એવું કહેવાય છે કે ચા વિના દિવસ અધૂરો…એમાં પણ ગુજરાતીઓના જીવનમાં ચાનું મહાત્મ્ય અનેરું છે. ચા-પ્રેમીઓને ચાની ચૂસકીનું નામ પડતાં જ રોમ રોમમાં શક્તિનો સંચાર થાય છે, પરંતુ તમને ખબર પડે કે દિવસ દરમિયાન જે કપમાં તમે ચાની ચૂસકી માણી રહ્યા છે એ જ કપ બુકીઓનો સટ્ટો રમવાનો નવો નુસખો બની ગયો છે. તો..! રાજકોટમાં બુકીઓ દ્વારા પંટરો સાથે સંપર્ક કરવા માટે હવે હાઇટેક ટેક્નિક અપનાવવામાં આવી છે.
કોડ સ્કેન કરતાં આઇડી ખૂલે છે
જેમાં ચાના કપમાં એક QR કોડ મૂકવામાં આવે છે, જેને સ્કેન કરતાં ઓનલાઇન જુગાર રમવા માટેનો આઇડી ખૂલે છે. આ ટેક્નિક એટલી બારીકાઈથી તૈયાર કરવામાં આવી છે કે ખુદ રાજકોટની શહેર પોલીસ પણ ઊંઘતી રહી ગઈ છે અને સટ્ટેબાજો IPLની સિઝનમાં પૂરજોશમાં સટ્ટો રમી રહ્યા છે. આ પ્રકારનું રેકેટ પ્રથમ વખત જ ભારતમાં ચાલી રહ્યું છે.
કાફેના લોગોની બાજુમાં છે સટ્ટાનો કોડ
છેલ્લા દોઢ મહિનાથી IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ચૂકી છે અને આ રોમાંચક IPLની શરૂઆત થતાંની સાથે સાથે મેચ દરમિયાન ક્રિકેટ મેચ પર રન ફેર તેમજ હાર-જીતનો જુગાર પણ શરૂ થઇ ગયો હતો. હાઈટેક યુગમાં બુકીઓ પણ હાઈટેક બની ગયા છે. પોલીસ પકડથી દૂર રહેવા અને પંટરો સાથે સીધો સંપર્ક ન થાય એ માટે બુકીઓ દ્વારા નવો કીમિયો અપનાવવામાં આવી રહ્યો છે. રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર આવેલા એક કાફેમાં ચાની પ્યાલીમાં ઓનલાઇન જુગારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કપની એક તરફ કાફેનો લોગો તેમજ બીજી તરફ ઓનલાઇન જુગાર માટે QR કોડ મૂકવામાં આવ્યો છે, જે સ્કેન કરવાથી ઓનલાઇન જુગાર રમવા માટે આગળ પ્રોસેસ કરી શકાય છે.
એક વેબસાઈટ ઓપન થાય છે
ચાની પ્યાલીમાં દર્શાવવામાં આવેલી જાહેરાતમાં PLAY AND WIN THIS IPL WITH MGLION નામની જાહેરાત મૂકવામાં આવી છે, જેની સાથે સાથે બાજુમાં મોટો એક QR કોડ પણ મૂકવામાં આવ્યો હોય છે. આ કોડ સ્કેન કરવાથી સૌપ્રથમ MGLION નામની વેબસાઈટ ઓપન થાય છે, જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ એટલે કે ક્રિકેટ મેચ, ફૂટબોલ, ઓનલાઇન કસીનો જેવી રમતનો સમાવેશ થાય છે. જોકે ગુજરાતમાં મહત્તમ IPLની ક્રિકેટ મેચ પર જુગાર રમવામાં આવતો હોવાથી IPLની દરેક મેચના ભાવ તેમજ ફેવરિટ ટીમ અંગે આ હોમ પેજમાં માહિતી આપવામાં આવે છે.
આ રીતે જુગાર શરૂ થાય છે
એટલું જ નહીં, આ પછી હોમ પેજ પર વ્હોટસએપનો સિમ્બોલ દર્શાવવામાં આવે છે, જેમાં ક્લિક કરવાથી 63********5 નંબર પર મેસેજ કરવાથી ઓટોમેટિક ઓનલાઇન આઈડી જોઈએ છે કે નહિ એવો અંગ્રેજીમાં મેસેજ લખાઈને આવે છે, જેને સેન્ડ કરવાથી ફરી મેસેજ આવે છે અને એમાં ‘આઈડી ચાહિયે સર’ એવો મેસેજ આવે છે. એમાં યસ લખવાથી સામેથી UPI આઈડી, ગૂગલ પે અને ફોન પેનો નંબર આપવામાં આવે છે, જેમાં ગૂગલ પે નંબર છે 765********9 જ્યારે ફોનપે નંબર છે 765********9 અને એમાં પ્રથમ ડિપોઝિટ 100 રૂપિયા આપવાની રહે છે એવો ઉલ્લેખ કરવામાં આવે છે.
DBના અહેવાલ બાદ પોલીસે તપાસ શરૂ કરી
આ અંગે ચોક્કસ તપાસ પણ કરવામાં આવશે અને જરૂર જણાશે ત્યારે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે કાફે સંચાલકને આ બાબતે જાણ થતાં તેમને આ કપ ગ્રાહકોને આપવાનું બંધ કરી દીધું હોવાનું પણ સામે આવી રહ્યું છે.