર્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં અપડેટ…
- બેંગલુરુમાં રવિવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પાર્ટી કાર્યાલય ખાતે યોજાશે.
- કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, “જેમ જેમ કર્ણાટક ચૂંટણીના ફાઈનલ પરિણામ આવી રહ્યા છે, જેમાં વધુને વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોંગ્રેસની જીત થઈ છે અને વડાપ્રધાન મોદી હારી ગયા છે.
- કોંગ્રેસના ઉમેદવાર ટી રઘુમૂર્તિ ચલ્લાકેરે વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા છે, જ્યારે કુદાલગી વિધાનસભા મતવિસ્તારમાંથી એનટી શ્રીનિવાસ જીત્યા છે.
- કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવથી જીત્યા, કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની કનકપુરાથી જીત.
- કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું કે મારા પિતાને મુખ્યમંત્રી બનવું જોઈએ.
- કોંગ્રેસે તમામ ધારાસભ્યોને બેંગલુરુ બોલાવ્યા છે. આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક મળશે.
- કર્ણાટકમાં મતગણતરી વચ્ચે પ્રિયંકા ગાંધી શિમલામાં મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા.
- દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી છે.
કર્ણાટકમાં ભારત જોડો યાત્રાની અસર
ભારત જોડો યાત્રાની અસર કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભારત જોડો યાત્રા કર્ણાટકની 21 બેઠકોના ક્ષેત્રમાંથી પસાર થઈ હતી. કોંગ્રેસને આમાંથી 17 સીટ પર જીત મળતી દેખાય છે. 2018માં કોંગ્રેસે આ સીટોમાંથી માત્ર પાંચ સીટ જીતી હતી. રાહુલ ગાંધી આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય જઈ શકે છે.
કોંગ્રેસમાં સીએમ પદના ચહેરા પર સસ્પેન્સ
કર્ણાટકમાં કોંગ્રેસ 134 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 64 સીટો પર આગળ છે. જોકે, અત્યારે સીએમના ચહેરા પર સસ્પેન્સ છે. કોંગ્રેસમાં સીએમ પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર મજબુત દાવેદાર છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા કેન્દ્રીય નિરીક્ષક ધારાસભ્ય દળના નેતા અંગેના સૂચનો લેશે. તમામ ધારાસભ્યો એક લાઈનનો પ્રસ્તાવ પસાર કરશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરે કે સીએમ કોણ બનશે?
દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી
10માંથી 5 એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભા
એક્ઝિટ પોલ અને વોટિંગ પેટર્નથી એ સ્પષ્ટ નથી થયું કે કોની સરકાર બનશે. એક્ઝિટ પોલની વાત કરીએ તો 10માંથી 5એ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. ચારમાં કોંગ્રેસ અને એકમાં ભાજપને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી છે.
ભાજપના આઠ મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે
કર્ણાટકના વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર વધી ગયું છે. ભાજપના આઠ મંત્રીઓ હાલમાં પોતપોતાની સીટ પર પાછળ ચાલી રહ્યા છે. બી શ્રીરામુલુ (બેલ્લારી ગ્રામીણ), જેસી મધુસ્વામી (ચિકનાયકનાહલ્લી), મુરુગેશ નિરાની (બિલગી), બીસી નાગેશ (ત્રિપતુર), ગોવિંદ કરજોલ (મુધોલ), વી સોમના (વરુણા અને ચામરાજનગર), કે સુધાકર (ચિક્કબલ્લાપુર) અને શશિકલ્લા જોલે (નિપ્પાની) પોતપોતાની સીટ પર પાછળ છે.
રેકોર્ડ વોટિંગ પછી તેની પેટર્ન પરથી પણ કંઈ સ્પષ્ટ થતું નથી. કોંગ્રેસ, ભાજપ, જેડીએસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. 8 ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધી, જેમાં 1962માં કોંગ્રેસ માત્ર એક જ વાર સત્તામાં આવી. એ જ સમયે પાંચ ચૂંટણીમાં મત ટકાવારી ઓછી રહી હતી, જેમાં ભાજપ એકવાર સત્તામાં પરત ફર્યો હતો.
રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી
રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી. છેલ્લી વખત રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની જનતા પાર્ટી 1985માં સત્તા પર હતી ત્યારે ચૂંટણી જીતી હતી. એ જ સમયે છેલ્લી પાંચ ચૂંટણીઓ (1999, 2004, 2008, 2013 અને 2018)માંથી એક પક્ષને માત્ર બે વાર (1999, 2013) બહુમતી મળી. 2004, 2008, 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. તેમણે બહારના સમર્થનથી સરકાર બનાવી.
પ્રથમ વખત 73.19% મતદાન, છેલ્લી ચૂંટણી કરતાં 1% વધુ
10 મેના રોજ 224 બેઠક માટે 2,615 ઉમેદવાર માટે 5.13 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં 73.19% મતદાન નોંધાયું છે. 1957 પછી રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં આ સૌથી વધુ છે.
એક્ઝિટ પોલ પણ સ્પષ્ટ નથી… જાણો કોને કેટલી બેઠકો મળી
પોલ ઓફ પોલ્સ મુજબ ભાજપને 91, કોંગ્રેસને 108, જેડીએસને 22 અને અન્યને 3 સીટો મળવાની ધારણા છે.
4 સીએમ ચહેરા સહિત અનેક મોટા ચહેરાઓનું ભાવિ દાવ પર છે
આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક મોટા ચહેરાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર, ભાજપના બસવરાજ બોમ્માઈ મુખ્ય ચહેરા છે. જો તેમની પાર્ટી ચૂંટણી જીતે છે તો તેઓ મુખ્યમંત્રી બની શકે છે.
એ જ સમયે ભાજપ અને કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી યેદિયુરપ્પા માટે પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. કોંગ્રેસ-અધ્યક્ષ તરીકે ખડગેની કસોટી છે. જો તેઓ કોંગ્રેસની સરકાર રચવામાં સફળ થશે તો પાર્ટીમાં તેમનું કદ વધશે. એ જ સમયે ભાજપે પીએમ મોદી પછી યેદિયુરપ્પા પર સૌથી વધુ વિશ્વાસ કર્યો છે.
2018માં બીજેપી પાસે બહુમતી નહોતી… છતાં સરકાર બનાવી
2018માં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નથી. ભાજપના યેદિયુરપ્પાએ 17 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ 23 મેના રોજ ગૃહમાં તેમની બહુમતી સાબિત ન કરી શકવાને કારણે રાજીનામું આપ્યું હતું. આ પછી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની.
14 મહિના બાદ કર્ણાટકના રાજકારણમાં ફરી વળાંક આવ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોના બળવા બાદ કુમારસ્વામીને ખુરસી છોડવી પડી હતી. યેદિયુરપ્પાએ આ બળવાખોરોને ભાજપમાં ભેળવી દીધા અને 26 જુલાઈ 2019ના રોજ, 119 ધારાસભ્યોના સમર્થન સાથે તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા, પરંતુ બે વર્ષ પછી રાજીનામું આપી દીધું. ભાજપે બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા.