News Updates
GUJARAT

બાર્બી ડોલ છે, રમાડનાર છે, પણ મા-બાપ નથી:સુરતમાં પિતાએ આંબે ફાંસો ખાધો ને 6 વર્ષીય દીકરી રડતી રહી, માતા-પિતાવિહોણી બાળકીને જોઈ પોલીસનું હૈયું પણ દ્રવી ઊઠ્યું

Spread the love

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં છ વર્ષીય માસૂમ બાળકી નિરાધાર બનવાની હદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં પિતાની લટકતી લાશ પાસે ઊભી રહી રડતી બાળા સાથે પોલીસે કરેલી વાતચીતમાં બહાર આવેલી હકીકત સાંભળી ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. માતાવિહોણી દીકરીને જોઈ પોલીસ પણ બેઘડી વિચારતી થઈ ગઈ હતી. હાલ તો પોલીસ દ્વારા બાળકીની સંભાળ રાખવામાં આવી રહી છે.

બાળકો સતત રડારોળ કરી રહ્યાં હતાં
ગત રોજ પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી હતી. મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ આ દૃશ્ય જોઈ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી વિગત આપી હતી કે આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી છે અને લાશ પાસે એક બાળકી ઊભી છે, જે સતત રડી રહી હતી.

પિતાએ ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો
બાળકીની ઉંમર ફક્ત છ વર્ષની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક સરથાણા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે દોડાવાઈ હતી. ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કરેલી તપાસમાં માસૂમ બાળકીએ પોતાનું નામ નેન્સી (ઉં.વ. 6) અને ઝાડ સાથે લટકી રહેલી લાશ તેના પિતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ (ઉં.વ. 40)ની હોવાનું જણાવ્યું હતું. આગળ નેન્સી પાસેથી વધુ માહિતી જાણ્યા બાદ પોલીસના માણસો અને ત્યાં હાજર લોકો ભારે આઘાત પામ્યા હતા.

કોરોનામાં માતાનું પણ અવસાન થઈ ચૂક્યું છે
પોલીસે જણાવ્યું હતું કે મૃતક ધર્મેન્દ્ર ભાવનગરનો વતની હતો. શનિવારે વતનથી પરત ફર્યા બાદ પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયો હતો. ત્યાર બાદ રાત્રિ દરમિયાન નેન્સી ઊંઘી જતાં તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લીધું હતું. નેન્સીએ કોરોનામાં માતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાનું કહ્યું હતું.

દીકરી તદ્દન નોધારી થઈ જતાં પોલીસ બેઘડી વિચારતી થઈ ગઈ
નેન્સી માતા-પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડમાં તેનું લંબે હનુમાન રોડ સ્થિત રેણુકા ભવનનું સરનામું મળી આવ્યું છે. માતાના મોત બાદ પિતાએ આપઘાત કરી લેતાં આ દીકરી તદ્દન નોધારી થઈ જતાં પોલીસ પણ બેઘડી વિચારતી થઈ ગઈ હતી. માતા-પિતાનાં મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે? એવી ચર્ચા ઘટનાસ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી.

‘શી’ટીમ બાળકીની સંભાળ રાખી રહી છે
હાલ તો એકાએક નોધારી બનેલી આ નાનકડી બાળા નામે નેન્સીને પોલીસે પોતાની પાસે રાખી લીધી છે. ‘શી’ ટીમ તેની સાર-સંભાળ રાખી રહી છે. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડના સરનામે પોલીસે તપાસ કરાતાં ત્યાં કોઈ મળ્યું ન હતું, પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જૂનાગઢ વિસાવદરના ભટ્ટ પરિવારની માહિતી મળી હતી. જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલીવારસને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી. જો બાળકીના વાલી વારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરાશે.

બાળકીને તેના ઘરે અને મંદિર સહિતની જગ્યાઓ પર લઈ જવાઈ
મહિલા પીએસઆઇ બીડી મારુએ જણાવ્યું હતું કે આ બાળકીના પિતાએ આપઘાત કરી લીધો હતો. બાળકીના પિતા હીરાના કારીગર હતા. જોકે કામ ન મળવાના કારણે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. બાળકીને પરિવારની હૂંફ આપવામાં આવી રહી છે. બાળકીને તેના ઘરે અને મંદિર સહિતની જગ્યાઓ પર લઈ જઈ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે. બાળકીને તેનાં માતા-પિતાની ગેરહાજરીનો અહેસાસ ન થાય એ માટે પોલીસ પરિવાર દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.


Spread the love

Related posts

Generic Medicine:ડોક્ટરો શા માટે નથી લખી આપતા જેનરિક દવા? શું જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે

Team News Updates

ગાંધીનગર : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર છે પોલીસકર્મીનો જ પુત્ર, કલોલમાંથી ધરપકડ

Team News Updates

ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી 4 ફેક્ટરી પર ગઈકાલે મહેસાણા અને ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. 

Team News Updates