એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપિટની અંદર તેની ગર્લફ્રેન્ડને લઈ જવાનો આરોપ લાગ્યા બાદ પાયલોટનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ મામલે તાત્કાલિક પગલાં ન લેવા બદલ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ ઘટના 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-915માં બની હતી.
DGCAએ આ ફ્લાઈટના કો-પાઈલટને ચેતવણી પણ આપી છે કારણ કે તેણે પાયલોટને રોક્યો નહોતો. ડીજીસીએએ એર ઈન્ડિયાને કોકપિટમાં જનારા પેસેન્જરને (જે એર ઈન્ડિયાના કર્મચારી છે)ને અમુક સમય માટે કંપનીમાં કોઈ મેનેજમેન્ટ કામ ન આપવા જણાવ્યું છે.
ડીજીસીએએ જણાવ્યું હતું કે ફ્લાઇટના કમાન્ડિંગ પાયલોટે પેસેન્જર તરીકે મુસાફરી કરી રહેલા એર ઇન્ડિયાના કર્મચારીને નિયમોનું ઉલ્લંઘન કરીને ફ્લાઇટ દરમિયાન કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ 1937ના એરક્રાફ્ટ નિયમોને તોડવાની વાત છે. આ સાથે આ ઘટના મુસાફરોની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. આ પછી પણ એર ઈન્ડિયાએ કોઈ સુધારાત્મક પગલાં લીધાં નથી.
મામલો શું છે
ફ્લાઈટમાં પાયલોટ તેની ગર્લફ્રેન્ડને કોકપિટમાં લઈ ગયો. બંને એક કલાક ત્યાં રોકાયા. પાયલોટે ક્રૂને તેના માટે ગાદલા મંગાવવા અને દારૂ પીરસવાનું કહ્યું. જ્યારે ક્રૂએ કોકપિટમાં દારૂ પીરસવાની ના પાડી તો પાયલોટ ગુસ્સે થઈ ગયો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.
તે જ ફ્લાઇટના એક ક્રૂ મેમ્બરે DGCAને આ ઘટના અંગે ફરિયાદ કરી હતી. ક્રૂ મેમ્બરે કહ્યું કે તેણે એર ઈન્ડિયાના સીઈઓને પણ આ ઘટના અંગે જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આના પર 3 માર્ચે DGCAએ એક કમિટી બનાવીને તપાસ શરૂ કરી હતી. એરલાઈને તેના કર્મચારીઓને આ મામલે કંઈપણ બોલવાની મનાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DGCA દ્વારા ફ્લાઈટના ક્રૂને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.
DGCAએ 21 એપ્રિલે એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સન અને ફ્લાઈટ સેફ્ટી ચીફ હેનરી ડોનોહોને સમયસર ઘટનાની જાણ ન કરવા બદલ કારણદર્શક નોટિસ જાહેર કરી હતી. તેમને 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
ફરિયાદને વિગતવાર જાણો…
કેબિન ક્રૂએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ AI 915 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ ત્યારથી જ સમસ્યાઓનો સામનો કરી રહી હતી. પાઇલટ તેના રિપોર્ટિંગ સમયથી મોડો પહોંચ્યો હતો. ક્રૂ પણ તેની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ બાદમાં તે પાઇલટ્સને મળ્યા વિના પ્લેનમાં ચડી ગયા હતા. ફરિયાદ મુજબ મુસાફરોની સાથે પાઇલટ પણ પ્લેનમાં ચડ્યો હતો. પાઇલટ-ઈન્ચાર્જ આવતાની સાથે જ તેણે ક્રૂને બિઝનેસ ક્લાસમાં સીટોની ઉપલબ્ધતા વિશે પૂછ્યું, કારણ કે તેની એક મહિલા મિત્ર ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહી હતી. ક્રૂએ પાઈલટને જાણ કરી કે સીટ ખાલી નથી.
ફ્લાઇટ ક્રૂએ કોકપિટમાં દારૂ પીરવાની ના પાડી ત્યારે પાઇલટ ગુસ્સે થયો
ક્રૂએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે પાયલોટ-ઇન્ચાર્જે તેમને તેમની મહિલા મિત્રને ફોન કરવા કહ્યું. તેના આરામ માટે કેટલાક તકિયા પણ લાવવાનું કહ્યું. તેની મહિલા મિત્ર કોકપિટમાં આવી અને ફસ્ટ ઓબ્ઝર્વર સીટ પર બેઠી. પાયલોટે ક્રૂને કોકપિટમાં જ તેની મહિલા મિત્ર માટે ડ્રિંક્સ અને ફૂડ ઓર્ડર આપવાનું કહ્યું. ક્રૂએ તેને કહ્યું કે તેઓ કોકપિટમાં દારૂ પીરસવામાં આવશે નથી. તે પછી પાયલોટનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તે ગુસ્સે થઈ ગયો અને ચિડાઈ ગયો.
પાયલોટ સામાન્ય સ્થિતિમાં ન હતો જ્યારે મહિલા મિત્ર કોકપિટમાં હતી
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે પાયલોટની મહિલા મિત્ર કોકપિટમાં હાજર હતી અને ક્રૂ મેમ્બર તેની સાથે વાત કરવા ગયા ત્યારે તે સામાન્ય સ્થિતિમાં ન હતો. ફસ્ટ ઓફિસર તકિયો લઇને સૂઇ રહ્યા હતા અને પાયલોટ ઇન્ચાર્જ પાછળના ઓબ્ઝર્વર સ્ટેશનમાં મહિલા યાત્રી સામે બેસીને વાતો કરી રહ્યો હતો. પાયલોટ ઇન્ચાર્જે તેને ઇશારો કર્યો કે ફર્સ્ટ ઓફિસર(કો-પાઇલટ) કંટ્રોલ્ડ રેસ્ટ અને ઊંઘ લઇ રહ્યા હતાં.
ફરિયાદ કરનાર કેબિન ક્રૂએ એમ પણ જણાવ્યું હતું કે બંને પાયલોટ મહિલા મુસાફરની સાથે ઇમિગ્રેશન વિસ્તાર સુધી ગયા હતા. તેણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પરત ફરતી ફ્લાઇટ દરમિયાન પાયલોટ તેના પર ગુસ્સે હતો અને અભદ્ર ટિપ્પણી કરી હતી. પાયલોટની વર્તણૂકને ધ્યાનમાં લેતા, કેબિન ક્રૂએ ડીજીસીએ દ્વારા એર ફોર્સ મેડિકલ ટેસ્ટિંગ સ્ટેશન પર તેના માનસિક મૂલ્યાંકન માટે કહ્યું, કારણ કે તેણે મુસાફરોની સલામતી માટે જોખમ ઊભું કર્યું હતું.
નિર્ણય મંજૂર- એર ઈન્ડિયા
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે અમે ડીજીસીએના નિર્ણયને સ્વીકારીએ છીએ. જોકે, એર ઈન્ડિયાએ ફરિયાદ કર્યા પછી પણ કોઈ પગલાં લીધા ન હોવાના દાવાને અમે નકારી કાઢીએ છીએ. ત્યાં સંખ્યાબંધ આરોપો હતા જેને યોગ્ય પ્રક્રિયા અને ગુપ્તતા સાથે વ્યવહાર કરવાની જરૂર હતી, અને ફરિયાદ દાખલ થયા પછી તરત જ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.