રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોઢુકા ગામે માવતરે રહેતી ધારીના સલાળા ગામની પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે વિંછીયા પોલીસમાં માનસિક ત્રાસ આપ્યા અંગે ફરિયાદ નોંધાવી છે. પત્નીને છોડી પતિ અન્ય યુવતી સાથે ચાલ્યો જતા પરિણીતાએ પતિ સહીત સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અવાર-નવાર ઝઘડો થતો હતો
24 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલ મારા પિતા તથા મારા માતા સાથે મોઢુકા ગામે રહું છું. મારા લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા વર્ષ 2018માં અમારા જ્ઞાતીના રીત રીવાજ મુજબ થયેલ અને હું પતિ અબ્દુલભાઇ સાથે અમારા સાસરે સલાળા ગામે રહેવા માટે ગયેલ અને અમારો લગ્ન સંસાર 4 વર્ષ સુધી વ્યવસ્થીત ચાલ્યો હતો અને ત્યારબાદ અમારે સંતાન બાબતે મારી સાસુ સાથે અવાર-નવાર ઝઘડો થતો હોય અને હું આજથી ચાર મહીના પહેલા મારા સાસુ સબાનાબેન કરીમભાઇ અડવાણી તથા મારા પતિ સાથે ઝઘડો થવાથી મારા સાસુએ મને માર ઢીકાપાટુનો માર મારેલ જેથી હું મોઢુકા આવતી રહેલ.
અન્ય છોકરીનો ફોન આવતો હતો
ત્યાર બાદ મારા પતિ મને તેડવા માટે આવેલા અને મને મારા પિતા તથા અમારા સમાજના આગેવાનો દ્વારા મને સમજાવીને પરત મારા સાસરે મોકલી આપેલ. એ પછી મારા સાસુ સસરાએ અમને ઘરેથી અલગ કરી દીધેલ અને જે પછી અમે મહુવા ખાતે રહેવા ગયેલા અને ત્યા અમે થોડો ટાઈમ રહેલા. મારા પતિના મોબાઈલમાં કોઇ અન્ય છોકરીનો ફોન આવતો હતો અને તે તેમની સાથે વાત-ચિત કરતા હોય જેથી અમે તેમને પુછેલ કે, આ કોણ છે જેથી તેમણે મને સત્ય કહેલ નહી. જે પછી મને ખબર પડી કે મારા પતિનું કોઈ અન્ય સ્ત્રી સાથે અફેર છે.
તેણે મારા પતિનો સાથે આપ્યો
આ વાત સાસુ સસરાને કરતા તેણે પણ મારા પતિનો સાથે આપ્યો હતો અને હું ખોટી વાત કરું છું તેમ કહ્યું હતું. મારા સાસુએ મને આ બાબત બાદ મારા પિતાના ઘરે જતા રહેવાનું કહેતા હું માવતરે રહેવા આવી ગઈ હતી. સમાધાનની વાત ચાલતી હતી પણ મારા પતિ અન્ય કોઈ છોકરી સાથે ચાલ્યા જતા અંતે મેં ફરિયાદ નોંધાવી છે. હાલ વિંછીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.