લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વધુ એક ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો પૈકી 3 બેઠક આગામી ઓગસ્ટ માસમાં ખાલી થતી હોવાને કારણે રાજ્યસભાની 3 બેઠક પર ચૂંટણી માટે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સંભવત: આ ચૂંટણી ઓગસ્ટ માસમાં યોજાશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

8 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસના સાંસદ
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે, આ તમામ બેઠકો પૈકી આઠ બેઠક ભાજપ પાસે અને ત્રણ કોંગ્રેસ પાસે છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા હવે ગુજરાત ચૂંટણીના પરિણામોના આધારે ભાજપને કોંગ્રેસ પક્ષની પણ બે બેઠક નો ફાયદો મળી શકે છે. તેની પાછળ કારણ એ છે કે ભાજપના રાજ્યસભાના ત્રણ સભ્ય એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવાડિયા ઓગસ્ટ 2023માં નિવૃત્ત થશે. આ ત્રણ બેઠક જીતવામાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડે.
તો બીજી તરફ, એપ્રિલ 2024માં લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે. એટલે 2024માં કોંગ્રેસની આ બંને બેઠક પર ભાજપની નજર રહેશે.
ભાજપની વિધાનસભામાં બહુમતી જોતા ત્રણેય બેઠક જીતવી સરળ
ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્યારે ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ 2026માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠકો હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ 11 રાજ્યસભા બેઠક માટે ભાજપે 2026 સુધી રાહ જોવી પડશે.
ગુજરાત ના રાજ્યસભા સાંસદ
રાજ્યસભા સભ્યો | નિમણૂક | નિવૃત્તિ |
એસ. જયશંકર (ભાજપ) | 6 જુલાઈ, 2019 | 18 ઓગસ્ટ, 2023 |
જુગલજી માથુરજી ઠાકોર (ભાજપ) | 6 જુલાઈ, 2019 | 18 ઓગસ્ટ, 2023 |
દિનેશચંદ્ર અનાવાડિયા (ભાજપ) | 22 ફેબ્રુ., 2021 | 18 ઓગસ્ટ, 2023 |
પરસોત્તમ રૂપાલા (ભાજપ) | 3 એપ્રિલ, 2018 | 2 એપ્રિલ, 2024 |
મનસુખ માંડવિયા (ભાજપ) | 3 એપ્રિલ, 2018 | 2 એપ્રિલ, 2024 |
અમી યાજ્ઞિક (કોંગ્રેસ) | 3 એપ્રિલ, 2018 | 2 એપ્રિલ, 2024 |
નારણભાઇ રાઠવા (કોંગ્રેસ) | 3 એપ્રિલ, 2018 | 2 એપ્રિલ, 2024 |
રામભાઇ મોકરિયા (ભાજપ) | 22 ફેબ્રુ., 2021 | 21 જૂન, 2026 |
રમીલાબહેન બારા (ભાજપ) | 22 જૂન, 2020 | 21 જૂન, 2026 |
નરહરિ અમીન (ભાજપ) | 22 જૂન, 2020 | 21 જૂન, 2026 |
શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ) | 22 જૂન, 2020 | 21 જૂન, 2026 |
હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોઈ બેઠક ખાલી નહીં થાય
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠક છે, જે ત્રણેય ભાજપ પાસે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપને કોઇ નુકસાન નથી, પરંતુ એપ્રિલ 2024માં હિમાચલથી હાલના સાંસદ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા નિવૃત્ત થશે. ભાજપ માટે તેમને ફરી હિમાચલથી રાજ્યસભામાં મોકલવા શક્ય નહીં હોય. કારણ કે હાલ હિમાચલમાં કોંગ્રેસ પાસે ભાજપથી વધુ બેઠકો છે. તેથી તેમને કોઈ બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં મોકલવા પડે તેવી સ્થિતિ છે.
2024 પછી નડ્ડા બીજા રાજ્યમાંથી રાજ્યસભા જઈ શકે
રાજ્યસભા સભ્યો | નિમણૂક | નિવૃત્તિ |
જે.પી. નડ્ડા (ભાજપ) | 3 એપ્રિલ, 2018 | 2 એપ્રિલ, 2024 |
ઇન્દુ ગોસ્વામી (ભાજપ) | 10 એપ્રિલ, 2020 | 9 એપ્રિલ, 2026 |
સિકંદર કુમાર (ભાજપ) | 3 એપ્રિલ, 2022 | 2 એપ્રિલ, 2028 |
રાજ્યસભાનું વિસર્જન થતું નથી, કાયમી ગૃહ
દેશમાં રાજ્યસભાની રચના વર્ષ 1954માં 23 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. રચનાનો હેતુ કાયમી ગૃહ રાખવાનો હતો. જે રીતે લોકસભાનું વિસર્જન કરી શકાય છે, તેવી જ રીતે રાજ્યસભાનું વિસર્જન થતું નથી કારણ કે તેને કાયમી ગૃહ માનવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પણ ચૂંટાયેલા સાંસદ કરતાં એક વર્ષ વધુ એટલે કે છ વર્ષનો હોય છે. બંધારણના અનુચ્છેદ 80 મુજબ રાજ્ય સભામાં કુલ સભ્યોની સંખ્યા 250 હોઈ શકે છે. આ 250માંથી 238 સભ્યો કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ માંથી ચૂંટાયા છે. બાકીના 12 સભ્યો દેશની કોઈપણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ શકે છે. જેને રાષ્ટ્રપતિ નામાંકિત કરે છે.