વર્ષ 2021-22માં લોકડાઉન અને કોરોનાના સમયગાળામાં સેમિકન્ડકટરની શોર્ટેજના કારણે ઓટો કાર અને કોમ્પ્યુટર ક્ષેત્રે ઉત્પાદનને ખૂબ જ મોટાપાયે ફટકો પડ્યો હતો. એક નાનકડી એવી ચીપ આખા વિશ્વમાં ચર્ચાનું કારણ બની હતી ત્યારે ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2021માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” ને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સ થકી ગુજરાતમાં 53 હજારથી વધુ નવી રોજગારીનું સર્જન થશે. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. 76 હજાર કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.
આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે. આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન દ્વારા વર્ષ 2021માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” શરૂ કરાયું હતું.
ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2020માં 15 અબજ ડોલરનું હતું, જે વર્ષ 2026 સુધીમાં 400 ટકાથી વધુની હરણફાળ સાથે 63 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. વડાપ્રધાનના “વિકસિત ભારત@2047” ના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી- વર્ષ 2022થી 2027 લોન્ચ કરી છે. આ પોલિસીના સરળ અને શ્રેષ્ઠ અમલીકરણ માટે એક સમર્પિત “ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન” ની સ્થાપના કરીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહન આપવા તરફ હરણફાળ ભરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અગાઉ સાણંદ ખાતે રૂ. 22,500 કરોડથી વધુની કિંમતના માઈક્રોન કંપનીના સેમિકંડક્ટર ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એવી જ રીતે, ધોલેરા સેમિકોન સિટી ખાતે રૂ. 91,000 કરોડથી વધુના ખર્ચે ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) અને ટાઈવાનની કંપની PSMC દ્વારા કરવામાં આવશે. સાણંદ GIDCમાં કુલ રૂ. 7,500 કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિકંડક્ટર OSAT ફેસિલિટીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે, આ પ્લાન્ટ દ્વારા રૂ. 3300 કરોડના રોકાણ સાથે અંદાજે 60 લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરવામાં આવશે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરવામાં આવેલ રોકાણના ફળસ્વરૂપે રાજ્યમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડક્ટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે તેમજ ઓટો, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને ટેલિકોમ જેવા સંબંધિત ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરીને ગુજરાત ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા બાબતે અગ્રેસર રાજ્ય બન્યું છે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગોને મૂડી ખર્ચ તેમજ સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવામાં ગુજરાત સરકાર સતત સહાયરૂપ બની રહી છે. ભારત સરકાર દ્વારા આવા સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન એકમોને પૂરી પાડવામાં આવતી મૂડી ખર્ચ સહાય ઉપર રાજ્ય સરકાર દ્વારા આ સહાયના 40 ટકા વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું એક વખતનું 100 ટકા વળતર આપવામાં આવશે. આ સાથે જ વૈશ્વિક સ્પર્ધાત્મક દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠામાં પણ રૂ. 2 પ્રતિ યુનિટની સબસિડી, રૂ. 12 પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાના પાણીની સુવિધા તેમજ વીજળી ડ્યુટીમાંથી મુક્તિ જેવાં વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતના ધોલેરાને “સેમિકોન સિટી” તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકન્ડક્ટર યુનિટને કેટલાક વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં ફેબ પ્રોજેક્ટ માટે જમીનની ખરીદી પર 75 ટકા સુધીની સબસિડીનો સમાવેશ થાય છે. આ સાથે ધોલેરાને ભારતના પ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો લાભ ઉદ્યોગો અને નાગરિકોને વધુ સારી રીતે મળી શકશે.
સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે સાનુકૂળ ઇકો-સિસ્ટમનું નિર્માણ કર્યું છે. જેના પરિણામે આજે ગુજરાત સેમિકન્ડક્ટર કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. જેની ફળશ્રુતિ રૂપે ગુજરાતમાં 4 જેટલી સેમિકન્ડક્ટર કંપનીઓ દ્વારા કુલ રૂ. 1.24 લાખ કરોડના રોકાણ સાથે નવા પ્રોજેક્ટસ બનવા જઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં નવી સંભવિત 53 હજાર જેટલી રોજગારીનું સર્જન થશે, એમ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગની યાદીમાં જણાવ્યું છે.